SURAT

સુરત મનપાના સ્ટાફની દાદાગીરી: પાંડેસરામાં ગટરનો કચરો ગરબા સ્થળ પર નાંખ્યો, લોકો ગુસ્સે ભરાયા

ગટરનો કચરો સુરત મનપાનો સ્ટાફ ગરબાના સ્થળે નાંખી જતાં ગુસ્સે ભરાયેલા લોકોએ વીડિયો બનાવી કર્યું આવું કામ
સુરત: પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં ડ્રેનેજ લાઈનની સફાઇ બાદ કચરો માતાજીની ગરબાના સ્થળે જ ઢગલો કરી મનપાનો સ્ટાફ ચાલ્યો ગયો હતો. મોડી સાંજ સુધી કોઇ સફાઇ કરવા નહીં આવતાં લોકોએ કચરાને પુન: ગટરમાં નાંખી દઇ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

  • પાંડેસરામાં ગટરમાંથી નીકળેલો કચરો મનપાનો સ્ટાફ ગરબાના સ્થળે નાંખી જતાં હોબાળો
  • પાંડેસરાના ફેમસ કોર્પોરેટર શરદ પાટીલને રજૂઆત કરી તો ઉડાઉ જવાબ આપ્યો
  • ભક્તોએ જાતે કચરો પુનઃ ડ્રેનેજ લાઈનમાં નાંખી માતાજીની આરતી કરી

મળતી વિગત મુજબ જે સ્થળે સોસાયટીના રહેવાસીઓ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે તે જ સ્થળે ડ્રેનેજ લાઈનમાંથી નીકળેલી ગંદકીનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો. સોસાયટીના રહેવાસીઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટર શરદ પાટીલને ફરિયાદ કરવામાં આવતાં તેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો.

આખરે નાછૂટકે રહેવાસીઓ દ્વારા કચરો ડ્રેનેજ લાઈનમાં જ નાંખીને ગટરનું ઢાંકણું બંધ કરી દેવામાં આવ્યું હતું. આ અંગેની ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે શરદ પાટીલ અને અને વહીવટી તંત્ર દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે.

પાંડેસરામાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઈનમાં સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગેની ફરિયાદને પગલે વહીવટી તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનની સફાઈ હાથ ધર્યા બાદ તેમાંથી નીકળેલી ગંદકી અને કચરો ગટરની પાસે જ ઠાલવી દેવામાં આવ્યો હતો.

જો કે, અત્યંત દુર્ગંધ મારતાં કચરા અને ગંદકીને લીધે સોસાયટીના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને આ અંગે વહીવટી તંત્રની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટર શરદ પાટીલને પણ ફરિયાદ કરી હતી.

બીજી તરફ આ સ્થળે જ સોસાયટીના રહેવાસીઓ દ્વારા માતાજીની આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવતું હોવાને કારણે પણ ત્વરિત સાફસફાઈ માટે રજૂઆત કરવામાં આવી હતી. આવિર્ભાવ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને રજૂઆત છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

દિવસ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનના કચરાની સાફસફાઈ નહીં કરાતાં અંતે સ્થાનિકોએ જાતે જ ગંદકી અને કચરો પુનઃ ડ્રેનેજ લાઈનમાં ઠાલવી દઈ ગટરનું ઢાંકણું બંધ કરી દીધું હતું. આ અંગે રહેવાસીઓએ જણાવ્યું હતું કે, માતાજીની આરતી અને ગરબાનો સમય થઈ રહ્યો હોવાને કારણે નાછૂટકે ગંદકી અને કચરો ડ્રેનેજ લાઈનમાં ઠાલવવાની ફરજ પડી હતી.

હું સવારથી જ લોકોની સમસ્યા જાણવા રાઉન્ડ મારું છું: શરદ પાટીલ
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.28 (પાંડેસરા-ભેસ્તાન)માં ભાજપના કોર્પોરેટર શરદ નામદેવ પાટીલે જણાવ્યું હતું કે, મારા હિતશત્રુઓ દ્વારા મને બદનામ કરવા માટે આ રીતનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જો કે, આ વિસ્તારમાં સફાઈ કેમ ન થઈ એ અંગે તેમણે મગનું નામ મરી પાડવાને બદલે પોતે સવારથી જ મત વિસ્તારમાં નાગરિકોની સમસ્યા અંગે રાઉન્ડ પર નીકળી જતાં હોવાની કેફિયત રજૂ કરી હતી.

Most Popular

To Top