Gujarat

કરોડો કમાવા 200 બોગસ કંપની બનાવીઃ પત્રકારની ધરપકડ, ભાજપના નેતાના પુત્રની પૂછપરછ

ગાંધીનગર: રાજ્યમાં 200 જેટલી બોગસ કંપનીઓએ બોગસ બિલિંગના આધારે અંદાજિત 2000 કરોડની ટેકસ ચોરી કરી છે. સમગ્ર કૌભાંડની તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે. જયારે આજે પુછપરછ બાદ દિલ્હીના અગ્રણી અખબારના અમદાવાદ સ્થિત પત્રકાર મહેશ લાંગાની સાથે ચારની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાજપના ભગવાન બારડના પુત્ર તથા ભત્રીજાની પુછપરછ કરાઈ રહી છે. આગામી એક સપ્તાહની અંદર વધુ પાંચ આરોપીઓની ધરપકડ થાય તેવી સંભાવના રહેલી છે. અંદાજિત 2000 કરોડની કરોડોની ટેકસ ક્રેડિટ ચોરીમાં સીજીએસટીની 28 પાનાની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ, સુરત , જુનાગઢ, ખેડા અને ભાવનગર ખાતે 14 સ્થાનો પર દરોડા પાડયા હતા.

ક્રાઈમ બ્રાન્ચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, બોગસ બિલિંગ અને નકલી ડોકયુમેન્ટના આધારે બોગસ કંપનીઓએ કરોડોની ટેકસ ચોરી કરી છે, તેના પુરાવા પણ સીજીએસટી દ્વારા પુરા પાડવામાં આવ્યા છે. આ ટેકસ ચોરીની રકમ 2000 કરોડ સુધી જાય તેવી સંભાવના રહેલી છે. 200 જેટલી ખોટી રીતે બનાવેલી કંપની દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ બનાવી હતી. અલગ-અલગ કંપનીઓમાંથી બોગસ બિલિંગનું કૌભાંડ મળી આવ્યું છે.

સીજીએસટી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ધ્રુવી એન્ટરપ્રાઈઝ, અરહંમ સ્ટીલ , ઓમ કન્સ્ટ્રકશન, શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઈઝ, રાજ ઈન્ફ્રા, હરેશ કન્સ્ટ્રકશન, ડીએ એન્ટરપ્રાઈઝ, ઈથીરાજ કન્સ્ટ્રકશન, બીજે ઓડેદરા , આર એમ દાસા ઈન્ફ્રાસ્ટ્રકચર, આર્યન એસોસિએટસ, પૃથ્વી બિલ્ડર્સ અને પરેશ પ્રદિભભાઈ ડોડિયાની કંપની સામે તપાસ ચાલી રહી છે. ધ્રુવી એન્ટરપ્રાઈઝ શાપર રાજકોટની સામે તપાસ દરમ્યાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. સમગ્ર ટેકસ ચોરી કૌભાંડની શરૂઆત ધ્રુવી એન્ટરપ્રાઈઝથી થઈ છે. આ કૌભાંડના તાર ગુજરાતની બહાર અન્ય રાજયોમાં પણ જોડાયેલા છે.

કોની કોની સામે સીજીએસટીએ પોલીસ ફરિયાદ નોંધાવી
ધ્રુવી એન્ટરપ્રાઇસ, અરહંસ સ્ટ્રીટના નિમેશ વોરા અને હેતલ વોરા સામે ફરિયાદ નોંધાય છે. તો ઓમ કન્સ્ટ્રક્શનના રાજેન્દ્ર સરવૈયા, વનરાજ સિંહ, બ્રીજરાજ સિંહ, હિત્વરાજ સિંહ સરવૈયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. કન્કેશ્વરી એન્ટરપ્રાઈસ કાળુ વાઘ, પ્રફુલ્લ, મનન અને જયેશ વાજા અને વિજય વાઘ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સિવાય રાજ ઈન્ફ્રાના રત્નદિપ ડોડિયા, જયેશ સુરતીયા, અરવિંદ સુરતીયા, હરેશ કસ્ટ્રક્શનના નિેલેશ નસીત, જ્યોતિષ ગોંડલિયા અને પ્રભાબેન ગોંડલિયા, ડીએ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર, ઈથીરાજ કંન્સ્ટક્શનના પ્રાઈવેટ લી.ના પ્રોપરાઈટર સામે ફરિયાદ નોંધાય છે. આ સિવાય બીજે ઓડેદરા પ્રોપરાઈટર્સ, આર એમ દાસા ઈનફ્રાસ્ટ્રક્ચર પ્રા. લીના પ્રોપરાઈટર્સ, આર્યન એસોસીએટ્સના પ્રોપરાઈટર્સ, પૃથ્વી બિલ્ડર્સના પ્રોપરાઈટર્સ, પરેશ પ્રદિપભાઈ ડોડિયા સામે ફરિયાદ દાખલ થઈ છે.

બોગસ બિલિંગ કૌભાંડમાં કોની કોની ધરપકડ કરવામાં આવી: સુરતના જ્યોતિષભાઈ મગનભાઈ ગોંડલિયા (ઉ.વ 42, ધંધો, કન્સ્ટ્રક્શન, રહે.શુકન રેસિડેન્સી, મોટા વરાછા સુરત, મૂળ રહે. વિઠ્ઠલપુર, ખંભાળિયા, અમરેલી), એઝાજ ઉર્ફે માલદાર ઈકબાલભાઈ માલદાર ( ઉ.વ. 30, રહે, ભાવનગર), અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમજભાઈ કાદરી (ઉ.વ.33, રહે, બાગેફિરદોશ ફ્લેટ, ભાવનગર), મહેશદાન લાંગા (ઉ.વ.44, રહે, અમદાવાદ)

Most Popular

To Top