Comments

હરિયાણામાં ભાજપને ત્રીજી વાર લોટરી કેવી રીતે લાગી ગઈ?

હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. હરિયાણામાં છેલ્લાં દસ વર્ષથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં સીધો મુકાબલો હતો. ૯૦ સભ્યોની વિધાનસભાની મોટા ભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે હતાં. હરિયાણામાં બહુમતી માટે ૪૬ બેઠકો જરૂરી છે અને ભાજપ ૪૯ બેઠકો પર આગળ છે. તેની પાસે ૪૦થી વધુ બેઠકો પર નિર્ણાયક લીડ છે.

આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે હરિયાણામાં ભાજપની સરકારની રચના લગભગ નિશ્ચિત છે. હરિયાણામાં કોંગ્રેસ ૩૫ સીટો જીતી રહી છે. તે બહુમતથી ૧૦ સીટો દૂર છે.એક્ઝિટ પોલ અને ચૂંટણી પંડિતોની આગાહીઓને ખોટી પાડીને ભાજપ પક્ષ રાજ્યમાં સંપૂર્ણ બહુમતી હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે. સવાલ એ ઊઠી રહ્યો છે કે ભાજપે હારની બાજી કેવી રીતે જીતમાં ફેરવી કાઢી?

મંગળવારે સવારે હરિયાણા વિધાનસભાના નિર્દેશો આવવા લાગ્યા ત્યારે કોંગ્રેસ ભાજપથી બહુ આગળ હતી અને તેની સરકાર બનવા જઈ રહી હતી. સવારે ૧૦ વાગ્યા પછી અચાનક બાજી પલટાઈ ગઈ અને ભાજપનો ઘોડો રેસમાં આગળ નીકળી ગયો. બપોરે ત્રણ વાગ્યે હજુ કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા કહી રહ્યા હતા કે તેમના પક્ષને બહુમતી મળી શકે છે. તેમણે તો ચૂંટણી પંચ પર પરિણામોને દબાવી રાખવાનો આક્ષેપ પણ કર્યો છે. અત્યાર સુધીનાં વલણો મુજબ ભાજપ ત્રીજી વખત બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. પરિણામોમાં વલણો નહીં બદલાય તો ભાજપ ઈતિહાસ રચશે. હરિયાણામાં આજ સુધી કોઈ પાર્ટીએ ત્રીજી વખત સરકાર બનાવી નથી.

એક્ઝિટ પોલથી પ્રોત્સાહિત કોંગ્રેસને સાંસદ કુમારી સેલજાની નારાજગીને કારણે મોટો ફટકો પડ્યો છે. તેમણે પોતાને મુખ્ય પ્રધાનપદ માટેનાં દાવેદાર જાહેર કર્યાં હતાં. કુમારી સેલજા વિશે ભૂપેન્દ્ર હુડ્ડાના સમર્થકની અભદ્ર ટિપ્પણીએ ચોક્કસ વર્ગને નારાજ કર્યો છે. કુમારી સેલજાએ પોતે ૧૨ દિવસ સુધી મૌન જાળવ્યું હતું. ભાજપે આ મુદ્દાને દલિતોના અપમાન સાથે જોડ્યો અને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. બાદમાં તેમણે રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર દેખા દીધી હતી.

હરિયાણાની ચૂંટણીમાં હંમેશા છત્રીસ જ્ઞાતિઓની વાત થાય છે.  છત્રીસ જાતિઓ મળીને હરિયાણાનું સામાજિક માળખું બનાવે છે. ચૂંટણીમાં પણ તમામ પક્ષો જ્ઞાતિનાં સમીકરણો પર આધાર રાખતા થયા છે. આ ચૂંટણી વિશે વાત કરીએ તો કોંગ્રેસ મુખ્યત્વે જાટ મતો પર નિર્ભર હોવાનું જણાયું હતું, જેઓ લગભગ ૨૨ ટકા વસ્તી ધરાવે છે. તેનું કારણ ખેડૂતોના આંદોલન પછી ભાજપ પ્રત્યે જાટોનો અસંતોષ હતો. તે જ સમયે કોંગ્રેસની નજર લગભગ ૨૧ ટકા દલિત અને લઘુમતી મુસ્લિમો અને શીખોના મતો પર હતી.

કોંગ્રેસ જાટ-દલિત સમીકરણ બનાવતી જોવા મળી હતી તો બીજી તરફ ભાજપે બિન-જાટ મતો અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ને એક કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હરિયાણામાં ઓબીસીની વસ્તી લગભગ ૩૫ ટકા છે. ભાજપે બિન-જાટ મતોને તેના પરંપરાગત ઉચ્ચ જાતિના મતો સાથે જોડ્યા હતા. ભાજપે ઘણી ચૂંટણી ઝુંબેશમાં પણ અનુસૂચિત જાતિ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો અને કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું. આનો સીધો ફાયદો ભાજપને થયો અને હરિયાણામાં તેને હેટ્રિકની નજીક લાવી દીધો હતો.

આ વખતે કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ખૂબ જ મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. આ સાથે જ ભાજપ પૈસા ખર્ચના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઊતર્યો હતો. ભાજપે પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે હરિયાણાની પૂર્વ હુડ્ડા સરકારે તેના કાર્યકાળ દરમિયાન લગભગ ૮૫ હજાર સરકારી નોકરીઓ આપી હતી, જ્યારે તેના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપ સરકારે ૧ લાખ ૪૭ હજાર સરકારી નોકરીઓ આપી છે, જે કોંગ્રેસ કરતાં બમણી છે.  ભાજપે પણ કોઈ પણ કાપલી વગર અને કોઈ પણ ખર્ચ વગર નોકરી આપવાનું ચૂંટણી સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો અને યુવાનો પાસેથી વોટ માંગ્યા હતા. રાજ્યમાં ૧૮ થી ૩૯ વર્ષની વયના યુવાનોનાં આશરે ૯૪ લાખ મતદારો છે. ભાજપનો ખર્ચ વગર નોકરીનો મુદ્દો યુવાનોને પ્રભાવિત કરી ગયો હતો.

જો હરિયાણામાં કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીઓની વાત કરીએ તો INLD-BSP ગઠબંધન અને JJP-SP ગઠબંધન પણ મેદાનમાં હતા. બંને ગઠબંધન નિષ્ફળ ગયાં હતાં. જેજેપી અને આઈએનએલડી જાટ પર નિર્ભર પક્ષો છે જ્યારે એસપી અને બીએસપી દલિતો પર આધારિત પક્ષો છે. આવી સ્થિતિમાં નજીકની સ્પર્ધાવાળી બેઠકો પર આ જોડાણો ભાજપને બદલે કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થયાં હતાં. ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૦ બેઠકો જીતનારી JJP આ વખતે શૂન્ય થઈ ગઈ છે. હરિયાણાના બે પડોશી રાજ્યોમાં શાસન કરતી આમ આદમી પાર્ટી પણ હરિયાણામાં એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી. હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ બાદ અપક્ષો મહત્તમ ચાર બેઠકો પર આગળ છે. બીએસપી અને આઈએનએલડી એક-એક સીટ પર આગળ હતી.

હરિયાણામાં ભાજપ હેટ્રિક કરવા જઈ રહ્યો છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે, કારણ કે હરિયાણામાં સતત ત્રીજી વખત કોઈ પાર્ટીએ ચૂંટણી જીતી નથી. હરિયાણાના ઈતિહાસમાં ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપ આ પહેલાં ક્યારેય ૫૦ના આંકડાને સ્પર્શી શક્યો નથી. હરિયાણામાં ભાજપની હેટ્રિક માટે મુખ્યમંત્રી બદલવાની ફોર્મ્યુલાને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે.

આ વર્ષે માર્ચમાં ભાજપે મનોહર લાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.  મનોહરલાલ ખટ્ટર પંજાબી હતા, ત્યારે નાયબ સૈની ઓબીસી સમુદાયમાંથી આવ્યા હતા. મનોહરલાલ ખટ્ટરને હટાવીને નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવો એ ભાજપ માટે નફાકારક સોદો રહ્યો છે. તમામ એક્ઝિટ પોલ પણ હરિયાણામાં ભાજપની વિદાય અને કોંગ્રેસની વાપસીની આગાહી કરી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી જે ટ્રેન્ડ અને પરિણામો સામે આવ્યાં છે તેના પરથી ચિત્ર લગભગ સ્પષ્ટ છે કે ભાજપ પક્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ કરતાં પણ મોટી જીત હાંસલ કરવા જઈ રહ્યો છે.

હરિયાણાની રાજનીતિમાં જાટોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખેડૂતોના આંદોલન અને પછી કુસ્તીબાજોના આંદોલનને કારણે જાટ મતદારો ભાજપથી નારાજ હોવાનું માનવામાં આવતું હતું. આ સિવાય એવું પણ માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના કારણે કોંગ્રેસને વધુ જાટ વોટ મળવાની ધારણા હતી. આવી સ્થિતિમાં ભાજપે ઓબીસી ફેક્ટરનો સફળતાપૂર્વક ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.  આ વર્ષના માર્ચમાં જ્યારે ભાજપે મનોહરલાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને મુખ્ય પ્રધાન બનાવ્યા ત્યારે તેને ચૂંટણીનો જુગાર માનવામાં આવતો હતો. ભાજપે ઘણાં રાજ્યોમાં ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી બદલ્યા હતા.

 આ ચૂંટણીમાં ભાજપે નાયબ સિંહ સૈનીના ઓબીસી ચહેરા પર જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. એવું માનવામાં આવે છે કે નાયબ સિંહ સૈનીના કારણે ભાજપે એન્ટી ઈન્કમ્બન્સી ઓછી કરવા ઉપરાંત ઓબીસી વોટ પણ મજબૂત કર્યા હતા. ભાજપે ઘણાં રાજ્યોમાં ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી બદલ્યા હતા. આમ કરીને ભાજપે સત્તા વિરોધી માનસિકતા દૂર કરી હતી. હરિયાણા પાંચમું રાજ્ય હતું, જ્યાં ચૂંટણી પહેલાં ભાજપે મુખ્ય મંત્રીનો ચહેરો બદલી નાખ્યો હતો અને તેનો ફાયદો તેને જોવા મળી રહ્યો છે.

આ પહેલાં ભાજપે જે રાજ્યોમાં મુખ્ય મંત્રી બદલ્યા છે તેમાંથી કર્ણાટક સિવાય તમામ રાજ્યોમાં આ ફોર્મ્યુલા હિટ રહી છે. ૨૦૨૨ની ચૂંટણી પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૧માં ભાજપે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્રસિંહ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ૨૦૨૨માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભાજપે ૧૫૬ બેઠકો જીતી હતી. હરિયાણામાં પણ ભાજપની મેજિક ફોર્મ્યુલા કામ કરી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top