સરકારી હોય કે ખાનગી, જ્યારે પાઠયપુસ્તકો, અભ્યાસક્રમ, શિક્ષણ, શિક્ષણતંત્ર એક સમાન હોય તો શિક્ષક તરીકે કામ કરતાં રાષ્ટ્રનિર્માતાઓ સાથે અન્યાય શા માટે? માત્ર એક શિક્ષક યોગ્યતા કસોટી (ટાટ, ટેટ) શિક્ષકને શિક્ષક તરીકેની ઓળખ, વેતન, પાત્રતા અને સન્માન આપતી હોય તો ખાનગી શાળામાં તાલીમી ડિગ્રી સાથે શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરીને ફરજ બજાવતાં શિક્ષકોની કોઈ શિક્ષક તરીકે સાચી ઓળખ ખરી? જ્યારે રાજ્ય બોર્ડની કામગીરી વખતે વિદ્યાર્થીઓના ખંડ-નિરીક્ષકથી માંડી ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી બાબતે ખાનગી અને સરકારી વચ્ચેનો ભેદ કે પાત્રતા જોવામાં આવતી ન હોય તો એક સમાન વેતન અને એક સમાન વ્યવસાય તરીકેની ઓળખ સરકાર ન આપી શકે?
હાલ, સરકાર શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવા અનેક પ્રયાસો અને યોજનાઓ હાથ ધરી રહી છે. આ તમામ યોજનાઓમાં વિદ્યાર્થીકેન્દ્રી પાસાંઓ કોઈ ભેદ દર્શાવતાં નથી. જ્યારે બીજી તરફ શિક્ષકો આજે ખાનગી અને સરકારી શબ્દોમાં પીસાઈ રહ્યાં છે. કોઈ એવી પણ યોજના અમલમાં આવવી જોઈએ કે જે શિક્ષકને માત્ર શિક્ષક તરીકેની ઓળખ અપાવે. જો ખાનગી શિક્ષક અને સરકારી શિક્ષકમાંથી માત્ર એક ‘શિક્ષક’ તરીકેની ઓળખ મળશે તો જ ભારતને એક જ વ્યાખ્યાથી સેવાભાવી ડૉકટરો, એન્જિનિયરો, વકીલો અને નેતાઓ મળશે.
સુરત – કુરેશી શાહીદ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોલીસ મા બાપનું સ્થાન ન લઇ શકે
આ વાત કયા શહેરની છે અને એ સાથે સંકળાયેલ કયા યુવક યુવતિની છે એની પળોજણમાં પડ્યા વગર એમાં સમાયેલ તથ્ય પર ફોકસ કરવાનો ઈરાદો છે.રાતે એકાદ વાગ્યા પછી (છૂટ તો સવારે પાંચ સુધી ગરબા રમવાની છે ને?)હાથમાં હાથ પરોવી યુવક યુવતિ જતાં હતાં. સિક્યુરિટી માટેની પોલીસ ટીમના એક સભ્યને શંકા જતાં એ પોલીસે એમને રોકયાં.નામ ઠામ વગેરેની બને એટલી માથાકૂટ કરીને પછી એને જવા દીધાં. યુવક યુવતિએ રજૂ કરેલી કેફિયત પછી પણ પોલીસને શંકા તો હતી જ (ખરેખર એ યુવક યુવતીનો મિત્ર, મંગેતર,પ્રેમી,બોય ફ્રેન્ડ,કે ટપોરી કોણ હશે?) એ નકકી કરવું પોલીસ માટે તો શું અન્ય માટે પણ શકય નહોતું.
બીજા દિવસે એક યુવતિએ રેપની ફરિયાદ કરી છે એમ જાણવા મળ્યું.સ્વાભાવિક રીતે જ યુવક ભૂગર્ભમાં ઊતરી ગયો અને પછી પોલીસ ટીમે શોધી પણ કાઢ્યો. આ ટીમમાં ગઈ રાતે જેમની પૂછપરછ કરી હતી એ પોલીસ પણ કમનસીબે આમાં હતો અને એણે યુવતિને ઓળખી કાઢી.અહીં પેલા પોલીસની સ્થિતિ કાંઈ પણ કહે તો ‘આ બેલ મુઝે માર’ જેવી થાય એમ કહેવાની જરૂર ખરી?
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.