SURAT

સુરતના અડાજણમાં નવરાત્રિના ડોમની નજીક ડ્રગ્સ વેચવા ઉભેલા શખ્સની ધરપકડ

સુરતઃ હાલમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ખૈલેયાઓને ડ્રગ્સ વેચવાના ઈરાદે મુંબઈથી મોટા જથ્થામાં ડ્રગ્સ લાવી રસ્તા પર વેચવા ઉભેલા એક ઈસમને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. અડાજણના એલપી સવાણી મેઈન રોડ પરથી પકડાયેલા આ ઈસમ પાસેથી પોલીસે 35.20 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ ડ્રગ્સ પેડલર્સને તેનાથી કોઈ ફરક પડતો નથી. હજુ થોડા દિવસ પહેલાં ઉધના મગદલ્લા રોડ પરથી બે ઈસમો કારમાં ડ્રગ્સ વેચતા પકડાયા હતા અને હવે અડાજણના એલપી સવાણી રોડ પર સ્ટાર બજારની નજીક જાહેરમાં ડ્રગ્સ વેચતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઈસમ પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. જેની બજાર કિંમત 35.20 લાખ થાય છે. આ ઈસમ પાસેથી 89 હજાર રોકડા મળ્યા છે, તે જોતાં અંદાજે 10 ગ્રામ ડ્રગ્સ તેણે વેચ્યું હોવાની આશંકા છે.

આ કેસની વધુ મળતી વિગત અનુસાર સુરત એસઓજીને બાતમી મળી હતી કે સુરતના અડાજણમાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગ્સનું વેચાણ કરવા ઉભો છે. બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં એક ઈસમ શંકાસ્પદ જણાયો હતો.

તપાસ કરતા ઈસમ પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેનું નામ મહંમદ આસિફ અબ્દુલ રસીદ શેખ છે. આ ઈસમ લિંબાયતની પદ્માવતી સોસાયટીનો રહીશ છે. તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ અને ડ્રગ્સ વેચીને કમાયેલા 89 હજાર રોકડા મળી આવ્યા હતા.

એસઓજીએ મહમદ શેખની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે પોતે મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો. જાહેર માર્ગ પર ઉભો રહી કેમ ડ્રગ્સનું વેચાણ કરતો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે ડ્રગ્સ વેચનાર શખ્સ જયાંથી પકડાયો તેનાથી થોડે દૂર નવરાત્રિનું મોટું આયોજન છે. અહીંથી જ મોટા પ્રમાણમાં ખૈલેયાઓની અવરજવર રહેતી હોય છે. તે જોતાં ખૈલેયાઓને ડ્રગ્સ વેચવા ઉભો રહ્યો હોવાની પોલીસને શંકા છે. મહમદ પાસે કોણે ડ્રગ્સ ખરીદયું તેની પણ તપાસ ચાલી રહી છે.

આરોપી મોહમ્મદ આશિફની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને પોતાના મોજશોખ પુરા કરવા માટે અને શોર્ટકટથી પૈસા કમાવવા માટે તે આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને મુંબઈ ખાતેથી યોગેશ ઈંગ્લે નામના વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સ લાવતો હતો. આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top