હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર મતદાન થયા બાદ આજે (8 ઓક્ટોબર) મતગણતરી થઈ હતી. દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે હરિયાણાની સૌથી ચર્ચિત જુલાના વિધાનસભા સીટ પરથી જંગી જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને હરાવ્યા હતા.
જુલાના વિધાનસભા બેઠક પર કુલ 15 તબક્કામાં મતગણતરી થવાની હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિનેશ ફોગાટ છ તબક્કામાં પાછળ હતી જ્યારે સાતમા તબક્કામાંથી વિનેશ ફોગાટે બીજેપી ઉમેદવાર યોગેશ બૈરાગીને પાછળ છોડી દીધા હતા. ફોગાટે યોગેશ બૈરાગીને હરાવીને નંબર વન પર પોતાનું સ્થાન બનાવ્યું હતું અને આખરે જીત મેળવી હતી. ઈન્ડિયન નેશનલ લોકદળના સુરેન્દ્ર લાથેર ત્રીજા ક્રમે રહ્યા હતા. વિનેશ ફોગાટને કુલ 65080 વોટ મળ્યા હતા જ્યારે યોગેશ બૈરાગીને 59065 વોટ મળ્યા હતા. આ સિવાય સુરેન્દ્ર લાથેરને 10158 વોટ મળ્યા હતા. આ રીતે વિનેશ ફોગાટ 6015 મતોથી જીત્યા.
જણાવી દઈએ કે વિનેશ ફોગાટ આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ભારત પરત ફર્યા બાદ તે 6 સપ્ટેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં બજરંગ પુનિયા સાથે કોંગ્રેસમાં જોડાઈ હતી. આ પછી કોંગ્રેસે હરિયાણાની જુલાના વિધાનસભા સીટ પરથી વિનેશને ટિકીટ આપી પોતાની ઉમેદવાર બનાવી હતી. આમ કોંગ્રેસમાં જોડાઈને વિનેશે ભાજપને ઉમેદવારને હાર દેખાડી હતી.
જુલાના સીટ હંમેશાથી INLD અને JJP જેવી પાર્ટીઓનો ગઢ રહી છે. જુલાના સીટ પર છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટીના અમરજીત ડાંડાને 61.942 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના પરમિંદર સિંહ ધુલને હરાવ્યા હતા. પરમિન્દર સિંહને 37,749 વોટ મળ્યા. કોંગ્રેસના ધર્મેન્દ્ર સિંહ ધુલને 12,440 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારને 23 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2009ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. વિનેશ ચૂંટણી મેદાનમાં હોવાના કારણે તમામની નજર આ હાઈપ્રોફાઈલ સીટ પર હતી.
100 ગ્રામ વધારે વજનના કારણે ઓલિમ્પિકમાંથી બહાર થઈ હતી
કુસ્તીબાજ વિનેશ ફોગાટે 2024 ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલા વિનેશે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી આ પછી તેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં પણ શાનદાર જીત નોંધાવી હતી. તેને ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી જો કે 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તે ફાઇનલમાં ચૂકી ગઈ હતી. વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે CASને અપીલ કરી હતી પરંતુ તેમની અરજી સાંભળ્યા બાદ CASએ તેનો કેસ ફગાવી દીધો હતો.
જણાવી દઈએ કે વિનેશ ફોગાટ વર્ષ 2023માં બ્રિજ ભૂષણ શરણ સિંહ જ્યારે ભારતીય કુસ્તી સંઘના વડા હતા ત્યારે તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને દિલ્હીની સડકો પર ઉતરી હતી. આ આંદોલનમાં બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ તેની સાથે હતા. તે દરમિયાન આ કુસ્તીબાજોને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું.