Columns

હું તો બસ ટેકો આપું છું

એક બોલ બચ્ચન કહી શકાય તેવા બટકબોલા કાકા હતા.જે મળે તેમની સાથે બસ વાતોએ વળગી જાય અને ઘણી ઘણી જુદા જુદા વિષયની વાતો કરે.છાપામાંથી સમાચાર અને ટુચકાઓ વાંચીને આવે અને સવારે મોર્નિંગ વોક કરતાં મિત્રોને બધું જ સંભળાવે.સવારે વોકમાં ,સાંજે મંદિરમાં અને પછી સોસાયટીના બાંકડા પર તેઓ અચૂક બધાની જોડે વાતો કરતા અને બધાને હસાવતા દેખાય જ. સોસાયટીમાં કે આસપાસના એરિયામાં કે તેમના પરિવારમાં કોઈને કંઈ પણ પૂછવું હોય ,સલાહ લેવી હોય તો બધા આ કાકા પાસે પહોંચી જાય અને કાકા વધુ કંઈ નહિ પણ સારી સારી વાતો કરી, કૈંક જાણકારી હોય તો તે સમજાવી તેમને હિંમત આપે.

એક દિવસ સાંજે કાકા અને તેમના મિત્ર બાંકડા પર બેસીને વાતો કરી રહ્યા હતા.ત્યાં સોસાયટીનો ધોબી કાકા પાસે આવ્યો અને તેમને થોડે દૂર લઇ જઈને રડતા રડતા કૈંક કહેવા લાગ્યો.કાકાએ તેના ખભે હાથ મૂક્યો, તેના આંસુ લૂછ્યા, ખિસ્સામાંથી ૨૦૦ રૂપિયા આપ્યા અને ધોબી તેમને નમસ્કાર કરી પગે પડવા ગયો તો કાકાએ તેને રોકી લીધો અને ભેટીને ખભો થપથપાવીને મોકલ્યો અને ફરી પાછા પોતાના મિત્ર પાસે આવીને બેસી ગયા. મિત્રે કહ્યું, ‘તું મૂર્ખ છે.

બધા આ રડવાના નાટક કરી તારી પાસેથી પૈસા પડાવે છે અને તું પૈસા લુંટાવે છે એટલે બધા કંઈ પણ થાય, તારી પાસે દોડીને આવે છે.’ કાકા બોલ્યા, ‘ના દોસ્ત, તને તો ખબર છે કે પેન્શન પર જીવું છું, હું કંઈ એવો પૈસાદાર છું જ નહિ કે બધાને મદદ કરવા પૈસા લુંટાવું.હું તો બસ બધાને ટેકો આપું છું, હિંમત આપું છું ,મને ખબર હોય તો માર્ગ દેખાડું છું, બાકી પોતાની મુશ્કેલીઓ સામે તો લોકો ખુદ જ લડી લે છે.’

મિત્ર બોલ્યો, ‘તો એવા ખાલી વાતોનો ..કે શબ્દોનો ટેકો આપવાથી શું થાય?’
કાકાએ કહ્યું, ‘દોસ્ત, ઘણી વાર લોકો મુશ્કેલી અને દુઃખના ભાર હેઠળ સામે દેખાતો  માર્ગ પણ જોઈ શકતાં નથી.હું તેમને રસ્તો દેખાડું છું.ઘણી વાર લોકોને માત્ર કોઈ સહારાની કે આશાની જ જરૂર હોય છે. હું તેમને  આગળ જતાં બધું સારું થઈ જશે તેવી આશા બંધાવું છું અને તેઓ હિંમતથી આગળ વધીને પોતાની મુશ્કેલીમાંથી માર્ગ કાઢી લે છે.દોસ્ત, જ્યારે કોઈ સાવ થાકી, હારીને પડી ભાંગ્યું હોય ત્યારે આ સાથ ,સહારો અને આશાભરેલા શબ્દો પણ બહુ મહત્ત્વના સાબિત થાય છે અને મારા પોતાના જીવનમાં હું સાવ હારી ગયો હતો ત્યારે મારી પત્નીએ કહ્યું હતું ‘મને વિશ્વાસ છે તમે રસ્તો કાઢી જ લેશો.’ બસ, તેના આ વાક્યથી મને હિંમત મળી હતી ત્યારથી આ શબ્દોની તાકાત અને કોઈના સાથની કિંમત મને સમજાઈ ગઈ છે. બસ એટલે હું જેને જરૂર હોય તેને વાતોથી ,સલાહથી ,મારા શબ્દોથી ટેકો જરૂર આપું છું.આગળ જે થાય તે પણ તેનાથી લડી લેવાની તાકાત તો મળે જ છે.’ જીવનમાં જયારે મોકો મળે ત્યારે કોઈકને ટેકો જરૂર આપજો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top