આ રાજાશાહી નથી કે રાજાનાં વખાણ જ કરવાના હોય. રાજાની ટીકા ન થાય. આ લોકશાહી છે, એમાં સત્તામાં બેઠેલાઓના નિર્ણયથી પ્રજા પર થતી સારી માઠી અસરોની વિવેચના અને આલોચના થવાની જ છે. દેશમાં ક્યાંય પણ સારું થાય ત્યારે કોઈ એક જ વ્યક્તિને એનું શ્રેય મળતું હોય અથવા જ્યારે પણ સારા કાર્ય માટે એક જ વ્યક્તિ શ્રેયમાળા પહેરવા માટે હંમેશા તત્પર હોય તો, જ્યારે ખોટા નિર્ણયથી દેશમાં અવળી અસર થતી હોય તો એનો અપયશ પણ એક જ વ્યક્તિને મળે ને? શત્રુઘ્ન સિંહા સાચું જ કહે છે કે, ‘તાલી કેપ્ટન કો, તો ગાલી ભી કેપ્ટન કો હી જાતી હૈ.’ જ્યારે પણ નવી ટ્રેન શરૂ થાય ત્યારે કદી રેલવે મંત્રીને લીલી ઝંડી ફરકાવતા જોયા છે?
દશ કાર્યમાંથી બે સારાં કાર્યો કરી બાકીનાં આઠ કાર્યોમાં દાટ વાળવામાં આવે તો ટીકા ને આલોચના થવાની જ છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશની બદબોઈ કરતાં હોય તો એ, એક વખત નહીં હજાર વખત ખોટું છે, પણ તમારા આકા વિદેશમાં જઈને એમ કહે કે, 2014 પહેલાં ભારત દેશ અંધકાર યુગમાં જીવતો હતો, દેશનાં પૂર્વસૂરિઓએ ફક્ત ખાડા પાડવાના જ કામ કર્યાં છે, એ ખાડા પૂરવા હું આવ્યો છું, હું આવ્યો પછી દેશે વિકાસ જોયો. 2014 પછી જ લોકો ભારતીય હોવાનું ગૌરવ મહેસૂસ કરે છે. શું આવું કહેવું એ અહંકાર નથી? શું આ આત્મશ્લાઘા નથી?
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગુજરાતમાં ભૂગર્ભ જલ સ્થિતિ ચિંતાજનક
ગુજરાતમાં ભૂગર્ભ જળ ઉંડા ઉતરી રહ્યા છે. તેની ક્ષમતા ઘટી રહી છે હવે ગુજરાત સરકારને રીચાર્જકરવાનું યાદ આવ્યું તે સારું થયું છે. ચોમાસુ પૂરું થવામાં છે ને પાણી સાચવવાનાં ઉપાય ન થતાં પાણી વહી જાય છે. ગુજરાતમાં ત્રણેક વર્ષથી વરસાદ સારો વરસી રહ્યો છે. દ.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે. પરંતુ વરસાદી પાણી સંગ્રહ કરવામાં આપણે ખાસ માનતા નથી. ઉલ્ટું, પાણી વેડફવામાં આપણે અગ્રેસર છીએ.
દ્વારકામાં ઘેર ઘેર વરસાદી પાણી સંગ્રહ ટાંકી હોવાનું કહેવાય છે. દરેક ઘરે આ અપનાવવા જેવી રીત છે. બનાસકાંઠા, અમદાવાદ, પાટણ વગેરે જિલ્લાઓમાં ભૂગર્ભ જળ સ્થિતિ ચિંતાજનક છે. જો આ સ્થિતિ ચાલુ રહે, તો પાણી સમસ્યા સર્જાશે. પાણી નાનાં બાળકથી લઈ મોટેરા સુધી દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. ભૂગર્ભ જળ રીચાર્જ કરવાની તાકીદની જરૂરિયાત કહેવાય. ‘જળ વિના જીવન નહીં,’ યથાર્થ કહેવત છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન.કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.