Charchapatra

જીવનમાં ઉપયોગી શું? ભણતર કે ગણતર

જીવનમાં ઉપયોગી શું? ભણતર કે ગણતર, આ પ્રશ્નનો જવાબ આપવો થોડો અઘરો છે. ભણતર અને ગણતર એ બન્ને તરાજુના બે પલ્લાં સમાન છે. ભણતર એટલે શિક્ષણ અથવા કેળવણી અને ગણતર એટલે અનુભવનું ભાથું અને કોઠાસૂઝ. અગાઉના જમાનામાં શિક્ષણ કે ભણતરનો આટલો વ્યાપ ન હતો તથા શિક્ષણને લગતી શાળા મહાશાળાઓ હતી નહીં. ભણતરનાં સાધનો બહું ટાંચા હતાં, પરંતુ તે વખતે આપણા પૂર્વજો, વડવાઓ તથા વડીલો પાસે અનુભવ, આત્મવિશ્વાસ તથા આગવી કોઠાસૂઝ હતી એને લીધે તેઓ તમામ કામ પાર પાડી શકતાં હતાં.

આપણાં વડવાઓ પોતાની કોઠાસૂઝથી ભલભલાંને છક્કડ ખવડાવી દેતાં હતાં. અકબર બાદશાહનો માનીતો બિરબલ પણ કાંઈ ઝાઝું ભણેલો નહતો, પરંતુ એની પાસે કોઠાસૂઝ, અનુપમ બુદ્ધિચાતુર્ય અને ડહાપણ ભારોભાર હતાં એથી એ દરેક સમસ્યાને આસાનીથી હલ કરી દેતો હતો.  પરંતુ જમાનો બદલાયો અને પરિવર્તનનો દોર શરૂ થયો માટે ભણતરની જરૂરીયાત વધી ગઈ. ગામડે ગામડે શાળાઓ તથા કોલેજો શરૂ કરવામાં આવી. એથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારની જાગૃતિ આવી.

લોકોને શિક્ષણનું મહત્વ સમજાવા લાગ્યું. લોકોને આગળ વધવાની તકો મળવા લાગી. આજે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ અભ્યાસ કરવા જઈ રહ્યાં છે અને અમુક તો ત્યાં નોકરી, ધંધો કરીને સ્થાયી પણ થઈ ગયાં છે. આજે નવાં નવાં કારખાનાં, ઉદ્યોગો વધ્યાં તથા શહેરીકરણને કારણે તથા ગળાકાપ હરીફાઈ થવાને કારણે ભણતર કે શિક્ષણ મેળવવું ખૂબ આવશ્યક બન્યું છે. હવેનાં જમાનામાં તમારી પાસે શિક્ષણ કે ભણતર નહીં હોય તો કોઈ તમને ઉભું પણ નહીં રહેવા દે. તમારી પાસે ગમે એટલી કોઠાસૂઝ કે ગણતર હોય પરંતુ હવેનાં યુગમાં એની કોઈ કિંમત નથી.

હવેનાં જમાનામાં ડીગ્રીની કિંમત વધી ગઈ છે. તમે જેટલું વધારે ભણતર મેળવ્યું હશે એટલાં તમે ઝડપથી આગળ વધશો. એવું પણ નથી કે જીવનમાં ગણતર જરૂરી નથી. અમુક કામ ભણેલો વ્યક્તિ ના કરી શકે તે કામ ગણેલો વ્યક્તિ કરી શકે છે. માટે ઉપયોગીતા તો બેઉં બાબતની છે, છતાં આજનાં યુગમાં ભણતરનું પલ્લું વધારે નીચું જાય છે.
હાલોલ – યોગેશભાઈ આર જોશી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top