નવી દિલ્હીઃ ભારત વિરોધી વલણ અપનાવીને સત્તામાં આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તાજેતરના મહિનાઓમાં ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં ચીનના સમર્થક ગણાતા મુઈઝુ રવિવારે ચાર દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ભારત પહોંચ્યા બાદ મુઈઝુએ એક ઈન્ટરવ્યુમાં ચીનના સંદર્ભમાં ભારત-માલદીવ સંબંધો પર મહત્વપૂર્ણ વાતો કહી છે. તેમણે કહ્યું છે કે માલદીવ ક્યારેય એવું કંઈ કરશે નહીં જેનાથી ભારતની સુરક્ષાને નુકસાન થાય.
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમણે માલદીવના ચીન સાથેના વધતા સંબંધો પર ભારતની ચિંતા વિશે વાત કરી હતી. મુઈઝુએ કહ્યું કે માલદીવ વિવિધ દેશો સાથે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ તેની પ્રવૃત્તિઓ ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સાથે સમાધાન ન કરે તેની ખાતરી કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.
મુઈઝુએ કહ્યું કે ભારત માલદીવનો મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર છે અને આ સંબંધ પરસ્પર આદર અને સામાન્ય હિતો પર આધારિત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે માલદીવ ભારત સાથે મજબૂત અને વ્યૂહાત્મક સંબંધો ચાલુ રાખશે અને પ્રાદેશિક સ્થિરતા સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરશે.
મુઈઝુએ ચીન સાથેના સંબંધો અને ભારતની ચિંતાઓ પર શું કહ્યું?
રાષ્ટ્રપતિએ કહ્યું કે માલદીવ ફર્સ્ટની નીતિને અનુસરીને તેમનો દેશ ભારત સાથેના તેના લાંબા ગાળાના અને વિશ્વાસભર્યા સંબંધોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે. ચીન સાથે માલદીવના વધતા સંબંધો અંગે ભારતની ચિંતા અંગે તેમણે કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે અન્ય દેશો સાથેના અમારા સંબંધો ભારતના સુરક્ષા હિતોને નબળા નહીં પાડે.
માલદીવ ભારત સાથે મજબૂત અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખશે. માલદીવ અને ભારત હવે એકબીજાની ચિંતાઓને વધુ સારી રીતે સમજે છે અને તેમની વચ્ચે સંરક્ષણ સહયોગ હંમેશા પ્રાથમિકતા રહેશે. મુઈઝુએ આ વર્ષે માલદીવમાંથી ભારતીય સૈનિકોની હકાલપટ્ટીને યોગ્ય ઠેરવ્યું.
જોકે તેમણે કહ્યું કે આ નિર્ણય માલદીવના લોકોની ઈચ્છા પર લેવામાં આવ્યો છે. લગભગ 90 ભારતીય સૈનિકો માનવતાવાદી કાર્ય માટે માલદીવમાં હાજર હતા પરંતુ મુઈઝુએ ગયા વર્ષે નવેમ્બરમાં સત્તામાં આવતાની સાથે જ તેમને પાછા મોકલવાની જાહેરાત કરી હતી. આ વર્ષે 10 સુધીમાં આ તમામ સૈનિકો ભારત પરત ફર્યા હતા.
ભારત-માલદીવના સંબંધો સ્થિર થયા છે?
ઇન્ટરવ્યુ દરમિયાન, મુઇઝુને પૂછવામાં આવ્યું હતું કે શું ગયા વર્ષે નવેમ્બરમાં પદ સંભાળ્યા પછી ભારતની આ તેમની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે. છેલ્લા 10 મહિનાથી અસ્થિર તબક્કામાંથી પસાર થયા પછી, શું ભારત-માલદીવના સંબંધો હવે સ્થિર થયા છે?
જવાબમાં મુઇઝુએ કહ્યું, આ મારી ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે અને હું ખૂબ જ ખુશ છું કે હું મારા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ભારત આવી શક્યો છું. ઉપરાંત હું આ વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે ભારતનો પ્રવાસ કરી ચૂક્યો છું. નવેમ્બરમાં કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ COP28 દરમિયાન મને વડા પ્રધાનને મળવાનો લહાવો મળ્યો હતો. માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આ મુલાકાત તેને વધુ મજબૂત કરશે.