બાળકનો જન્મ કાળ જોઈને થાય છે ખરો ? તે જ પ્રમાણે માનવીનું મૃત્યુ કયા કાળમાં આવવાનું છે ખબર છે? કાળ માનવીને ભરખી જવાને બદલે માનવી જ એકબીજાને યેનકેનપ્રકારે ભરખી જાય છે. કળિયુગમાં સારું નરસું કરવાનું કાર્ય, કાળ પ્રમાણે નહીં, માનવીની માનસિક્તા મુજ્બ કરવામાં આવે છે. પ્રકૃતિદત્ત દરેક માનવીનો સ્વભાવ જ એવો થઈ જાય કે કંઇ નરસું થાય તો તરત જ બીજાનો દોષ કાઢવામાં લાગી જાય તેમજ એવા તર્કવિતર્ક કરવા લાગે કે ઘરમાં એક નાસ્તિક હોવાના લીધે આવું થયું એટલે નાસ્તિક વ્યક્તિ પણ પછી મગજમારીમાં પડતા નથી.
જે થવાનું હોય તે થાય,પોતાની ભૂલના લીધે થયું છે એવું સ્વીકારવા તૈયાર નથી હોતા અને ઘણી વખત તો આમાંથી જ અંધશ્રદ્ધાનો જન્મ થાય છે. આમ પણ બહુધા લોકોનું વલણ સત્ય સ્વીકારવા કરતાં જૂઠતરફી વધુ હોય છે.જો કાળ જ ભરખી જતો હોય તો દરરોજ દરેક માનવી એવાં કામો કરે છે. તો તેને કેમ કાળ ભરખી જતો નથી? આ તો હલકું નામ હવાલદારનું અને કાગનું બેસવું ને તાડનું પડવું તેના જેવું છે, માટે કોઈ કાળ ને બાળ ભરખી જતો નથી.માનવી પોતે જ મોટામાં મોટો કાળ છે.
સુરત – ચંદ્રકાંત રાણા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મોદી સરકારની કશ્મકશ
પહેલાં બોલથી જ સ્ટેપ આઉટ કરીને રમવા ટેવાયેલા ટી-20 ખેલાડીની માફક નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ પહેલી સરકારે આરંભકાળે જ કેટલાક શકવર્તી નિર્ણયો લીધા હતા. તેમાં આયોજન પંચનું ફિંડલુ વાળવાનો નિર્ણય સામેલ હતો જે નહેરુકાળની સ્મૃતિઓ ભૂંસવાના પ્રથમ પ્રયાસ તરીકે આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ કરી દેવામાં આવ્યું. આયોજન પંચની રચના પાછળ નેતાજી સુભાષચંદ્ર બોઝ કારણભૂત હતા. ઈ.સ. 1938માં કોંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયેલા નેતાજી સુભાષબાબુએ યોજના આયોગની રચના કરી ભારતના વિકાસ માટે ટૂંકા ગાળાના મધ્યમ અને લાંબા ગાળાના એમ વિવિધ લક્ષ્યાંકો નિયત કર્યા હતા. અંગ્રેજોએ બળતું ઘર કૃષ્ણાર્પણ કરીને ઉચાળા ભર્યા ત્યારે ભારતની સ્થિતિ તળિયા ઝાટક હતી.
તે વખતે જવાહરલાલ નહેરુએ જે નેતાજીએ લાગુ કરેલ યોજના આયોગ ના મોડેલને અનુસરીને દેશના સવાંગી વિકાસ માટે રોડ મેપ તૈયાર કરાવા માટે દેશના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની સમિતિ રચી તેને આ યોજના પંચ નામ આપવામાં આવ્યું. જે પંચ વર્ષિય યોજનાઓ એ આયોજન પંચની દેણ છે. એ મોદી સરકારે પ્રથમ ટર્મમાં જ આયોજન પંચનો ઉલાળિયો કર્યો. આમ કંઈક નવુ કરવાની હોંસમાં પરિણામનો વિચાર કર્યા વગર બધુ જ 10 વર્ષ સુધી કર્યુ હવે જ્યારે ખીચડી સરકાર બની ત્યારે જ બધા જ નિર્ણયોમાં પીછે હઠ કરવી પડે છે. હવે શું?
ગંગાધરા – જમિયતરામ હ.શર્મા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.