Comments

દરેક દેશે પોતપોતાનાં હિતો અને વ્યાપારી સંબંધો લક્ષમાં રાખીને આગળ વધવું પડશે

ઇઝરાયલના લેબેનોન પરના હુમલાના પ્રત્યાઘાત રૂપે ઇરાને એક સાથે ૨૦૦ મિસાઇલ ઇઝરાયલ પર છોડી. મજાની વાત તો એ છે કે આમાંની મોટા ભાગની ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ‘આયર્ન લેડી’તેમજ અમેરિકન સૈન્ય દ્વારા હવામાં જ તોડી પાડીને ઇઝરાયલમાં મોટું નુકસાન થતું બચાવ્યું. ભારતે પણ રશિયા પાસેથી આવી સિસ્ટમ લીધી છે અને ઉત્તરી સરહદે એને ગોઠવવામાં આવી છે.

યુદ્ધ હવે દિવસે ને દિવસે વધુ ને વધુ ટેક્નોલૉજીપ્રચુર બનતું જવાનું છે. આજે એક મચ્છર જેવું દેખાતું ડ્રોન, જે કેમેરા વગેરેથી સજ્જ હોય તેના થકી કોઈની પણ જાસૂસી કરી તેના લોહીના સેમ્પલ લઈ શકાય છે કે પછી ચૂપચાપ લોહીમાં ઘાતક જીવાણુઓ નાખી શકાય છે. તમારા ઘરમાં ઊડતાંઊડતાં એ ચક્કર મારી શકે અને આખા ઘરનો વિડિયો સેટેલાઇટની મદદથી હજારો કિ.મી. દૂર મોકલાવી શકે.

હમાસના મુખ્ય કમાન્ડરને, એ ઇરાનની મુલાકાતે હતો અને ‘ઇરાનલિબરેશન ગાર્ડ’ના ચુસ્ત સલામતીના ઘેરામાં હતો ત્યારે ૧૦,૦૦૦ કિ.મી.થી પણ વધારે અંતરથી અવાજ કરતાં પણ વધુ ગતિથી ચાલતું ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ વાપરીને ઇઝરાયલની જાસૂસી સંસ્થાએ ઠાર માર્યો હતો. હવે પછીનાં યુદ્ધોમાં ટેક્નોલૉજીની મદદથી નાનામાં નાની વસ્તુની વિગતો મેળવી જાસૂસી કરી શકાશે તેમજ આ માઇક્રોડ્રોન વિડિયો અને ફોટા પણ મોકલી શકશે, જે ઉપર આધારિત રહી ચોક્કસ નિશાન લઈ શકાશે અને આવું નિશાન હજારો કિ.મી. દૂરથી રિમોટ ગાઇડીંગ સિસ્ટમ દ્વારા અથવા સેટેલાઇટ કન્ટ્રોલ દ્વારા જરાય ચૂક વગર ઊડાડી દઈ શકાશે. આનો અદ્યતન દાખલો ઈઝરાયેલ દ્વારા મોસાદ અને હિઝબુલ્લાના કમાન્ડર ઈન ચીફને ઊડાડી દેવાયો એ પરથી જોઈ શકાય છે. આ ઘટના ઉપરથી આવતી કાલના વિશ્વમાં માણસ કેટલો સલામત છે તેનો ખ્યાલ આવી શકશે.

ઇઝરાયલનાં જમીની દળો લેબેનોનમાં પ્રવેશી ચૂક્યાં છે. ઇઝરાયલે લેબેનોનની ધરતી પરથી એના પર જે હુમલા કરવામાં આવે છે તેનો સજ્જડ વળતો જવાબ આપવાનો દૃઢ નિર્ધાર કર્યો છે એવું દેખાય છે. આ નિર્ધારમાં અમેરિકા પણ તેની પડખે અડીખમ ઊભું છે, એનો અંદેશો ઇઝરાયલ ઉપરના મિસાઇલ હુમલા બાદ હવે પછી ઇરાન જો આવું કોઈ અડપલું કરશે તો એનાં ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે એવી અમેરિકાએ ઉચ્ચારેલી ચીમકી તેમજ પેન્ટાગોને અમેરિકન સૈન્યોને ઇરાન, લેબેનોન કે તેમના અન્ય સાથીઓ દ્વારા થનાર સંભવિત હુમલામાં ઇઝરાયલને મદદ કરવા ‘સ્ટેન્ડ ટુ’ રહેવાનો આદેશ આપ્યો છે, તેના પરથી આવી શકે છે.

અન્ય મુસ્લિમ દેશોને પણ ઇઝરાયલ ગમતું નથી અને આમ છતાંય પોતપોતાનાં હિતો ખાતર યુએઇકે સાઉદી અમેરિકા ઇઝરાયલ સાથે સહકારની સમજૂતી કરીને બેઠા છે એ પણ હકીકત છે. આ યુદ્ધ મર્યાદિત ક્ષેત્રીય યુદ્ધમાં તબદીલ થાય તો બ્રિટન વગેરે યુરોપના દેશો પણ નાટો સંગઠનમાં હોવાને કારણે એમાં જોડાઈ શકે. ઈરાન, ઇરાક, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશો રશિયા અને ચીનની ધરી સાથે જોડાયેલા છે તે જોતાં આ બંને મહાસત્તાઓ પણ બહુ લાંબો સમય મૂક પ્રેક્ષક બનીને જોઈ રહેશે એવું કહેવું ઉચિત જણાતું નથી.

લંડનમાં ૨૦૨૩ની મધ્યમાં યોજાયેલ એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સને સંબોધતાં તત્કાલીન ઑસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું હતું,‘ઑસ્ટ્રેલિયા અમેરિકાના ખોળામાં બેઠેલ ગલૂડિયું નથી. અમે અમારા વ્યાપારી હિતોને લક્ષમાં રાખીને અમારી વિદેશ નીતિ તેમજ વિશ્વ સમુદાયમાં સંબંધો નિભાવીએ છીએ’. આમ ઇઝરાયલ-ઇરાન-લેબેનોન યુદ્ધ વધારેમાં વધારે મર્યાદિત પ્રાદેશિક યુદ્ધથી આગળ ન વધે એવો અંદાજ મૂકવામાં આપણે ખોટા નહીં પડીએ, કારણ કે દરેક દેશને પોતપોતાનાં હિતો અને વ્યાપારી સંબંધો નિભાવવામાં પોતાના દેશનું હિત શું છે તે લક્ષમાં રાખીને આગળ વધવું પડશે. આજનું વિશ્વ સાચા અર્થમાં, ‘ઇન્ટર ડિપેન્ડન્ટ વર્લ્ડ’એટલે કે, એકબીજા ઉપર આધારિત વિશ્વ છે એમ માનીને ઇઝરાયલ-લેબેનોન-ઇરાન યુદ્ધ મર્યાદિત બની રહેશે એવી અપેક્ષા રાખવી વધુ વાસ્તવિક છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top