Charchapatra

વિદેશનીતિમાં ખરેખર ડંકો વાગે છે

તા.૨૦/૯/૨૪ ગુ.મિત્રમાં કોલમ “રાજકાજ ગુજરાત”માં લેખક કાર્તિકેય ભટ્ટ લખે છે, વેપારનીતિ અને વિદેશનીતિ લાગણીથી નહીં, તર્કથી સ્પષ્ટ હોવી જોઈએ. વિદેશનીતિ વિદેશોમાં જઈને ભેટાભેટી કરવાથી નક્કી નથી થતી. પ્રત્યેક દેશની વિદેશનીતિ “સ્વાર્થનીતિ” પર ટકેલી હોય છે. વિદેશનીતિનો આધાર લાભાલાભ પર રહેલો હોય છે. દેશ ભીતરથી કેટલો સમૃદ્ધ અને મજબૂત છે એના આધારે પણ વિદેશનીતિ નક્કી થતી હોય છે. દુનિયા અત્યારે ભારત તરફ જોઈ રહી હોય તો એનું કારણ આપણા વડા પ્રધાન વિદેશોમાં બહુ આંટા ફેરા મારે છે એ નથી, પરંતુ બીજા દેશોને ભારતમાં બહુ મોટું “માર્કેટ” દેખાઈ રહ્યું છે. 

ચીનને આપણે કોઈ રીતે પહોંચી શકીએ એમ નથી, એક જ બાબતે પહોંચી શકાય એમ હતું અને એ બાબતે આપણે ચીનને ટપી પણ ગયા છીએ અને એ છે વસ્તીવધારો. આપણા દેશના વડા જેટલા વિદેશ પ્રવાસો કરે છે એટલા વિકસિત દેશોના નેતાઓ જેવા કે અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન કે જર્મનીના વડાઓ વિદેશ પ્રવાસો કરે છે છતાંય એમની વિદેશનીતિ કેમ મજબૂત છે? જો આપણી વિદેશનીતિ સારી કહેવાતી હોય તો પછી છેલ્લાં થોડાંક વર્ષોમાં આપણાં પડોશી એવાં શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, માલદીવ અને છેક કેનેડા જેવા દેશો સાથે આપણા સંબંધો “તંગ” કેમ થયા?

વિદેશોમાં જઈને દેશનું જે ગુલાબી ચિત્ર દોરવામાં આવે છે એ જાજમ નીચે કચરો છુપાવવા જેવું છે. દેશની અંદરની હાલત ખાસ વખાણવાલાયક નથી. દેશના પ્રાણપ્રશ્નોને નજરઅંદાજ કરીને વિદેશોમાં ડંકો વગાડવા દોડવું એ એક પ્રકારની પલાયનવૃત્તિ છે.એક તરફ “મેક ઈન ઈન્ડિયા” ના નારા લગાવવા છે અને બીજી તરફ જ્યારે પણ અમેરિકાની મુલાકાતે જાય ત્યારે શસ્ત્રોની ખરીદીના સોદા કરવા છે.
સુરત               – પ્રેમ સુમેસરા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top