સ્ત્રી 2 ફિલ્મના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો નેશનલ એવોર્ડ છીનવી લેવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી. સગીર સહાયક પર બળાત્કાર ગુજારવાના વિવાદ બાદ જાની માસ્ટર પાસેથી એવોર્ડ પરત લઈ લેવાયો છે. તેની સહાયક યુવતીએ 15 સપ્ટેમ્બરે તેલંગાણાના સાયબરાબાદ રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં જાની વિરુદ્ધ FIR નોંધાવી હતી.
જાની માસ્ટરને વર્ષ 2022માં રીલિઝ થયેલી ધનુષની ફિલ્મ ‘તિરુચિત્રમ્બાલમ’ના ગીત ‘મેઘમ કરુકથા’ના નૃત્યને કોરિયોગ્રાફ કરવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે સતીશ કૃષ્ણન સાથે આ ગીતની કોરિયોગ્રાફી કરી હતી. તેણે સ્ત્રી 2ના ગીત ‘આઈ નહીં’ અને પુષ્પાના ગીત ‘શ્રીવલ્લી’ની કોરિયોગ્રાફી પણ કરી છે.
જાની માસ્ટર વિરુદ્ધ કેસ દાખલ કરનાર યુવતીનો આરોપ છે કે તેણે ચેન્નાઈ, મુંબઈ અને હૈદરાબાદમાં અલગ-અલગ પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેનું યૌન શોષણ કર્યું હતું. તેણે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પણ ઘણી વખત તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે જાની માસ્ટરને વર્ષ 2017માં એક કાર્યક્રમમાં મળી હતી. બે વર્ષ પછી જાનીએ તેણીને તેના સહાયક કોરિયોગ્રાફરની નોકરીની ઓફર કરી જે તેણે સ્વીકારી હતી.
આ પછી મુંબઈમાં એક શો દરમિયાન જાનીએ હોટલમાં તેની જાતીય સતામણી કરી હતી. યુવતીનો આરોપ છે કે આ પછી જાનીએ તેને ડરાવી-ધમકાવીને તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતુ. તે સતત તેના પર લગ્ન માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં તે તેને એકવાર તેના ઘરે લઈ ગયો હતો જ્યાં જાની અને તેની પત્ની (આયેશા)એ તેને માર માર્યો હતો.
આ મુદ્દો સૌપ્રથમ તેલંગાણા વુમન સેફ્ટી વિંગ (WSW) DG શિખા ગોયલે ઉઠાવ્યો હતો. તેણે જ પીડિતાને પોલીસ ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું. આ પહેલા પણ 2015માં જાની વિવાદના કારણે છ મહિના માટે જેલમાં ગયો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં જાની સામે તેની જ 21 વર્ષની આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર દ્વારા જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 19 સપ્ટેમ્બરે સાયબરાબાદ પોલીસે જાનીની ગોવાથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાનીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
સમારોહ માટે લીધા જામીન, મંત્રાલયે કહ્યું- કાર્યક્રમમાં ન આવો
પોલીસે 15 સપ્ટેમ્બરે POCSO સાથે કેસ નોંધ્યો હતો અને જાનીની 19 સપ્ટેમ્બરે ગોવાથી ધરપકડ કરવામાં આવી હતી. તેને 20 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. જાનીએ 8 ઓક્ટોબરે યોજાનાર નેશનલ એવોર્ડ સમારોહ માટે જામીન માંગ્યા હતા. કોર્ટે કોરિયોગ્રાફરને 6 થી 10 ઓક્ટોબર સુધીના જામીન આપ્યા છે. દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સેલે જાનીના એવોર્ડ સમારોહના આમંત્રણને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.