ડ્રગ્સ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા હાત લાગી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ડ્રગ્સ પેડલર સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે ભોપાલની એક ફેક્ટરીમાંથી ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેક્ટરીમાં રેડ કરીને 1814 કરોડનું એમડી ડ્રગ્સ અને તેને બનાવવાની સામગ્રી ઝડપી પાડવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી છે.
માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા હતા. હર્ષ સંઘવીએ X પર લખ્યું કે ગુજરાત ATS અને NCB (Ops), દિલ્હીને ડ્રગ્સ સામેની લડાઈમાં મોટી જીત બદલ અભિનંદન! તાજેતરમાં તેઓએ ભોપાલમાં એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો અને એમડી ડ્રગ્સ તેમજ એમડી બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી, જેની કુલ કિંમત ₹1814 કરોડ છે! આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરફેર અને દુરુપયોગ સામે લડવામાં અમારી કાયદા અમલીકરણ એજન્સીઓના અથાક પ્રયત્નોને દર્શાવે છે. તેમના સહયોગી પ્રયાસો આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષામાં નિર્ણાયક છે. ખરેખર પ્રશંસનીય છે. ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાં તેમને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!
જણાવી દઈએ કે બે મહિના પહેલા ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું હતું કે ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચિંચબંદર વિસ્તારમાં રહેતા મોહંમદ યુનુસ તથા મોહંમદ આદિલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે, જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્હાઈટ સ્વીફ્ટ કાર પૂર ઝડપે જઈ રહી હતી જેની પોલીસ દ્વારા પુછપરછ કરાતાં ગાડીમાં પાવડરના પેકેટ મળી આવ્યા હતા. પાવડરના પેકેટનું FSLએ ચેકિંગ કરતા 44.630 ગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું. અગાઉ નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 1180 ગ્રામ જેટલો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.