SURAT

સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા

સુરતઃ દર વર્ષે રસ્તાઓ પાછળ 100 કરોડ કરતાં પણ વધુ ખર્ચ કરવા છતાં વરસાદમાં સુરતીઓની કમર તૂટી રહી છે. રસ્તામાં એટલી હદે ખાડાઓ પડ્યા છે કે રસ્તા શોધવા પડી રહ્યા છે. હોબાળો થતાં અને માછલા ધોવાતા રસ્તાઓ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી તો તેમાં પણ વેઠ ઉતારવામાં આવી છે. પેચવર્ક કર્યા બાદ રસ્તાઓમાં ઠેરઠેર ટેકરાઓ જોવા મળી રહ્યા છે.

  • આગામી શનિવારે સંકલન બેઠકમાં ધારાસભ્યો પસ્તાળ પાડે તે પહેલા કમિ.એ અધિકારીઓ સાથે બેઠક કરી તમામને ખખડાવ્યા
  • કેટલા તૂટ્યા અને કેટલા રિપેર થયાં તેવા તમામ રસ્તાઓના પ્રમાણપત્રો તાકીદે રજૂ કરવા કમિ.નો આદેશ
  • મેયરના અલ્ટીમેટમના સાત દિવસ પૂરા થવાના ત્યારે હજુ તો કમિશનર રસ્તાનો રિપોર્ટ માંગે છે

મેયર દક્ષેશ માવાણીએ સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું તો પણ અધિકારીઓ તેને ઘોળીની પી ગયા છે અને હવે મ્યુનિ.કમિ.એ રસ્તાઓની સ્થિતિનો રિપોર્ટ અધિકારીઓ પાસે માંગ્યો છે. જોકે, જોવા જેવી વાત એ છે કે ખુદ કમિ. દ્વારા અગાઉ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં શહેરના રસ્તાઓ રિપેર થયાં નથી અને સુરતીઓ હેરાન થઈ રહ્યા છે.

દર વર્ષે ચોમાસામાં આ હાલત થાય છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલીભગતમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. કહેવા ખાતર રસ્તાઓ બને છે અને બાદમાં વરસાદમાં રસ્તાઓની એવી હાલત થાય છે કે સુરતવાસીઓએ આખા શહેરમાં જાણે ચંદ્રની ધરતી પર ચાલતા હોય તેવો અહેસાસ કરવો પડે છે.

રસ્તાની સ્થિતિ મામલે કોર્પોરેટરોથી માંડીને ખુદ ધારાસભ્યો પણ રજૂઆતો કરી ચૂક્યા હોવા છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી. હવે આગામી શનિવારે મનપામાં મળનારી ધારાસભ્યોની સંકલન બેઠકમાં આ મુદ્દે ફરી પસ્તાળ પડે તેવી સંભાવના છે. જેને પગલે કમિ. શાલિની અગ્રવાલ પણ દોડતાં થયા છે.

શનિવારે મળનારી સંકલન બેઠકના બે દિવસ પહેલા જ મનપા કમિશનરે તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તૂટેલા રસ્તા અંગે ખખડાવ્યા હોવાની માહિતી મળી છે. એટલું જ નહીં તમામ ઝોનના અધિકારીઓને જે તે ઝોનના તૂટેલા રસ્તાની યાદી અને કેટલા રોડ રિપેર કર્યા છે, તેના પ્રમાણપત્ર તાકીદે રજૂ કરવા આદેશ કર્યો હતો. વિગતવાર માહિતી સાથે તમામ ઝોનલ ચીફ અને ઓફિસરોને પ્રમાણપત્ર રજૂ કરવા સૂચના આપી હતી. જેથી આવતીકાલે સંકલનમાં સવાલો થાય તો રિપોર્ટ સાથે જવાબો આપી શકાય.

અધિકારીઓ રસ્તા રિપેરનું ઉપરછલ્લું ચિત્ર રજૂ કરતાં કમિ. અકળાયા, તમામને પ્રમાણપત્રો રજૂ કરવા આદેશ
મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલ ફ્રાન્સની ટૂર પરથી પરત ફરતાની સાથે જ તમામ ઝોનના અધિકારીઓ પાસેથી રસ્તાઓ બાબતે રિપોર્ટ માંગ્યો હતો. જેમાં અધિકારીઓએ રસ્તાઓ બની ગયા હોવાનું ઉપરછલ્લું ચિત્ર રજૂ કરી દેતા કમિ. અગ્રવાલે જે રસ્તા બન્યા હોય તેના જવાબદાર અધિકારીની સહી સાથેના પ્રમાણપત્રો રજુ કરવા સૂચના આપી હતી.

આ સૂચના મળતા જ અધિકારીઓનું જુઠ્ઠાણુ પકડાઇ જવાની સ્થિતિ ઉભી થઇ હોય અધિકારીઓ ગેંગેંફેંફેં કરવા માંડતા કમિ. અકળાયા હતા અને ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત ફિલ્ડમાં ઉતરીને રસ્તાના કામોમાં ઝડપ અને ગુણવતા લાવવા અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવા અલ્ટિમેટમ આપ્યું હતું. જો હવે રસ્તાના કામોમા બેદરકારી બહાર આવશે તો કાર્યવાહી માટે તૈયાર રહેવા પણ ચેતવણી આપતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

જુઠ્ઠાણું પકડાઇ જતા અધિકારીઓએ કમિશનર પાસે વધારાના છ-સાત દિવસ માંગ્યા
રસ્તાના કામોના રિવ્યુ વખતે અધિકારીઓએ મનપા કમિશનરની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોત. જો કે કમિ.એ રસ્તા બની ગયાના પ્રમાણપત્રો રજુ કરવાનું કહેતા જ અધિકારીઓનું જુઠ્ઠાણું પકડાઇ ગયું હતું અને જે તે ઝોનમાં તમામ રસ્તાઓ રિપેર કરી સચોટ રિપોર્ટ રજુ કરવા માટે વધુ છ-સાત દિવસની માંગણી કરી હતી.

Most Popular

To Top