Business

સમય બાબતે ખ્યાલ બદલવો પડશે

એક પરિચિત દરજી છે, જેની દુકાનમાં કપડાં સિવડાવવા હોય તો તારીખ આપે, પછી એક ધક્કો ખવડાવે પછી જ કપડાં આપે. હું પૂછું તો કહે, ‘તમને ખબર ન પડે.’ કપડાં તૈયાર હોય તો પણ ધક્કો! અલબત્ત, નક્કી કરેલ, વખતે કોઈ પણ કામ સવેળા થઈ જ જવું જોઈએ. કોઈ ઠરાવ કરો પછી કામ ન કરવું એ સૌની કુટેવ થઈ ગઈ છે. ખાસ કામ હોય ત્યારે કહે, ‘આજે કામ છે, કાલ પર રાખો.’ બોલો, આપણે નકામા છે! સમય બગડે નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ. સરકારી કચેરીમાં સૌને ગપ્પાં મારવાની ટેવ. આપણે જઈએ એટલે કહે, ‘અમારે બીજાં કામ હોય કે નહીં?’ ને પેલા સાહેબને તો મિટિંગમાંથી સમય જ નથી. મસમોટું ઘડિયાળ દીવાલ પર લટકતું હોય અને સમય બતાવે તે કાંટા તરફ સાવ ઉદાસ! સાહેબ વળી મોડા આવે એટલે તો સાહેબ કહેવાય!

આપણે સમય બાબતે ખ્યાલ બદલવો પડશે. બધી બાબતોમાં પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કરીએ છીએ તો સમય બાબતે કરવામાં શું નડે છે? ખાદી કુટિર, વેડછીના વ્યવસ્થાપક ટ્રસ્ટી ભગવત દવેની શાળામાં કોઈ જાહેર કાર્યક્રમ હોય અને સમય સવારે 10 કલાક હોય તો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર હોય એટલે કાર્યક્રમ શરૂ થઈ જાય. મુખ્ય અતિથિ આવે ત્યારે પોતાની બેઠક લઈને બેસી જાય. સૌ માટે સમયનો કાયદો સરખો. જાહેરસભાનું આયોજન કરવામાં આવે ત્યારે જ સમય બાબતે ચોખવટ કરવાની ટેવ કેળવવી પડશે. કોઈક આકસ્મિક સંજોગોમાં જ છૂટ લઈને સમય સાચવીએ. ટૂંકમાં સમય માટેનો ખ્યાલ બદલીએ,
નવસારી           – કિશોર આર. ટંડેલ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભાગલા અનિચ્છનીય છે
તા. 21.9.24ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં શબ્બીર સૈફીનું ભાગલાને દેશ માટે હંમેશા અનિચ્છનીય ન સમજવા શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચી દુ:ખની લાગણી અનુભવી. ભારતના ભાગલા ન જ પડવા જોઇએ. એ અનિચ્છનીય જ છે. સરદાર વલ્લભભાઇ પટેલે ખૂબ જ કુનેહથી બધાને સમજાવીને પોતાના રાજપાટ છોડાવ્યા અને દરેકને ભારત સાથે જોડી દીધા. હવે ભારતના ભાગલા ન જ થવા જોઇએ.

રશિયામાંથી કેટલોક ભાગ અલગ થતાં ત્યાં સત્તા માટે યુધ્ધ ચાલી રહ્યું છે. આપણા દેશમાં જે બળવાન રાજય (રાજા) હોય તે નબળાને ગળી જવાની વાત ચોક્કસ કરશે જ. અત્યારે પણ એક રાજય બીજા રાજય સાથે સરહદ બાબતે ઝઘડે છે. પાણી માટે પણ ઝઘડતા હોય, ભાષા માટે પણ ઝઘડતા હોય છે એવો પ્રાંતવાદ ચાલે જ છે. ભારતના ભાગલા પડવા જ ન જોઇએ એ સૌના હિતમાં છે. શું 700 રજવાડાં પાછાં કરવાં છે? ભારતની એકતા અખંડ રહેવી જોઇએ. ભારતના ભાગલા પાડવાનો વિચાર કોઇનામાં પણ ન જ આવવો જોઇએ.
નવસારી           – મહેશ ટી. નાયક  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top