Charchapatra

સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ

રોજ સવારે છાપું ખોલતાંની સાથે ગુજરાતના નામી-અનામી તમામ દૈનિકોમાં સરસ્વતી ધામને લજવતાં,  કામલોલુપ શિક્ષકોની લંપટતાના સમાચારો અચૂક પ્રગટ થાય છે. આટઆટલાં કાળાં કામો થાય છે, છતાંય આજનાં શિક્ષકો સુધરવાનું નામ લેતાં નથી અને એક પછી એક એમનાં કાળાં કરતૂતો બહાર નીકળી આવે છે.  માતા પિતા પછી બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું કામ શિક્ષક કરી શકે છે અને એથી જ શિક્ષકને ગુરુની પદવી આપેલી છે. પરંતુ વાડ જ ચીભડાં ગળે એ ન્યાયે એક શિક્ષક જ શાળામાં લાજ, શરમ અને મર્યાદા નેવે મૂકીને નિર્લજ્જતા આચરે તો પછી આપણાં બાળકોનાં ભાવિનું શું થશે તે કહી શકાય એમ નથી.

શાળામાં મોડાં આવવું તથા સમયમર્યાદા કરતાં વહેલાં શાળામાંથી નીકળી જવું. વગર રજાએ કે કોઈને જાણ કર્યા સિવાય મનફાવે તેમ ગેરહાજર રહેવું. ચાલુ શાળાએ ગાપચી મારી અંગત કામો કરવાં. વિદ્યાર્થીઓની સામે મોબાઈલ ઉપર વાતો કરવી અને અપશબ્દોનો મારો ચલાવવો. મોઢામાં પાન પડીકીનાં ડૂચા ભરી રાખવા તો ક્યારેક મદિરા કે અન્ય નશીલા પદાર્થનું સેવન કરવું. વિદ્યાર્થીઓની સાથે ગમેતેમ વર્તવું તથા મારઝૂડ કરવી. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓને ગમે તે રીતે ફસાવી પોતાની હવસ સંતોષવી.

ક્યારેક સ્ત્રી શિક્ષિકા સાથે અભદ્ર વ્યવહાર કરવો કે છેડખાની કરવી. તો અમુક કિસ્સામાં શિક્ષિકાઓ સાથે સ્કૂલમાં જ કામલીલા આચરવી. આમ આજનાં શિક્ષકો બેફામ બનીને શાળારૂપી સરસ્વતી મંદિરને લજવી રહ્યાં છે. એવું પણ નથી કે દરેક શિક્ષક કે શિક્ષિકાઓ હલકાં ચારિત્ર્યનાં હોય છે. અમુક શિક્ષકો બિનજરૂરી પ્રવૃત્તિઓમાં જરા પણ ભાગ લેતાં નથી અને રસ દાખવતાં નથી. એમને મન શાળા એ સરસ્વતી માતાનું મંદિર છે, પરંતુ અમુક લંપટ અને રંગીલા શિક્ષકોને કારણે આજે શિક્ષણ સમાજ બદનામ થાય છે.
હાલોલ  – યોગેશભાઈ આર. જોશી            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top