તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન કરનારાની લઘુતમ વય મર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવામાં આવશે. સાથે જ જાહેર સ્થળો પર તંબાકુ કે સીગારેટ પીવા પર ૨૦૦ રૂપિયાના બદલે બેહજાર રૂપિયા દંડ લેવાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમોમાં માત્ર ધુમ્રપાન કરનારા માટે જ નહીં વેચાણ કરનારા માટે પણ આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ હોય ત્યાંથી ૧૦૦ મિટરની અંદર આવી કોઇપણ વસ્તુ નહીં વેચી શકાય.
સિગારેટ કે તંબાકુના પેકિંગને ખોલ્યા વગર જ વેચવાની રહેશે. ઉપરાંત પ્રતિબંધિત સ્થળો પર વેચાણ કરનારા પર આકરા નિયમો લાગુ કરાયા છે. ગેરકાયદે કારોબાર પર એક વર્ષની કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરાશે. બીજી વખત આવું કરવા પર બે વર્ષની કેદ અને એક લાખનો દંડ કરાશે. ગેરકાયદે સિગારેટ બનાવવા પર બે વર્ષની કેદ અને એક લાખનો દંડ કરાશે.
ધુમ્રપાનની કોઇપણ વસ્તુ માટે જાહેરાત નહીં કરી શકાય. યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધતા તંબાકુ અને ધુમ્રપાનને લઇને વધુ આકરા નિયમો બનાવવાની તાતી જરૂર છે. સરકાર તે કરવા જઇ રહી છે તે આવકારદાયક છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.