સુરત : સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. જો કે મેટ્રોના અધિકારીઓની અણધડતાના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઇ છે. ખાસ કરીને રાજમાર્ગ અને લંબેહનુમાન રોડ જેવા સતત ભરચક રહેતા રસ્તાઓ પર છેલ્લા 19 માસથી બેરીકેડ હોવાથી વેપારીઓના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ખાસ કરીને રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ સદંતર બંધ કરાયાને 19 માસ થઇ ગયા છે.
હવે વેપારીઓની ધીરજ ખૂટી હોય એમ રોષ ભભૂકી ઉઠ્યો છે. મેટ્રો કામગીરીની કમ્પાઉન્ટ વોલ અને વળતરના પ્રશ્રે કંટાળેલા, અકળાયેલા વેપારીઓએ રાજમાર્ગ પર ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ખોલી આપો અથવા વળતર આપોની માંગણી કરી હતી.
- 19 માસથી બંધ રાજમાર્ગની દુકાનના માલિકોની સંપૂર્ણ વળતર આપો અથવા પૂરેપૂરો રસ્તો ખોલવાની માગ
વિસ્તૃત વિગતો મુજબ રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-૨૦૨૩માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઇ ગયા હતા. આ સિવાય આસપાસના એક ક્લિોમીટર વિસ્તારમાં આવેલા વેપાર-રોજગારને પણ અસર થઈ હતી. વેપારીઓ દ્વારા અગાઉ અનેકવાર રજૂઆતો થયા બાદ હવે કંમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિરોધનો વંટોળ સર્જાયો છે.
સ્થાનિક વેપારીઓ તાહેર લોખંડવાલા, વિરલ મહેતા, મૂર્તુઝા સહીવાલા સહિતના વેપારીઓએ જણાવ્યા મુજબ, મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો કામગીરી શરૂ થઇ હોય પહેલા વેપારીઓ સાથે 10 મહિનાનાં એમઓયુ કરાયા હતાં જેમાં વળતર ચૂકવાશે તેવી ખાતરી અપાઇ હતી. ત્યાર બાદ કામ પૂરું ન થતાં બીજા 9 મહિનાનું એમઓયુ કરાયા હતાં. 19 મહિના બાદ ચારેય બાજુ કંમ્પાઉન્ડ વોલ એટલે કે ડી-વોલ બનાવવાની વાત કરવામાં આવી હતી.
જોકે, હવે માત્ર ટાવરની બાજુએ જ કમ્પાઉન્ડ વોલ બનાવી છે. આ સિવાય આખો રસ્તો ખુલ્લો કરવાની જગ્યાએ એકબાજુએ માત્ર ૩ મીટરનો રસ્તો વેપારીઓ માટે છોડવાની વાત કરવામાં આવી રહી છે. વળતર પણ બંધ કરવાનું કહેવામાં આવે છે. આ સ્થિતિમાં વેપાર-રોજગાર મૃત અવસ્થામાં આવી ગયા છે. જેના કારણે મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે.
વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર પણ બંધ છે. વેપારીઓની રજુઆત સાંભળવામાં આવતી ન હોવાથી વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટાવર ખાતે ભેગા થયેલા વેપારીઓએ કહ્યું હતું કે મેટ્રોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
10 મહિનામાં રસ્તો ખોલી આપવાની વાત કરી હતી પરંતુ આજે 19 મહિના થયા છતાં રસ્તો ખોલવામાં આવ્યો નથી. જેના કારણે 80-90 વર્ષ જૂની પેઢીઓ પણ હાલ બંધ હાલતમાં છે. વેપારીઓએ માંગણી કરી હતી કે મેટ્રો રસ્તો ખોલી આપે અથવા જ્યાં સુધી રસ્તો ન ખોલે ત્યાં સુધી વળતર આપે. મેટ્રોની ધીમી કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ છે તેની સાથે હવે વેપારીઓ પણ અકળાય અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
હવે મેટ્રો વળતર આપવાની ના કહે છે : વેપારીઓનો આક્ષેપ
મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઇ જશે જેમાં તેમણે કહ્યું હતું કે, કમ્પાઉન્ડ વોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે. કુલ 85 જેટલી ડી-વોલ (કમ્પાઉન્ડ વોલ) બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જોકે અત્યારે માત્ર 55 જેટલી જ ડી વોલ બનાવવામાં આવી છે.
હજી પણ 30 જેટલી ડી-વોલ બનાવવામાં આવશે. અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મુકતા બાકીની જે ડી-વોલ બનાવવાની છે. તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે. વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે.
મેટ્રો આ કમિટમેન્ટમાં નિષ્ફળ
- દસ મહિનાની અંદર ડિવોલ બનાવી કામગીરી પૂર્ણ કરી તેના ઉપર રૂપ સ્લેબ નાખી દેવામાં આવશે. ત્યાર પછી રસ્તો આપવામાં આવશે.
- જ્યાં સુધી સંપૂર્ણ રસ્તો તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તમને વળતર જે નક્કી થયું છે તે મુજબ ચૂકવવામાં આવશે.
- ઓગસ્ટ 2024 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો વાયદો હતો.
- દસ મહિનામાં કામ પૂર્ણ ન થાય તો અમે જે વળતર ચૂકવવાના છે, એમાં 10%નો વધારો કરીને જેટલો પણ સમય આગળ કામ ચાલશે તે મુજબ આપવામાં આવશે.
કોઇ કામ ચાલતું નથી છતાં મક્કાઇપુલ પર બેરિકેડ ઠોકી દીધા
સુરત : સુરતમાં મેટ્રોની કામગીરીમાં અણધતાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જયા કામ ચાલુ ના હોય ત્યા પણ બેરિકેડ કરીને રસ્તો સાંકડો કરી દેવાતા ટ્રાફિકજામ થઇ રહ્યો છે. લોકો અકસ્માનો ભોગ બની રહ્યાં છે. વરસાદ પડે ત્યારે કીચડનું સામ્રાજય જામી રહ્યું છે પરંતુ મેટ્રોનું નઘરોળ તંત્ર આ બાબતે કોઇ નકકર આયોજન કરી રહ્યું નથી.
એટલુ જ નહીં મનપાના અધિકારીઓ મેટ્રોના તંત સામે કડક ભાષામાં વાત કરી શકતા નથી. શાસકોએ બેરિકેડ બાબતે આપેલી અવારનવારની ચેતવણી પણ મેટ્રોના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેવી હાલત છે ત્યારે શહેરની વચોવચ મક્કાઇ સર્કલ પર કામ ચાલતું નહીં હોવા છતા બેરિકેડ હટાવાયા નથી તેથી અહીંથી પસાર થતા વાહનચાલકો હાલાકીમાં મુકાઇ રહ્યાં છે.
મક્કાઇ સર્કલ પર કોઇ કામ ચાલતુ નહીં હોવા છતાં બેરિકેડ ઠોકી બેસાડાતા રસ્તો સાંકડો થઇ ગયો છે. અહીં જોરદાર પવન ફુંકાયો ત્યારે બેરિકેડના પતરાનીચે પડી ગયા છે. તેને ફરીથી ઊભા કરવાની તસ્દી દિવસો પછી પણ મેટ્રોના તંત્રએ લીધી નથી. વળી આ સર્કલ પર કામ ચાલતું નથી છતા બેરિકેડ હોવાથી વરસાદ પડે તો પાણી ભરાય છે. તેમાં જો મચ્છરો થાય તો મનપાનું તંત્ર કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે તેવા સવાલો વચ્ચે, મેટ્રોની આવી નઘરોળતા સામે મનપાનું તંત્ર લાલ આંખ કરી લોકોની હાલાકી ઓછી કરે તેવી માંગ છે.