Business

જો યુદ્ધ થાય તો લશ્કરી તાકાતમાં ઈરાન કરતાં ઈઝરાયેલ ચડિયાતું સાબિત થશે

ઈરાનના હુમલાથી ઈઝરાયેલને કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ઈરાન દ્વારા છોડવામાં આવેલી ૨૦૦ થી વધુ મિસાઈલોએ દૂરનાં સ્થળોએથી હુમલો કરવાની તેની ક્ષમતાનો ખ્યાલ  આવ્યો છે.ઈઝરાયેલ ગાઝામાં પહેલેથી જ હમાસ સામે યુદ્ધ લડી રહ્યું છે. તે લેબનોનમાં સરહદ પારથી હિઝબોલ્લાહના હુમલાનો પણ સામનો કરી રહ્યું છે. જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય તો બંને દેશોની તાકાતની સરખામણી કરવી જરૂરી બની જાય છે. ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ ઈરાન કરતાં લગભગ ત્રણ ગણું મોટું છે.કોઈ પણ સંઘર્ષમાં ઈઝરાયેલનો હાથ ઉપર હોવાનું જણાય છે.

વર્ષ ૨૦૨૩માં ઈરાનનું સંરક્ષણ બજેટ ૭.૪ અબજ ડોલર હતું, જ્યારે ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ લગભગ ૧૯ અબજ ડોલર છે.જીડીપીની સરખામણીએ ઈઝરાયેલનું સંરક્ષણ બજેટ ઈરાન કરતાં બમણું છે.ઈઝરાયેલ પાસે હુમલા માટે ૩૪૦ ફાઈટર પ્લેન તૈયાર છે. ઈઝરાયેલ પાસે અમેરિકન બનાવટનાં F-૧૫ એરક્રાફ્ટ છે, જે લાંબા અંતર પર પ્રહાર કરી શકે છે.ઈઝરાયેલ પાસે સ્ટીલ્થ એફ-૩૫ ફાઈટર પ્લેન છે, જે રડારને નકામું કરી શકે છે. ઈઝરાયેલ પાસે ફાસ્ટ એટેક હેલિકોપ્ટર પણ છે. ઈરાન પાસે ૩૨૦ ફાઈટર એરક્રાફ્ટ છે. કેટલાંક જૂનાં વિમાનો ઊડવાની સ્થિતિમાં છે કે નહીં તે સ્પષ્ટ નથી, કારણ કે તેમના સ્પેર પાર્ટ્સ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.ઈઝરાયેલની સેનાની કરોડરજ્જુ તેની આયર્ન ડોમ અને એરો સિસ્ટમ છે.

ઈઝરાયેલ ઈરાનથી ૨,૧૦૦ કિલોમીટરના અંતરે છે.જો ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવો હશે તો તેણે મિસાઈલોનો આશરો લેવો પડશે.ઈરાનના મિસાઈલ કાર્યક્રમને મધ્ય પૂર્વમાં સૌથી મોટો અને સૌથી વૈવિધ્યસભર મિસાઈલ પ્રોજેક્ટ માનવામાં આવે છે.ઈરાન પાસે ૩,૦૦૦થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છે.ઈરાને તેની મિસાઈલ સિસ્ટમ અને ડ્રોન પર ઘણું કામ કર્યું છે. ઈઝરાયેલ પર તાજેતરના હુમલાઓમાં ૨૦૦ સુપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સાઉદી અરેબિયા પર હુથી વિદ્રોહીઓ દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોનો અભ્યાસ કરી રહેલા વિશ્લેષકોનું કહેવું છે કે તે ઈરાનમાં બનાવવામાં આવી હતી.

ઈઝરાયેલ ઇરાન સાથે જમીની યુદ્ધ લડે તેવી શક્યતા બહુ ઓછી છે. ઈઝરાયેલની તાકાત તેની વાયુસેનાની ક્ષમતા અને તેના વડે સંચાલિત શસ્ત્રો છે. તેથી તેની પાસે ઈરાનના મહત્ત્વના ટાર્ગેટ પર હવાઈ હુમલા કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.ઈઝરાયેલ આવા હુમલાઓ દ્વારા મુખ્ય ઈરાની અધિકારીઓ અને તેલના કૂવાઓને નિશાન બનાવે તેવી શક્યતા વધુ છે.આ પહેલાં પણ ઈઝરાયેલના હુમલામાં ઘણા હાઈપ્રોફાઈલ આર્મી ઓફિસર અને રાજકીય નેતાઓ માર્યા ગયા છે. આ હુમલાઓમાં ૧ એપ્રિલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પરનો હુમલો પણ સામેલ છે. આ હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર હુમલા શરૂ કરી દીધા હતા.જો કે, ઈરાનના લશ્કરી અધિકારીઓ પરના હુમલાની જવાબદારી ઈઝરાયલે ક્યારેય લીધી નથી. ઈરાની નૌકાદળનું આધુનિકીકરણ કરવામાં આવ્યું નથી.

તેની પાસે ૨૨૦ જહાજ છે, જ્યારે ઈઝરાયેલ પાસે ૬૦ જહાજ છે.જો સાયબર હુમલા થાય તો ઈઝરાયેલને વધુ નુકસાન વેઠવું પડી શકે છે કારણ કે ઈરાનની સંરક્ષણ પ્રણાલી ટેક્નોલોજીની દૃષ્ટિએ બહુ વિકસિત નથી.તેથી જો ઈઝરાયેલની સેના પર સાયબર હુમલો થાય તો ઈરાનને મોટો ફાયદો મળી શકે છે.સાયબર હુમલાની તીવ્રતા પહેલાં કરતાં વધુ હોઈ શકે છે. તે ત્રણ ગણાં ઝડપી બની શકે છે અને ઈઝરાયેલના દરેક સેક્ટર પર હુમલો કરી શકાય છે, કારણ કે યુદ્ધ દરમિયાન ઈરાન અને હિઝબુલ્લા વચ્ચે સહયોગ વધુ મજબૂત બન્યો છે. ૭ ઓક્ટોબરથી ૨૦૨૩ના અંત સુધીમાં ૩,૩૮૦ સાયબર હુમલા થયા છે.ઈરાને તાજેતરની સંસદીય ચૂંટણી પહેલાં ૨૦૦ સાઈબર હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.સાયબર હુમલાના કારણે ઈરાનનાં પેટ્રોલ સ્ટેશનો પર સમસ્યા સર્જાઈ હતી.

એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ તે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવાનું ટાળે છે.ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવાની શક્યતા ઓછી છે.તેના પર આવાં હથિયાર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે, પરંતુ તે તેનો ઇનકાર કરે છે.વિસ્તારની દૃષ્ટિએ ઈરાન ઈઝરાયેલ કરતાં ઘણો મોટો દેશ છે.ઈરાનની વસ્તી ૮.૯ કરોડ છે, જે ઈઝરાયેલની વસ્તી કરતાં લગભગ દસ ગણી વધારે છે.ઈરાની સૈનિકોની સંખ્યા પણ ઈઝરાયેલના સૈનિકો કરતાં છ ગણી વધારે છે. ઈરાનની સેનામાં છ લાખ સક્રિય સૈનિકો છે જ્યારે ઈઝરાયેલની સેનામાં ૧ લાખ ૭૦ હજાર સક્રિય સૈનિકો છે.જો કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હજુ સુધી કોઈ સામસામે લડાઈ થઈ નથી. ઈઝરાયેલે અન્ય દેશોમાં ઈરાનના ઘણા અગ્રણી લશ્કરી અને રાજકીય નેતાઓને નિશાન બનાવ્યા છે. આ પ્રકારના હુમલા ઈરાનમાં પણ થયા છે.

ઈઝરાયેલ પર આ હુમલાઓનો આરોપ છે, જ્યારે ઈરાન પરોક્ષ યુદ્ધ દ્વારા ઈઝરાયેલને નિશાન બનાવી રહ્યું છે. ઉગ્રવાદી સંગઠન હિઝબોલ્લાહ ઈરાન વતી ઈઝરાયેલ અને લેબનોન વિરુદ્ધ પ્રોક્સી યુદ્ધ ચલાવી રહ્યું છે. ઈરાને હિઝબોલ્લાહને સમર્થન આપવાનો ઈન્કાર કર્યો નથી. તે ગાઝામાં હમાસને પણ સમર્થન આપે છે.ઈઝરાયેલ અને પશ્ચિમી દેશો માને છે કે ઈરાન હમાસને હથિયારો, દારૂગોળો અને તાલીમ આપે છે.યમનના હુથી બળવાખોરો ઈરાન વતી શેડો વોર લડવા માટે જાણીતા છે.

સાઉદી અરેબિયાનું કહેવું છે કે તેમના પર જે મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો તે ઈરાનમાં જ બનાવવામાં આવી હતી.ઈરાનતરફી સંગઠનોનો ઈરાક અને સીરિયામાં નોંધપાત્ર પ્રભાવ છે.ઈરાન સીરિયન સરકારનું સમર્થન કરે છે. ઈઝરાયેલ પર હુમલો કરવા માટે સીરિયાની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વર્ષોથી લોહિયાળ દુશ્મનાવટ ચાલી રહી છે. આ દુશ્મનાવટની તીવ્રતા ભૌગોલિક રાજકીય પરિસ્થિતિના આધારે વધતી અને ઘટતી રહે છે. તે મધ્ય પૂર્વમાં અસ્થિરતાના મુખ્ય સ્રોતોમાંનું એક બની ગયું છે.

ઈરાન માટે ઈઝરાયેલને અસ્તિત્વમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ઈરાનના શાસકો મધ્ય પૂર્વમાં અમેરિકાના સાથી ઈઝરાયેલને નાનો શેતાન માને છે. તે અમેરિકાને મોટો શેતાન કહે છે. ઈરાન ઈચ્છે છે કે અમેરિકા અને ઈઝરાયેલ આ વિસ્તારમાંથી ગાયબ થઈ જાય.ઈઝરાયેલ ઈરાન પર ઉગ્રવાદી જૂથોને ભંડોળ પૂરું પાડવાનો અને તેનાં હિતોની વિરુદ્ધ હુમલાઓનો આરોપ મૂકે છે, જે આયતુલ્લાહના યહૂદી વિરોધીવાદને કારણે છે.આ બે કટ્ટર દુશ્મનો વચ્ચેની હરીફાઈમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે.ગાઝામાં તેમ જ લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધે પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે.

ઈઝરાયેલનો ધ્યેય ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા અને તેને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવાનો છે.ઈઝરાયેલ ઈરાનની એ દલીલને નકારી કાઢે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર નાગરિક હેતુઓ માટે છે. એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે ઇઝરાયેલે સ્ટક્સનેટ કમ્પ્યુટર વાયરસ વિકસાવવા માટે અમેરિકા સાથે સહયોગ કર્યો હતો. આ વાયરસે આ સદીના પ્રથમ દાયકામાં ઈરાની પરમાણુ કેન્દ્રોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.ઈરાને તેના પરમાણુ કાર્યક્રમના પ્રભારી સહિત કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકો પર હુમલા માટે ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ગણાવી છે.

આમાં સૌથી નોંધપાત્ર ૨૦૨૦ માં મોહસેન ફખરીઝાદેહની હત્યા હતી. ઈઝરાયેલ સરકારે ઈરાની વૈજ્ઞાનિકોની હત્યામાં તેની સંડોવણી ક્યારેય સ્વીકારી નથી.ઈઝરાયેલે તેના પશ્ચિમી સહયોગીઓ સાથે મળીને ઈરાન પર ડ્રોન અને રોકેટ હુમલા તેમજ તેના પ્રદેશ પર સાયબર હુમલાનો આરોપ પણ લગાવ્યો છે. જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય તો તેમાં રશિયા અને અમેરિકાની ભૂમિકા પણ મહત્ત્વની હશે..– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top