Comments

મહિલાઓની થતી ક્રૂર હત્યાની ચર્ચાનું હાર્દ ફંટાઈ ના જાય

૨૩ સપ્ટેમ્બરની વાત છે. બેંગ્લુરુમાં ૨૯ વર્ષની મહિલા, મહાલક્ષ્મીના મૃતદેહના ત્રીસથી વધુ ટુકડા એના ફ્રીઝમાંથી મળ્યા. અરેરાટી ફેલાવે એવી આ ઘટના સમાચારની વિગતો મળે એ પહેલાં ‘લવ જિહાદ’ના મીમ્સ સોશ્યલ મિડિયા પર ફરતા થઈ ગયા, કારણકે મહાલક્ષ્મીના ભૂતપૂર્વ પતિએ પહેલી શંકા એના પુરુષ મિત્ર સામે વ્યક્ત કરી જે મુસલમાન હતો. કર્ણાટક ભાજપાએ તો લવ જિહાદ સામે આકરામાં આકરો કાયદો ઘડવાની માંગ કરી.

હિન્દુ સામે ઊભેલા ખતરાની વાત પકડી સત્તા પક્ષ કોંગ્રેસ સામે નિશાન સાધ્યું. પોલીસ તપાસમાં જેવું હત્યારાનું નામ મુક્તિ રંજન રૉય હોવાનું બહાર આવ્યું એવી આ ઘટનાની ચર્ચા મોળી પડી ગઈ! શું મહાલક્ષ્મીની હત્યામાં દેખાયેલી વિકૃતિનું મહત્ત્વ ત્યારે જ છે જ્યારે એનો હત્યારો અન્ય ધર્મનો હોય? આ વિકૃતિ સુધી માણસ કેમ પહોંચે છે અને એનો શિકાર મોટે ભાગે સ્ત્રીઓ જ કેમ બને છે એની ચર્ચા જરૂરી નથી? એક મહિલાની નિર્મમ હત્યાની ગંભીરતા એ હત્યા કરનારના ધર્મ પર નિર્ધારિત હોય તો મહિલા સલામતીના દાવાના હાર્દની મજબૂતાઈ ચકાસી લેવા જેવી છે.

શ્રધ્ધા વૉલકરની એના જ પાર્ટનર આફતાબ પૂનાવાલાએ અત્યંત ક્રૂરતાપૂર્વક કરેલી હત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. જે સ્વાભાવિક હતું કારણ કે એ ક્રૂરતામાં ઘટનામાં રહેલી વિકૃતિ જ કલ્પના બહારની હતી! પણ, શું આ ચર્ચા એટલા માટે થઈ હતી કે એ એક દુર્લભ કેસ હતો, કે પછી એના કોમી પાસાને કારણે હતી? શું આ પહેલાં અને પછી મહિલાઓની આટલી જ ક્રૂર રીતે હત્યા થઈ નથી? તો પછી એની ચર્ચા કેમ નહીં? ચર્ચાના કેન્દ્રસ્થાને મહિલાઓની સુરક્ષા છે કે પછી એના કોમી રૂપ-રંગ છે?

શ્રદ્ધા વૉલકરની હત્યાની ઘટના ૨૦૨૨ માં બની. એની આજુબાજુના જ સમયની કેટલીક ઘટના યાદ કરી જે એટલી જ ક્રૂર હોય. જેમાં હત્યા બાદ મૃતકના શરીરના ટુકડા કરવામાં આવ્યા હોય. નવેમ્બર ૨૦૨૨માં લખનૌ પોલીસે ૪૬ વર્ષના પંકજ મૌર્યે પોતાની પત્નીની કરેલી હત્યા, ફેબ્રુઆરી ૨૦૨૩ માં સાહિલ ગેહલોટે તેની ૨૫ વર્ષની પ્રેમિકા નિક્કી યાદવની કરેલી હત્યા, મે ૨૦૨૩માં હૈદરાબાદના ૪૮ વર્ષના બી. ચંદ્ર મોહને એની પાર્ટનર અનુરાધાની કરેલી હત્યા, જૂન ૨૦૨૩માં મુંબઈના મીરારોડ વિસ્તારમાં ૫૬ વર્ષના મનોજ સાનેએ એની ૩૨ વર્ષની પાર્ટનરની કરેલી હત્યા,

ડિસેમ્બર ૨૦૧૯માં મહારાષ્ટ્રના કલ્યાણમાં પોલીસને કોઈ મહિલાના શરીરના ટુકડા ભરેલી બેગ મળી. પોલીસ તપાસમાં ખબર પડી કે એની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકના પિતા અરવિંદ તિવારી જ હતા! તાજેતરની જ વાત લઇએ તો ૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ઉત્તર પ્રદેશના ૪૨ વર્ષના નઇમ ખાને પોતાની ૧૮ વર્ષની દીકરીની હત્યા કરી શરીરના ટુકડા કર્યા કારણકે તેને પોતાની દીકરીનો પ્રેમસંબંધ મંજૂર ન હતો. આ બધા ઉપરાંત ૧૯૯૫ના જાણીતા તંદૂર કેસમાં કોંગ્રેસના વિધાયક સુશીલ શર્માએ પોતાની પત્નીની હત્યા કરી એક રેસ્ટોરન્ટના તંદુરમાં ફેંકી બાળી દેવાનો પ્રયત્ન કર્યો હતો.

આ બધા કેસમાં મૃતક મહિલા છે. જેની હત્યા એના પતિ, પ્રેમી કે પિતાએ કરી છે અને એ હત્યા અત્યંત પિશાચીરૂપે થઈ છે. આ બધી ઘટના અહીં યાદ દેવડાવવાનું કારણ એટલું કે શ્રધ્ધા વાલકરને છોડીને એક પણ કિસ્સામાં આંતરધર્મી સંબંધની કોઈ ભૂમિકા હતી નહીં. એટલે જેટલી ચર્ચા શ્રધ્ધાના કિસ્સાની થઈ, પરિણામે જે સનસની ઊભી થઈ એટલી બીજા કોઈ કિસ્સામાં ના થઈ. એનો અર્થ એવો થયો કે કોઈ મહિલાની હત્યા એનું જ કોઈ આપ્તજન કેમ કરે છે એનાં કારણ સમજવાને બદલે માત્ર ‘લવ જિહાદ’વાળી વાતની ચર્ચા થાય છે.

બાકી, ‘કુટુંબની આબરૂ’બચાવવાના નામે એક મહિલાની હત્યા જો એના પિતા કરી શકતા હોય કે પછી લાંબા લગ્નજીવન કે લિવ-ઇન સંબંધ પછી પતિ/પાર્ટનર મહિલાની હત્યા કરવામાં ક્રૂરતાની બધી હદ વટાવી જતાં હોય તો એનો અર્થ એ થયો કે સ્ત્રીએ માત્ર પરધર્મી પ્રેમીથી જ નહીં પણ એના જીવનમાં રહેલા પિતૃસત્તાક માનસિકતા ધરાવતા દરેક પુરુષથી બચવાનું છે. જો એના આગવા અભિપ્રાય હોય, જીવન પ્રત્યેનો અલગ દૃષ્ટિકોણ હોય, આકાંક્ષા હોય જે પુરુષપ્રધાન સામાજિક મૂલ્યોના ફ્રેમમાં બંધ ના બેસતો હોય ત્યારે તો ખાસ. કહેવાતા ‘લવ જિહાદ’કરતાં એની સંખ્યા અનેક ગણી વધારે છે.

મહાલક્ષ્મીને ક્રૂરતાથી મારનાર મુક્તિ રંજન રૉય મુસલમાન ના હોવાથી ‘લવ જિહાદ’ની ચર્ચા અટકી પડી, પણ મહિલાઓને પોતાનાં આપ્તજનોથી જ અસુરક્ષા ઊભી થવા પાછળનાં કારણોની ચર્ચા વારંવાર કરવી પડશે. સમજવું એ પડશે કે કયાં કારણો છે જે હજુ પણ સ્ત્રીઓને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોઈ શકતાં નથી. એના જીવનને નિયંત્રિત રાખવાના આવેશ એ હદે તીવ્ર બને છે જે ક્રૂરતાની સીમા વટાવી જાય છે. આફતાબ પૂનાવાલા કે મુક્તિ રંજન રૉયના નામ પાછળ એમનો ધર્મ શોધવાને બદલે એમનાં કરતૂતમાં રહેલી પુરુષપ્રધાન માનસિકતાનાં કારણોનો ઉપાય શોધવો પડશે. નહિતર એવું ના થાય કે ‘લવ જિહાદ’થી બચવાની આડમાં કુટુંબની આબરુ બચાવવાના નામે થતી હત્યાનો આડકતરી રીતે બચાવ કરતાં રહીએ.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top