Charotar

પત્નીના પૈસે કેનેડા ગયેલા પતિએ પાછળથી છુટાછેડાનો કરાર મોકલ્યો

તારાપુરની યુવતીને ભરૂચના યુવક સાથે લગ્ન કર્યા બાદ છેતરપિંડીનો અનુભવ થયો

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ કેનેડા રહેતા પતિ સહિત સાસુ, નણંદ સામે ફરિયાદ આપી

(પ્રતિનિધિ) તારાપુર તા.3

તારાપુરમાં રહેતી યુવતીના લગ્ન ભરૂચના યુવક સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં પતિ સહિત સાસરિયાએ દહેજ માટે તેને ત્રાસ આપી મારઝુડ કરી હતી. તેમાંય પરિણીતાના પૈસા પર કેનેડા ગયેલા પતિએ પાછળથી છુટાછેડા માટે પેપર મોકલી આપ્યાં હતાં. આ અંગે તારાપુર પોલીસ મથકે સાસરિયા સામે ફરિયાદ આપી હતી.

તારાપુરમાં રહેતા પારૂલબહેન ઉમંગભાઈ પંચાલ અંકલેશ્વરની ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ પરચેસ તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા તારાપુરમાં રહે છે. પારૂલબહેનના લગ્ન 28મી ઓગષ્ટ, 2020ના રોજ અમદાવાદ ખાતે ઉમંગ જગદીશચંદ્ર પંચાલ (રહે. ગંગોત્રી પાર્ક સોસાયટી, ભરૂચ) સાથે થયાં હતાં. આ લગ્ન બાદ પારૂલબહેન સાસરિમાં સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. આ લગ્ન જીવનમાં 10મી મે, 2024ના રોજ ઉમંગને કેનેડાના વિઝા મળતાં તે કેનેડા મુકામે જતાં રહ્યાં છે. આ દરમિયાન થોડા સમય વાતચીત કરતાં હતાં. બાદમાં અચાનક વાતચીત બંધ કરી દીધી હતી. આ ઉપરાંત સાસુ, નણંદ અને પતિએ હેરાન – પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. તેમાંય સાસુ અને નણંદએ અચાનક પારૂલબહેનને જણાવ્યું હતું કે, તારી તથા મારા દિકરાની કેનેડા જવા માટે ફાઇલ મુકી છે. જેમાં તારા પિતા પાસેથી રૂ. દસ લાખ માંગણી કરી છે. જે પૈસા તમારાથી આપી શકાયેલા નથી. તેમ કહી મ્હેણાં ટોણાં મારવા લાગ્યાં હતાં. જોકે, પારૂલબહેને એજન્ટને રૂ.82,600 આપ્યાં હતાં. તે સમયે બન્ને પતિ – પત્નીની ફાઇલ મુકી હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર ઉમંગે ફાઇલ વિડ્રો કરી હતી અને પોતાની ફાઇલ અલગ કરી દીધી હતી. જેથી ફક્ત ઉમંગને જ વિઝા મળ્યાં હતાં. આ સમયે પણ પારૂલે રૂ.2.25 લાખ આપ્યાં હતાં.

આ ઉપરાંત વિદેશ જતા સમયે ચીજ વસ્તુ માટે રૂ.50 હજાર ચુકવ્યાં હતાં અને રોકડા રૂ. ચાર લાખ આપ્યાં હતાં. પરંતુ ઉમંગ વિદેશ ગયા પછી પણ પૈસા માંગતો રહેતો હતો. જ્યારે સાસુ પણ પગાર માંગી લેતા અને ન આપે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતાં હતાં. દરમિયાનમાં 2જી ઓગષ્ટ, 2024ના રોજ ઉમંગે સોશ્યલ મિડિયા પર છુટાછેડાનો કરાર મોકલી દીધો હતો અને જણાવ્યું હતું કે, મારે તારી સાથે હવે મેળ નહીં આવે. મારે તારી સાથે છુટુ જોઇએ છીએ. આખરે આ અંગે પારૂલબહેને તારાપુર પોલીસ મથકે પતિ ઉમંગ જગદીશચંદ્ર પંચાલ, સાસુ જયશ્રીબહેન અને નણંદ મિતાલીબહેન નિખિલભાઇ પંચાલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top