વડોદરા પાલિકાની સ્થાયી સમિતિમાં અધિકારીઓના ઈશારે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતી દરખાસ્તો આડેધડ મંજુર થાય છે
વડોદરા મહાનગર પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારમાં શાસકોના આંખ આડા કાન કરવાની નીતિ જવાબદાર છે. તાજેતરમાં સ્થાયી સમિતિ સમક્ષ પાર્કસ એન્ડ ગાર્ડન શાખા તરફથી એક દરખાસ્ત આવી છે. જે અધિકારી અને શાસકોની મીલીભગતની ચાડી ખાય છે. આ દરખાસ્ત માં શહેરમાં આવેલા હયાત અને નવા બગીચાની નિભાવણીનો ઈજારો લંબાવવાની મંજૂરી માંગવામાં આવી છે. બગીચાઓના નિભાવાણીનો રૂપિયા પાંચ કરોડનો વાર્ષિક ઈજારો ગત ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ પૂરો થઈ ગયો હતો. નવા ઇજારા માટે ટેન્ડર બહાર પાડવાને બદલે અધિકારીઓએ શ્રી હરિકૃષ્ણ નર્સરી અને પ્લાન્ટેનશન નામના કોન્ટ્રાકટર પર ફિદા થઈ તેને આજ દિન સુધી ઈજારો લંબાવી આપ્યો. અહીં થી આગળ વધી અધિકારીઓ હવે એવી મંજૂરી માંગી રહ્યા છે કે નવો ઈજારો ના અપાય ત્યાં સુધી શ્રી હરિ કૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામના કોન્ટ્રાકટરને રૂપિયા બે કરોડની મર્યાદામાં ઈજારો યથાવત રાખવા દેવામાં આવે. આમ પહેલા છ મહિના અને હજી બીજા ઇજારા સુધીના સમય માટે કોન્ટ્રાક્ટરને વગર ટેન્ડરે કામ કરાવવાનો ફાયદો કરી આપવાની મંજૂરી માંગવામાં આવી છે. અહીં સવાલ એ છે કે ઈજારો પૂરો થાય ત્યાં સુધી અધિકારીઓ શું નિંદ્રાધીન હોય છે કે પછી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપવા કટીબધ્ધ હોય છે ? અધિકારીઓના કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવી આપવાની નીતિ થી શાશકો અજાણ હોય એવુ બની શકે ખરું ? કે પછી અધિકારીઓને શાશકો જ આવી દરખાસ્ત લાવવા સૂચના આપે છે ? એક કોન્ટ્રાકટર એક વર્ષનો ઈજારો મળે એટલે બે થી ત્રણ વર્ષ સુધી કામ કરે રાખે એ કેવી વ્યવસ્થા ? જો આવું જ ધૂપ્પલ ચલાવવાનું હોય તો કોન્ટ્રાક્ટરને બે કે ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા ના જોઈએ ? અહીં મહત્વનું એ છે કે પાલિકાના જનસંપર્ક વિભાગમાં શોભનમ ડેકોરેટર્સ ને કોન્ટ્રાક્ટ લંબાવી આપી વર્ષોથી ઘી-કેળા કરી આપવામાં આવે છે. મલાઈદાર ગણાતી સ્થાયી સમિતિની આગામી બેઠકમાં આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.
શોભનમ ડેકોરેટર્સને કોન્ટ્રાક્ટ લંબાવી આપી વર્ષોથી ઘી-કેળા કરી આપવામાં આવે છે
By
Posted on