નવી દિલ્હીઃ સદ્દગુરુ જગ્ગી વાસુદેવ અને તેમનું ઈશા ફાઉન્ડેશન હાલના દિવસોમાં ઘણા વિવાદોના લીધે ચર્ચામાં છે. જો કે આજે સુપ્રીમ કોર્ટ તરફથી ફાઉન્ડેશનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પર રોક લગાવી દીધી છે. કેસની આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે.
ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. પ્રોફેસરનો આરોપ છે કે તેમની પુત્રીઓ લતા અને ગીતાને આશ્રમમાં બંધક રાખવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તમિલનાડુ પોલીસે ઈશા ફાઉન્ડેશનને લગતા તમામ અપરાધિક મામલામાં તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવો જોઈએ. બીજા દિવસે 1 ઓક્ટોબરના રોજ લગભગ 150 પોલીસકર્મીઓ આશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
દરમિયાન સદ્દગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે ગુરુવારે તા. 3 ઓક્ટોબર 2024ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસને મદ્રાસ હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કર્યો હતો. તેમજ તમિલનાડુ પોલીસને હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવેલ સ્ટેટસ રિપોર્ટ સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોલીસને હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને આગળની કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી. CJI DY ચંદ્રચુડે કહ્યું, તમે સેના કે પોલીસને આવી જગ્યાએ પ્રવેશવાની મંજૂરી આપી શકતા નથી.
ઈશા ફાઉન્ડેશનનો ખુલાસો
આ અગાઉ ઈશા ફાઉન્ડેશને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કથિત બંને છોકરીઓ 2009માં આશ્રમમાં આવી હતી. તે સમયે તેમની ઉંમર 24 અને 27 વર્ષની હતી. તેઓ પોતાની મરજી મુજબ જીવે છે. CJIએ તેમની ચેમ્બરમાં બે મહિલા સાધુઓ સાથે પણ ચર્ચા કરી હતી. મહિલાએ જણાવ્યું કે બંને બહેનો પોતાની મરજીથી ઈશા યોગ ફાઉન્ડેશનમાં છે. છેલ્લા આઠ વર્ષથી તેના પિતા તે બંનેને હેરાન કરી રહ્યા છે.
શું છે મામલો?
કોઈમ્બતુરની તમિલનાડુ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ભણાવતા એસ કામરાજે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમની પુત્રીઓને રૂબરૂ હાજર કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રોફેસરની 42 અને 39 વર્ષની દીકરીઓ કોર્ટમાં હાજર થઈ અને કહ્યું કે તેઓ ઈશા ફાઉન્ડેશનમાં પોતાની મરજીથી રહે છે. તેમને બળજબરીથી રાખવામાં આવતા નથી.
અરજી પર સુનાવણી કરતાં મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને વી શિવગનમની બેન્ચે ઈશા ફાઉન્ડેશનના સ્થાપકને પૂછ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે જે વ્યક્તિએ તેની દીકરીના લગ્ન કરાવીને તેને જીવનમાં સારી રીતે સ્થાપિત કરી છે, તે બીજાને કેમ પ્રોત્સાહિત કરી રહ્યો છે લોકોની દીકરીઓ માથે મુંડન કરાવે અને એકાંત જેવું જીવન જીવે?