World

ઈઝરાયેલી સેનાના હુમલામાં હમાસનો ચીફ મુશ્તાહા માર્યો ગયો

જેરુસલેમઃ ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલી સૈન્યએ આજે ગુરુવારે તા. 3 ઓક્ટોબરે જાહેરાત કરી છે કે ત્રણ મહિના પહેલા ગાઝાના એક હવાઈ હુમલામાં હમાસનો ચીફ રવી મુશ્તાહા માર્યો ગયો છે. તેની સાથે બે સિનીયર સુરક્ષા અધિકારીઓના પણ મોત થયા છે. ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં એક બેઝમેન્ટ સંકુલને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં મુશ્તાહા તેમજ કમાન્ડર સમેહ અલ-સિરાજ અને સામી ઓદેહનું મોત થયું હતું.

તાજેતરમાં ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં જોરદાર હુમલો કર્યો હતો. ઈરાને મિસાઈલ છોડ્યા બાદ ઈઝરાયેલી સેનાએ આ હુમલો કર્યો હતો. ઇઝરાયલી દળોના હુમલામાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ઈઝરાયેલે ગાઝામાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ દ્વારા લેબનોન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા તાજા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. આ હુમલામાં સાત લોકો ઘાયલ પણ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ગુરુવારે સવારે બેરૂતના બચૌરા વિસ્તારમાં સંસદની નજીક એક બિલ્ડિંગને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ સૌથી નજીકનો ઇઝરાયેલ હુમલો છે જે લેબનીઝ સરકારના મુખ્યાલય પર આવ્યો છે.

Most Popular

To Top