૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં એક ફરક છે. એ ફરક રાહુલ ગાંધીના પક્ષે છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની, ભાજપની અને સરકારની ટીકા કરતા. હાથમાં બંધારણની નકલ બતાવીને કહેતા કે નરેન્દ્ર મોદીની સરકારને આ બંધારણ સ્વીકાર્ય નથી. તેઓ તેને બદલવા માગે છે અને અનામતની જોગવાઈને ખતમ કરવા માગે છે. બીજી બાજુ ભારતનું બંધારણ સશક્તો સામે અશક્તોને રક્ષણ આપે છે. તેઓ નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે શ્રીમંતતરફી છે અને ખાસ કરીને બે ઉદ્યોગગૃહોને મદદ કરે છે એમ પણ કહેતા.
આ વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની ટીકા ઓછી કરે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધુ કરે છે. નિશાના પર સીધો સંઘ છે. તેઓ કહે છે કે લડાઈ વિચારોની છે અને એટલે ખરી લડાઈ સંઘ અને કોંગ્રેસ વચ્ચે છે. કોંગ્રેસની કલ્પનાનું ભારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વીકાર્ય નથી અને સંઘની કલ્પનાનું ભારત કોંગ્રેસને સ્વીકાર્ય નથી. ભાજપ તો સંઘનું એક પ્યાદું છે. તેઓ કહે છે કે સંઘર્ષ સત્તા માટેનો નથી, પણ ભારત વિષેની કલ્પના માટેનો છે. એ પછી તેઓ કહે છે કે સહિયારા લોકતાંત્રિક ભારતમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું અને દરેક વર્ગનાં વંચિતોનું અથવા ગરીબોનું કલ્યાણ છે. સંઘની કલ્પનાના ભારતમાં સવર્ણ હિંદુઓની સરસાઈ હશે. તે રાજ કરશે. રાહુલ ગાંધી વિનાયક દામોદર સાવરકરનું પણ નામ લે છે.
રાહુલ ગાંધીએ પહેલી વખત શબ્દો ચોર્યા વિના કહ્યું છે કે કોંગ્રેસની અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને માનસિકતા ધરાવનારાં લોકો છે. તેમનો ઈશારો હિમાચલ પ્રદેશના કેબીનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહ તરફ હતો. તેમણે યોગી આદિત્યનાથને અનુસરીને અને તેમનો હવાલો આપીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં પણ હોટલ પર હોટલના માલિકનું નામ હોવું જોઈએ. રાહુલ ગાંધીએ તેમને દિલ્હી બોલાવીને ઠપકો આપ્યો હતો. આવું જ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વાનું. તેઓ યોગી આદિત્યનાથ કરતાં પણ વધારે આકરા હિન્દુત્વવાદી વિચારો ધરાવે છે. હેમંત બિસ્વા પહેલાં કોંગ્રેસમાં હતા. મુખ્ય પ્રધાન બનવા મળ્યું નહીં એટલે તેઓ બીજેપીમાં ગયા હતા. હિંદુ માનસિકતા ધરાવતાં લોકો કોંગ્રેસમાં હોય એ કોઈ નવી વાત નથી. ગાંધીજીના જમાનાથી આવું જોવા મળી રહ્યું છે. તેઓ કોંગ્રેસમાં રહીને સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.
બીજી બાજુ નરેન્દ્ર મોદી એ જ વાત કરે છે, જે લોકસભાની ચૂંટણીમાં કરતા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આક્ષેપો કરીને સીધા પ્રહારો કરે છે. ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરે. હિંદુઓને ડરાવે છે. તેઓ નથી વિકાસની વાત કરતા કે નથી તેમની કે હરિયાણાની સરકારની સિદ્ધિઓની વાત કરતા. ભવિષ્ય વિષે સપનાં બતાવવાનું તો તેમણે બંધ જ કરી દીધું છે. રહી વાત રાહુલ ગાંધી દ્વારા ઉપસ્થિત કરાતી ભારત વિશેની કલ્પનાની તો તેનો તો તેઓ કોઈ ઉલ્લેખ જ નથી કરતા.
નથી સંઘની કલ્પનાના ભારતનો બચાવ કરતા કે નથી કોંગ્રેસની કલ્પનાના ભારતનો સ્વીકાર કે અસ્વીકાર કરતા. શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને લગભગ બાજુએ રાખીને સીધો સંઘ ઉપર પ્રહાર કરે છે? અને બીજો સવાલ એ કે આમ કરવું કોંગ્રેસ માટે હિતકારી છે? કે પછી નુકસાન થઈ શકે? ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસનો કોઈ નેતા આરએસએસનો ખૂલીને વિરોધ કરતો હોય કે નિંદા કરતો હોય.
મને એમ લાગે છે કે રાહુલ ગાંધીની રણનીતિ યોગ્ય દિશાની છે. હિન્દુત્વના જે સમર્થકો છે એ પહેલાં પણ જન સંઘ/બીજેપીની સાથે હતા અને ભવિષ્યમાં પણ બીજેપીની સાથે રહેવાના છે. જે લોકો એમ માનતા હતા કે ભારત હિંદુઓની બહુમતી ધરાવનારો દેશ છે એટલે હિંદુઓનું થોડુંક સાંસ્કૃતિક વર્ચસ હોવું જોઈએ, પણ એ સાથે કોઈ કોમ સાથે ભેદભાવ ન કરવો જોઈએ, કોઈને હેરાન ન કરવા જોઈએ અને દેશનો વિકાસ કેન્દ્રસ્થાને હોવો જોઈએ એ લોકો હવે દૂર જઈ રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નેતાઓ હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના રાખી શકતા નથી અથવા રાખતા નથી એટલે વિચારનારા હિંદુઓને સમજાવા લાગ્યું છે કે સંઘની કલ્પનાનું હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. મુસલમાનોને હેરાન કરવાનું, ધોલધપાટ કરવાનું સુખ મેળવો અને ભાજપને મત આપતા રહો. જેમને આવું માથાભારે હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી એ લોકો હિંદુવાદી હોવા છતાં કે હિંદુ હોવા માટે ગર્વ લેતા હોવા છતાં સંઘને સમર્થન કરતા નથી.
તેઓ સમર્થન કરતા બંધ થઈ ગયા છે કે થઈ રહ્યા છે એનું બીજું પણ એક કારણ છે. દસ વરસમાં તેમને સમજાવા લાગ્યું છે કે આ દેશમાં એટલી બધી વિવિધતા છે કે તેનાથી બચી શકાય એમ નથી. સાથે રહેવું એ નિયતિ છે. મુસલમાનો દેશનું કશું બગાડી શકે એમ નથી, તેમની એટલી શક્તિ જ નથી. જે કહેવામાં આવે છે એ પ્રચાર છે. ઉલટું લડાઈ હિંદુઓ વચ્ચે ચાલી રહી છે અને એક હિંદુ બીજા હિંદુ સાથે લડે છે. પરિવારોમાં ઝઘડો પ્રવેશ્યો છે. ટૂંકમાં દેશમાં પાકું ધ્રુવીકરણ થઈ ગયું છે એટલે હવે હિંદુઓની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. જે ત્યાં છે એ પાછા આવવાના નથી, પછી ભલે દેશનું ગમે તે થાય. બીજી બાજુ જેણે હિન્દુત્વનો સ્વાદ ચાખી લીધો છે એ લોકો હવે પુનર્વિચાર કરતા થયા છે. આ સ્થિતિમાં કોંગ્રેસની કલ્પનાનું ભારત એ હિંદુઓને તો સ્વીકાર્ય છે જ જે ઉદારમતવાદી છે.
એ હિંદુઓને પણ અનુભવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જે હાંસિયામાં છે. જેમ કે દલિતો, આદિવાસીઓ વગેરે. એ હિંદુઓને પણ હવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જેમણે હિંદુઓના રાજનો સ્વાદ ચાખી લીધો છે. આ સિવાય લઘુમતી કોમને કોંગ્રેસની કલ્પનાનું ભારત સ્વીકાર્ય હોય એ તો સ્વાભાવિક છે. જો મોટી સંખ્યામાં હિંદુઓ પાછા ફરતા હોય તો તેમની સમક્ષ વિકાસલક્ષી સ્વસ્થ અને સહિયારા ભારતની કલ્પના શા માટે ન રાખવી! આમાં રતીભાર પણ નુકસાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૮૭માં શરૂ થયેલો હિંદુ બેકલેશનો યુગ સાડા ત્રણ દાયકા પછી પૂરો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ જાણે છે અને સમજી વિચારીને નરેન્દ્ર મોદીની જગ્યાએ સંઘ પર હુમલા કરે છે.
રાહુલ ગાંધી આરએસએસને પણ ભીંતસરસો ધકેલે છે. જે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે એ તો માથાભારે હિંદુ રાષ્ટ્રનો થઈ રહ્યો છે. આનાથી જૂદા રાષ્ટ્રની જો કોઈ કલ્પના તમારા મનમાં હોય તો કહી બતાવો, એમાં શું હશે અને શું નહીં હોય? તેમણે કહેવું પડશે કે તેઓ કેવા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે? સંઘ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતો, ખાસ પ્રકારના હિંદુઓનું કરે છે એમ રાહુલ ગાંધીએ લોકસભામાં પણ કહ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પહેલી વાર વિચારધારાને લઈને ભીંસ અનુભવી રહ્યો છે. જ્યારે હિંદુત્વવાદી શાસકોનું શાસન નજર સામે હોય ત્યાં બોલવું શું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.