Charchapatra

નવરાત્રી મહોત્સવ

હિંદુઓનો તહેવાર નવરાત્રી મુખ્યત્વે મા દુર્ગા અને એના નવ અવતારની આરાધના કરવાનો તહેવાર છે. આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ એમાંની ચૈત્ર અને શારદીય નવરાત્રીનું મહત્ત્વ વધારે છે જેમાં માતાજીની આરાધના કરવાની સાથે એની ઉજવણી થતી હોય છે. ચોમાસું પૂરું થતાં આવતી નવરાત્રી ખેતીપ્રધાન આપણા દેશમાં ખેડૂતો, ધાર્મિક લોકો અને યુવાનો માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. સમયના વહેણ સાથે દિવાળી કરતાં પણ નવરાત્રીનું મહત્ત્વ વર્ષોવર્ષ વધતું જાય છે, જે દરમિયાન માતાજીની આરાધના કરવા ગવાતા ગરબાનું આપણા ગુજરાતી લોકોમાં વધુ મહત્ત્વ છે.

રાજ્યનો કોઇ ભાગ એવો ન હોય, જેમાં ગરબાની રમઝટ ન મણાતી હોય. હાલમાં આપણે ઘણા સમયથી જોઇએ છીએ કે મહદ્ અંશે આ ગરબામાં માતાની આરાધનાનાં ગીતો/ભજનો કરતાં પણ ફિલ્મી ગીતો આધારિત ગરબાનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. આ નવરાત્રીની ઉજવણી માટે લોકો ખાસ કરીને યુવક-યુવતીઓ દ્વારા ગરબામાં પહેરવાલાયક કપડાંની સૌથી વધુ ખરીદી થતી જોવા મળે છે. હવે હિન્દુઓના મુખ્ય તહેવાર દિવાળી કરતાં પણ નવરાત્રીનું મહત્ત્વ વર્ષોવર્ષ વધતું જાય છે.

દિવાળી મુખ્યત્વે ફટાકડા ફોડવાનો ઉત્સવ બનીને રહી ગઇ છે અને બેસતું વર્ષ સગાં, સંબંધીઓને મળવાનો અવસર બની ગયો છે. ગત વર્ષ સુધી નવરાત્રીના નવ દિવસ રમાતા ગરબાની સમયમર્યાદા રાત્રે બાર વાગ્યા સુધીની રાખવામાં આવતી હતી, જે સમયમર્યાદા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મળસ્કે પાંચ વાગ્યા સુધીની કરવાની જાહેરાત કરવામાં આવી જે બતાવે છે કે આ તહેવારનું મહત્ત્વ કેટલું વધી ગયું છે. અલબત્ત આ સમયમાં બઢોતરી કરવાની સાથોસાથ ગરબા ગવડાવવા માટે રખાતા ડી. જે. કે અન્ય ઉપકરણની સમયમર્યાદા અંગે ગૃહપ્રધાને મૌન સેવ્યું છે. અલબત્ત શહેર પોલીસ કમિશનરે સમયમર્યાદા રાત્રે બાર વાગ્યા સુધીની રાખી છે પરંતુ એનું પાલન કેટલે અંશે થશે એ સવાલ છે.

ગરબારસિકો સવાર સુધી આનંદપૂર્વક ગરબા રમે એની સામે કોઇ વાંધો ન હોઇ શકે પરંતુ માઇક પર કે ડી.જે. જેવાં અન્ય ઉપકરણો પર અત્યંત મોટા અવાજે ગવાતા ગરબા સમાજનાં વૃધ્ધો, બિમાર વ્યક્તિઓ અને નાનાં બાળકો માટે ઊંઘની મોટી સમસ્યા ઊભી કરી શકે, જે આખરે એમની અન્ય શારીરિક સમસ્યામાં પણ રૂપાંતર થઇ શકે. એથી શહેરનું વહીવટતંત્ર સમાજના આ વર્ગની સમસ્યાઓને ધ્યાને લઇ ગરબામાં વપરાતાં માઇક કે અન્ય ઉપકરણના અવાજ અને સમયની મર્યાદાને વળગી રહે એ લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આશા રાખીએ કે વહીવટીતંત્ર આ બાબતને ધ્યાનમાં લઇ સમય અને અવાજની મર્યાદા અંગે તાત્કાલિક અસરથી કોઇ નિર્ણય લે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top