SURAT

મેયર, કમિશનર બાદ સુરતમાં પ્રજાનું અલ્ટીમેટમ, ‘રસ્તા રિપેર ન થયા તો દશેરા પર પૂતળાં બાળીશું..’

સુરત: સોમવારે સામાન્ય સભામાં રસ્તા મુદ્દે વિપક્ષે શાસકોનો કાન આમળીને સાત વર્ષમાં 732 કરોડનો રોડ ટેક્સ ઉઘરાવી મનપના શાસકોએ શહેરીજનો સાથે ફ્રોડ કર્યુ હોવાના સણસણતા આક્ષેપ બાદ મંગળવારે કોટ વિસ્તારમાં વોર્ડ નં.13માં રસ્તા મુદ્દે ઘૂઘવાઇ રહેલા સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક નગરસેવકોનો નિશાન બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી કરાતાં મામલો ગરમાયો છે.

શહેરના જર્જરીત રસ્તા બાબતે ચોમેરથી તંત્ર અને શાસકો પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત બદ્દતર થઈ જાય છે. જેના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મનપા કમિશનર દ્વારા 15 ઓગસ્ટ સુધીમાં રસ્તાઓની રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવાનું અલ્ટિમેટમ અપાયું હતું.

પરંતુ હજુ સુધી રસ્તાની હાલત બિસમાર છે. જ્યાં કામચલાઉ પેચવર્ક કરાયું છે તે પણ વરસાદ પડતાં ધોવાઈ રહ્યા છે. જેથી લોકો હવે સામે તહેવારે આવા રસ્તાઓને કારણે ખૂબ જ રોષે ભરાયા છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરો પર બળાપો કાઢી રહ્યા છે.

ભાજપના વોર્ડ નં.13ના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઇમેજ ફરતી થઈ છે, જેમાં કોર્પોરેટરોને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં, હવે નવરાત્રિ મહોત્સવ પહેલાં શેરી-મહોલ્લામાં રોડ-રસ્તા બનાવડાવો તો આપનો આભાર… દશેરા મહાપર્વે રાવણના પૂતળાનું દહન થશે કે પછી કોર્પોરેટરોના….’ વોર્ડ નં.૧૩ના ભાજપના કોર્પોરેટરના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરો એક માસથી દેખાતા ન હોવાની, કોર્પોરેટરોનું અધિકારી સામે કંઇ ઉપજતું નથી, લોકો સુરતી સંભળાવે છે, હવે સહન થતું નથી-કંઇ કરો રોડ-રસ્તાનું…. જેવા મેસેજની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

Most Popular

To Top