Business

નળ સરોવરના કાંઠે તરસ્યા પઢારોને ટેકો કરીએ

અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા સરહદે નળસરોવરમાં ખરું નામની વનસ્પતિ પુષ્કળ થાય છે. ખરુંને સંસ્કૃતમાં નદ કહે છે. સરોવરની આસપાસ “નદ ઘાસ”મોટા પ્રમાણમાં થતું હોવાથી લોકોએ તેને નસરોવર કહ્યું અને કાળક્રમે તેમાંથી નળસરોવર એમ રૂપાંતર થયું. નળસરોવર એ તો પંખીઓનું પિયર છે. દર વર્ષે અહીં શિયાળા દરમ્યાન દેશવિદેશનાં અનેક પંખી આવે છે. પૂર્વાકાશેથી સૂરજનાં કિરણ ધરતી ઉપર પડે ત્યારે સમગ્ર નળસરોવર પંખીઓના કલરવથી ગૂંજી ઊઠે છે. નળસરોવર આસપાસ વસતાં લોકો પઢાર (રખેવાળ) તરીકે ઓળખાય છે.

પઢારો જળચર અને ભૂચર પક્ષીઓના અઠંગ શિકારી છે. ભાગતી માછલીને હાથ વડે પકડી પાડે છે. તેવી જ રીતે માથા ઉપર છોડવાં નાખી પ્રતીક્ષા કરી પાણી ઉપર બેસતાં પક્ષીના પગ પકડી શિકાર કરી લે છે. ચોમાસું બેસવાની સાથે નળસરોવરમાં ખારું, છૈયા અને ડિલાનો ભારે ઉગાવો થાય છે. પાણીના કારણે આ ઘાસ ખૂબ ઊંચાઈએ વધે છે. એની સળીઓ લીલીછમ અને સુંવાળી હોય છે. પઢારો તેમાંથી કૂબા (શંકુ આકારનાં ધર) બનાવે છે. આ વનસ્પતિમાંથી પઢારો તરાપા પણ બનાવે છે.

નળસરોવર આસપાસ લીલાશવાળી જમીનમાં થેંગ નામની વનસ્પતિ થાય છે. પઢારો થેંગના લોટના રોટલા બનાવીને ખાય છે. નળસરોવરમાં બીડ નામનું કંદમૂળ થાય છે તે પણ સ્થાનિક લોકો ખાય છે. નળમાં જુદી જુદી માછલીઓ થાય છે. તે મીઠું દઈને આઘેનાં ગામોમાં વેપાર કરે છે. નળસરોવરમાં ચોમાસામાં શેવાળ મોટા પ્રમાણમાં થાય છે. કાંઠાનાં ગામોની ભેંસો તો આખો દિવસ નળમાં તરતી તરતી શેવાળ અને વનસ્પતિ વાગોળતી જ હોય છે. પઢારો શાંતિપ્રિય સમૂહ છે. આમ છતાં કોમના અંદરોઅંદરના ઝઘડાનો નિકાલ તેમના પંચ દ્વારા અથવા બાર ગામની ન્યાતના પંચ દ્વારા થતો હોય છે. પઢારો કૉર્ટ- કચેરીમાં પડતા નથી.

અંગ્રેજ કાળના અમલદાર કર્નલ વૉટ્સન લખે છે કે પઢાર સિંધમાંથી ૯૫૦ વર્ષ પહેલાં ભાલ પ્રદેશમાં આવ્યા હશે. એવી પણ માન્યતા છે કે પઢાર બલુચિસ્તાનમાંથી સિંધમાં આવ્યા હશે. નળ કાંઠાનાં ગામોમાં આજે જ્યાં પઢારોની વસ્તી છે, ત્યાં સમા મુસલમાનની પણ વસ્તી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સમા મુસલમાન નળકાંઠા સિવાય કયાંય બીજે જોવા મળતાં નથી. નળસરોવરને કાંઠે હિંગળાજ માતાની દેરી છે અને આ દેરીની પૂજા પણ આદિ કાળથી સમા મુસલમાન ફકીરો કરે છે. સમા મુસલમાનોના રિવાજ મુજબ અહીં નિકાખાની થાય છે.

પણ છેડાછેડી છોડવા માતાના મઢે જવું પડે છે અને માતાજીને નૈવેદ્ય કરવું પડે છે. વદ આઠમના દિવસે માતાના મઢે સહુ ભેગાં થાય છે. ખીજડાનાં પાનની ચૂંદડી બનાવીને માતાને ઓઢાડે છે, ભૂવા ધૂણે છે, ડાકલાં વાગે છે અને માતાના માથેથી ફૂલનો દડો ભૂવાના ખોળામાં પડે તે આધારે, વરસ કેવું જશે તે અંગેની માન્યતા પ્રચલિત બને છે. હિંગળાજ નામે એક શૂરવીર રાજવી સ્ત્રી સાથે વૈશાખ સુદ ચોથના રોજ પઢારો સિંધ પ્રદેશમાંથી નળસરોવરે આવવા નીકળ્યાં હતાં તેવી માન્યતા પણ છે અને તેથી આ દિવસે બધા પઢારો ઉત્સવ મનાવે છે. માતાજીને નૈવેદ્યમાં પાડો ધરાવવામાં આવે છે. થાળીમાં લોહી ભરી માતાની સામે મૂકે છે.

પઢારોનું જીવન માત્ર ખેતી અને પશુપાલન આધારિત રહેતું નથી. તેમનો જીવનનિર્વાહ મજૂરીમાંથી થયેલી આવક દ્વારા પણ થાય છે. આમ, ટૂંકી ખેતી ધરાવતા પઢારોએ બાવડાના બળે ઝઝૂમવાનું હોય છે. નળકાંઠામાં કોઈ ઉદ્યોગ તો નથી, સિંચાઈ ગોઠવાઈ નથી. જમીન ઓછી છે એટલે મજૂરી માટે ઉનાળામાં મોટા ભાગનાં પઢારો દૂર દૂરનાં સ્થળોએ નીકળી પડે છે. ચોમાસામાં નદીઓના વોકળા અને ઉપરવાસમાં પાણી આવે ને નળસરોવર છલોછલ ભરાઈ જાય. તે વખતે પાણી મીઠું હોય છે. પરંતુ જાન્યુઆરી મહિનો આવતાં પાણી ખારું થઈ જતાં નળસરોવરનું પાણી ખેતીના કામમાં અનુકૂળ નથી રહેતું. આથી પઢારો માટે સ્થળાંતર એ જ જીવનનિર્વાહ માટેની આશા બની રહે છે.

એક જમાનામાં જાહોજલાલીથી ભરપૂર નળકાંઠાનો પ્રાકૃતિક વિસ્તાર ખંભાતના અખાતથી કચ્છના રણ સુધી જળસભર હતો. ભાલ નળકાંઠા વિસ્તારમાં અનેક સ્થળે વહાણ લાંગરવાનાં કડાં આજે પણ જોવા મળે છે. પૂર્વ કાંઠે ગામ શિયાળ અને હડપ્પા સંસ્કૃતિના લોથલના સંબંધો નળ સુધી જોડાય છે. ઇતિહાસ પુરાતત્ત્વ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ૧૧મી શતાબ્દી સુધીની માહિતી આ વિસ્તારમાં સંગ્રહિત છે.

પરંતુ આજે આ વિસ્તાર નપાણિયો બન્યો છે. કાળી અને ગોરાડુ ક્ષારયુક્ત જમીન હોવાથી ખેતી પણ ચોમાસાના વરસાદ પર આધારિત બને છે. માત્ર ઘઉં, કપાસ અને ચણાના પાક રહ્યા છે. આમ નળસરોવરે દાયકાઓથી વિકસતું માનવજીવન ચીંથરેહાલ બન્યું છે. સરોવર આસપાસ વસેલા લીંબડી તાલુકાનાં રાણાગઢ, રળોલ, ધરજી અને બીજાં નવ ગામડાંઓમાં વસતાં પઢારોને રાજ્ય સરકારે વિચરતી આદિવાસી જાતિનો દરજ્જો આપ્યો છે. જિલ્લા આયોજન મંડળ નળકાંઠા વિસ્તાર વિકાસ માટે વધારાનું ફંડ વાપરે છે છતાં સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પછી પણ નળકાંઠાના પઢારો પરિસ્થિતિના ગુલામ બની જીવન વેઠે છે.

નળકાંઠામાં પુખ્ત વયનાં પઢાર સ્ત્રીપુરુષો પોતાના ૧થી ૩ વર્ષનાં બાળકો સાથે રોજગારી માટે વર્ષનાં ૧૮૦થી ૨૦૦ દિવસ ગુજરાત અને રાજસ્થાન અસ્થાયી વસવાટ કરે છે. જ્યારે ૪થી ૧૪ વર્ષનાં કિશોર-કિશોરીઓ પોતાના ગામમાં કુટુંબનાં વૃદ્ધો પાસે રહે છે.  આવાં બાળકોની સંખ્યા ૨૫૦૦૦ થી વધુ છે. આવી સામાજિક વિષમતાના કારણે પઢાર કોમના યુવકોમાં બાળવિવાહ અને જાતીય વિકૃતિના પ્રશ્નો જોવા મળે છે. ખોદકામના વ્યવસાય અંગે વર્ષ દરમ્યાન ૬થી ૮ માસ અત્યંત કઠિન, ભટકતું અને અગવડભર્યું જીવન જીવતા યુવક પઢારોમાં અને સવિશેષ સ્ત્રીઓમાં શારીરિક સ્વચ્છતાનો અભાવ રહે છે.

આથી તેઓમાં મોટા પ્રમાણમાં ચામડી અને જાતીય રોગો જોવા મળે છે. તમાકુ, ધૂમ્રપાન અને દારૂના વ્યસનના કારણે સ્ત્રીપુરુષોમાં રોગજન્ય સ્થિતિ વધુ રહે છે. આવી નાજુક સ્થિતિ છતાં પણ સક્ષમ આરોગ્ય સુવિધા આ ક્ષેત્રમાં જોવા મળતી નથી. નળકાંઠાનાં પઢારોએ જીવન ટકાવી રાખવા માટે જમીન અને પશુઓનો આધાર લીધો છે. નળસરોવર આસપાસની ૧૩,૦૦૦ એકર ખેતીની જમીનમાં તેઓ મુખ્યત્વે ડાંગર, કપાસ અને જીરાની ખેતી પણ કરે છે. જ્યારે ભેંસો, ગાયો અને બકરાંના દૂધમાંથી તેમના ખોરાકની અને છૂટીછવાયી જરૂરિયાત સચવાય છે.

કપરી પરિસ્થિતિની વચ્ચે પણ નળકાંઠાની બહેનોમાં ભરત,ગૂંથણ અને મોતીકામનો કસબ ધબકે છે. બહેનો ભરત,ગૂંથણ અને ઊની શાલ વણવાના કામ દ્વારા પૂરક આવક મેળવે છે, જેઓને બજારનો સહકાર જરૂરી બને છે. પઢાર પુરુષોનાં મંજીરા-નૃત્ય રાષ્ટ્રભરમાં જાણીતાં છે. પઢારોનાં સમૂહ નૃત્યો દર્શનીય છે. ગુજરાતનાં મુખ્ય શહેરોમાં કાર્યક્રમો યોજી નૃત્યોમાંથી મળતી આવક પઢાર ક્ષેત્રના વિકાસ માટે ઉપયોગમાં લેવા શક્યતા છે. પઢાર કુટુંબોને સહકારી ધોરણે માછીમારી કરવાની છૂટ મળે તે માટે રાજ્યના વનવિભાગ, મત્સ્યઉદ્યોગ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનની આવશ્યક્તા છે. નળકાંઠા આસપાસના ક્ષેત્રમાં વાગડ કપાસનું વાવેતર થાય છે. આથી કપાસનું સ્થાનિક રીતે એકત્રીકરણ કરીને તે પૂણી તથા દોરાના ઉત્પાદન સુધી આગળ લઈ જવામાં આવે તો વિકેન્દ્રિત ધોરણે ૭૦૦ ઘરોમાં યુવકોને કાયમી રોજી આપી શકાય.

એક તરફ વધતી જતી આર્થિક જરૂરિયાત વચ્ચે બજારવ્યવસ્થાનું પ્રભુત્વ મજબૂત બનતું જાય છે, તો બીજી ત૨ફ ટૂંકા ગાળાના રાજકીય વિકાસના કાર્યક્રમોમાં પ્રજાકીય અસર ઘટી રહી છે, ત્યારે રાજ્યના સ્થાપિત માળખાગત આધારને તોડી લોકોને આપમેળે ઊભા કરવાનો સમય પાકી ગયો છે. ગ્રામીણ ક્ષેત્રે પ્રજાકીય વિશ્વાસની સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા ખાતરીબદ્ધ ગ્રામવિકાસનો અભિગમ અંકે કરવો પડે અને આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ વૈજ્ઞાનિક ઢબે ગામડાંઓને વિકાસની મુખ્ય ધારામાં સમાવી લેવા અભ્યાસપૂર્ણ અને સ્વતંત્ર કાર્યક્રમો અમલી કરવા પડશે. સ્વર્ણિમ ભારતની કલ્પનાને વિજ્ઞાન અને તકનીક સાથે જોડી શ્રમિકોના જીવનને આગળ લાવીશું તો જ નવી વ્યવસ્થા ગરીબોના મિત્ર જેવી સાબિત થશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top