પૂજય મહાત્મા ગાંધીનો જન્મ 2જી ઓકટોબરે 1869ના દિને પોરબંદરમાં થયો હતો. તેમની શિષ્યા મીરાબેને તેમને બાપુનું ટાઇટલ આપ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરે તેમને મહાત્મા કહેવા માંડયું. સુભાષચંદ્ર બોઝે પૂ. બાપુને ફાધર ઓફ ધ નેશનલ કહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ પણ 2જી ઓકટોબરને ઇન્ટરનેશનલ ડે ઓફ નોનવાયોલન્સ તરીકે સેલીબ્રેટ કરે છે. તેમના સત્ય, અહિંસા અને આત્મશુધ્ધિ અંગેના વિચારો તેમના શબ્દોમાં જ હું રજુ કરું છું. સત્યની મારી પૂજા મને રાજકારણમાં ખેંચી ગઇ. ધર્મને રાજકારણ સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી.
આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐકય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાનું પાલન સર્વથા અસંભવિત છે. અશુધ્ધ આત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે, તેથી જીવનમાર્ગના બધા ક્ષેત્રોમાં શુધ્ધિની આવશ્યકતા છે. પણ આ શુધ્ધિનો માર્ગ વિકટ છે એમ હું પ્રતિક્ષણ અનુભવું છું. શુધ્ધ થવું એટલે મનથી વચનથી અને કાયાથી નિર્વિકાર થવું. રાગદ્વેષ આદિથી રહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથવા છતાં હું નિર્વિકારતાને પામી શકયો નથી. તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી. એ સ્તુતિ મને ડંખે છે.
મનનના વિકારોને જીતવા જગતને જીતવા કરતાં યે મને કઠીન લાગે છે. ભારતમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઇ રહેલા વિકારોને જોઇ શકયો છું. શરમાયો છું. પણ હું હાર્યો નથી. સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટયો છે પણ હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને માટે મારે શૂન્યવત બનવાનું છે. મનુષ્ય જયાં સુધી સ્વેચ્છાએ પોતાને છેલ્લો ન મૂકે ત્યાં સુધી તેની મુકિત નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને એ નમ્રતા વિના મુકિત કોઇ કાળે ન મળે. સત્યથી ભિન્ન કોઇ પરમેશ્વર હોય એવું મેં અનુભવ્યું નથી.
સત્ય સિવાયનું મને કોઇ રાજકારણ આવડતું નથી. તેથી જ આઇન્સ્ટાઇને કહ્યું કે ભવિષ્યની પ્રજા ભાગ્યે જ માનશે કે આવો હાડમાંસવાળો માનવી આ પૃથ્વી પર વિચરતો હતો ઇશિતાની એલચી કોલમમાં ઇશિતાએ સરસ લખ્યું છે કે 2 ઓકટોબર ગાંધી જયંતી અવસરે આગામી 25મી સદીમાં કદાચ એમ કહેવાશે એક હતી પૃથ્વી, એક હતો આદમી ને એક હતો ગાંધી. ગાંધીજીમાં મહાવીરની અહિંસા, બુધ્ધની કરુણા અને જીસસ ક્રાઇસ્ટની માનવતાના ગુણોનો સમન્વય થયો હતો!!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.