Editorial

એક તરફ આક્મકતા અપનાવવી અને બીજી તરફ શાંતિની વાતો કરવી એ ચીનનો અભિગમ રહ્યો છે

ચીન સાથેના વિવાદ અને મડાગાંઠ વચ્ચે હાલમાં એક નવી ઘટના બની ગઇ. અરૂણાચલ પ્રદેશના એક પર્વત પર આરોહણ કરનાર એક ભારતીય ટુકડીએ આ પર્વતને અગાઉના એક દલાઇ  લામાના નામ પરથી નામ આપ્યું અને તેની જાણ થતાં જ ચીન નારાજ થઇ ગયું. ભારતીય પર્વતારોહકોએ અરૂણાચલ પ્રદેશમાં આવેલ અગાઉ નામ વગરના એવા એક શિખરને છઠ્ઠા દલાઇ  લામાના નામ પરથી નામ આપતા ચીન રોષે ભરાયું હતું અને આ વિસ્તાર પર પોતાનો પ્રાદેશિક દાવો દોહરાવ્યો હતો.  

ઘટના એવી છે કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ  એડવેન્ચર સ્પોર્ટ્સ(નિમાસ)ની એક ટુકડી અરૂણાચલ પ્રદેશમાં આવેલ ૨૦૯૪૨ ફૂટ ઉંચા એક એક પર્વત પર તાજેતરમાં ચડી હતી. આ શિખર પર અગાઉ કોઇએ પણ આરોહણ કર્યું ન હતું  અને તેને અત્યાર સુધી કોઇ નામ પણ અપાયું ન હતું. આ ટીમે આ શિખરને ૬ઠ્ઠા દલાઇ લામા સાન્ગ્યાંગ ગ્યાસ્તોનું નામ આપ્યું હતું જેઓ મોન તવાંગના પ્રદેશમાં ૧૬૮૨માં જન્મ્યા હતા.  નિમાસ એ અરૂણાચલ પ્રદેશના દિરાંગમાં આવેલી  સંસ્થા છે અને સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે. આ શિખરને છઠ્ઠા દલાઇ લામાનું નામ આપવું એ તેમના સર્વકાલીન ડહાપણને  અને મોંપા સમુદાય અને તેની બહાર તેમણે આપેલા ગાઢ ફાળાને એક અંજલિ છે એમ આપણા સંરક્ષણ મંત્રાલયે પણ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું. 

આ બાબતે પૂછવામાં આવતા ચીની  વિદેશ મંત્રાલયના પ્રવકતા લીન જિયાને બૈજિંગમાં એક મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે તમે જે જણાવ્યું છે તે ઘટના બાબતે હું વાકેફ નથી પણ મને વધુ વ્યાપક રીતે જણાવવા દો કે ઝેંગાંગ  એ ચીની પ્રદેશ છે, અને ભારત માટે ચીની પ્રદેશમાં આ કહેવાતા અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરવી એ ખોટું અને રદબાતલ થવાને પાત્ર છે. આ ચીનનો સતત અભિગમ છે એ મુજબ તેમણે  જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અરૂણાચલ પ્રદેશને ઝેંગનાન તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત ચીની અરૂણાચલ પ્રદેશ પર પોતાના દાવાને ભાર આપવા માટે ૨૦૧૭થી અરૂણાચલ  પ્રદેશના વિવિધ સ્થળોએ ચીની નામો આપી રહ્યું છે. બીજી બાજુ, ભારતે અરૂણાચલ પ્રદેશના એક શિખરને હાલના નહીં પણ દલાઇ લામા પરંપરાના અગાઉના એક દલાઇ લામાનું નામ  આપ્યું તેથી તે છંછેડાઇ ગયું છે. અરૂણાચલ પ્રદેશના નદીઓ, પર્વતો વગેરેને તે પોતે ચીની નામો આપે તો કંઇ નહીં પરંતુ ભારતે ભારતીય નામો કે ચીન વિરોધીઓના નામો આપવા નહીં  એમ તેનું દેખીતું કહેવું છે.

ભારત સાથે કે અન્યત્ર પ્રાદેશિક આક્રમકતાની બાબતમાં ચીનનો અભિગમ વિચિત્ર રહ્યો છે. એક તરફ તે આક્રમક અભિગમ અપનાવે છે તો બીજી બાજુ તે  મંત્રણા અને શાંતિની વાત કરે  છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં કહ્યું કે ચીન અને ભારત તેમના મતભેદો ઘટાડવામાં અને પૂર્વ લડાખમાં સંઘર્ષના બિંદુઓ પરથી દળો પાછા ખેંચવાની બાબતમાં કેટલીક સહમતિ  સાધી શક્યા છે અને વહેલી તકે બંનેને સ્વીકાર્ય હોય તેવી સહમતિ પર પહોંચવા માટે મંત્રણા ચાલુ રાખવા પણ એકબીજા સાથે સંમત થયા છે.   

ચીની સંરક્ષણ મંત્રાલય કોઇ પણ ડાહી વાત  લદાખ સંઘર્ષ સંદર્ભમાં આશ્ચર્ય જ જન્માવે તેવી લાગે કારણ કે લદાખ પ્રદેશમાં ચીને જ લશ્કરી ગતિવિધિઓ ચાલુ રાખી છે અને ભારતે તેનો સામનો કરવા પોતાના સૈનિકોને ગોઠવવાની  ફરજ પડી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે ચીન અને ભારતે એકબીજા સાથે રાજ્દ્વારી અને લશ્કરી ચેનલો મારફતે સંપર્ક જાળવી રાખ્યો છે જેમાં બંને દેશોના વિદેશ મંત્રીઓ અને  ચીનના વિદેશ મંત્રી તથા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે પણ મંત્રણાઓ યોજાઇ છે અને સરહદી વાટાઘાટ વ્યવસ્થા હેઠળ પણ મંત્રણાઓ યોજાઇ છે.

ચીન અને ભારત મંત્રણાઓ  મારફતે મતભેદો ઓછા કરવામાં સફળ રહ્યા છે અને કેટલીક સહમતી એકબીજાની વાજબી ચિંતાઓ બાબતે સાધવામાં સફળ રહ્યા છે એમ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા બાબત મંત્રાલયના આ  પ્રવકતાએ જણાવ્યું હતું. તેઓ સંઘર્ષના બિંદુઓ પરથી દળો પાછા ખેંચાવની બાબતમાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તાજેતરમાં બ્રિકસ બેઠકની સાઇડ લાઇન પર ભારતના  વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે યોજાયેલી બેઠકનો પણ તેમણે સંદર્ભ આપ્યો હતો. તેમની  આ ટિપ્પણીઓ એના પછી આવી છે જ્યારે ભારતીય વિદેશ  મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી દ્વારા આયોજીત એક બેઠકમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે શ્રેણીબધ્ધ સહમતિઓ સધાઇ છે.

ભારત સાથેની પૂર્વ લડાખ સરહદે હોય કે અરૂણાચલ સરહદે હોય, ચીન લાંબા સયમથી આક્રમક વર્તન અપનાવતું આવ્યું છે. એક બાજુ તે લદાખમાંથી સૈનિકો  પાછા ખેંચતું નથી, લદાખમાં,  તિબેટ સરહદે અને અરૂણાચલ સરહદે ઉંબાડિયાઓ ફેંકતુ રહે છે, ગતકડાઓ કરતું રહે છે અને પછી શાંતિ અને મંત્રણાની વાતો કરે છે. સમગ્ર દક્ષિણ ચીની સમુદ્ર પર પોતાના હકનો દાવો કરે છે, અન્ય દેશોના અધિકારોને રૂંધવા પ્રયાસો કરે છે અને પછી નિયમોની વાતો કરે છે. ચીનનો આ બેવડો અભિગમ જો કે વિશ્વ હવે સમજવા માંડ્યું છે.

Most Popular

To Top