Charchapatra

દિલ્હીનો કરુણ બનાવ

દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં અકલ્પનીય રીતે ત્રણ હોનહાર વિદ્યાર્થીઓનાં કમોત થયાં. દેશની રાજધાનીમાં પણ જાહેર લોકોપયોગી સેવાઓ કેટલી ખાડે ગઈ છે તેનો આ નમૂનો છે. જમીનની નીચે રહેલી ગટરો કે નળની પાઈપ લાઈનોની દિલ્હી તો શું, પણ ભાગ્યે જ કોઈ નગરમાં સફાઈ થતી હશે. ગટરની પાઈપ પીવાની પાઈપ લાઈન સાથે ભળી જવાથી કોલેરા-કમળાના અનેક કેસો ઘણાં શહેરોમાં થાય છે. આપણે ત્યાં દૂષિત પાણીથી કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે જ સરકારી તંત્રનું આરોગ્ય ખાતું જાગે છે.

થોડા દિવસો હો-હા થાય, લોકો માંદાં પડે છે અને પછી સરકારી તંત્ર બીજી દુર્ઘટના થતાં સુધી લાંબી ઊંઘ ખેંચી નાંખે છે. દિલ્હીનો આ બનાવ તંત્રની ભયંકર નિષ્ફળતાની ચાડી ખાય છે. તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે છેલ્લા 1 વર્ષમાં કેટલાં નાગરિકોએ જીવ ગુમાવ્યા તે યાદ કરતાં કમકમાં આવી જાય છે. આ બનાવની ન્યાયતંત્રે સુઓ મોટો નોંધ લેવી જોઈએ અને બેદરકારી દાખવનારીને કડક સજા થવી જોઈએ.
બનાસકાંઠા – અશ્વિનકુમાર ન.કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top