Charchapatra

આ કેવું?

તા.૨૫ સપ્ટેમ્બર , ૨૦૨૪ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લા પાને પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ૮૯૭ સરકારી સ્કૂલમાં એકેય તજજ્ઞ શિક્ષક નથી.જિલ્લાની માત્ર ૮૩ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા છે પરંતુ અનેક કોમ્પ્યુટરો ધૂળ ખાતાં હોવાની ચર્ચા છે.એક લાખ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક શિક્ષણ પણ મળતું નથી.એઆઈના યુગમાં વિદ્યાર્થીઓને ડિજિટલ ટેકનોલોજી શિક્ષણ મળે તે માટે કોમ્પ્યુટર શિક્ષણ માટે એક સપ્તાહમાં ત્રણ તાસ લેવા એવું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ કોમ્પ્યુટરનાં નિષ્ણાત શિક્ષકો નહીં હોવાથી ધોરણ ૧ થી ૫ માં ભણતાં 62,790 કુમાર અને કન્યા વિદ્યાર્થીઓ અને ૬ થી ૮ માં ભણતાં 37019 કુમાર અને કન્યા મળી કુલ 99989 વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક શિક્ષણ પણ યોગ્ય રીતે મળતું ન હોવાની ફરિયાદો ઊઠવા પામી છે.હાલ અન્ય શિક્ષકો તાસ લે છે પણ તેમને જ પૂરું આવડતું ન હોય તો એ વિદ્યાર્થીઓને શું શીખવે? શિક્ષણ ક્ષેત્રે આમ પણ ઘણા છબરડા થતા રહેતા હોય છે તેમાં આવા છબરડા તો અક્ષમ્ય ગણાવા જોઈએ,પણ બધાં જ ક્ષેત્રોમાં ચાલે છે તેમ હોતી હૈ ચલતી હૈ ની જેમ આ પણ ચાલ્યા કરે છે.પ્રજાએ મોં વકાસીને જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મુઘલકાળનું સુરત
મોગલ બાદશાહ સલામતના કાળમાં સુરતનો ઇતિહાસ એવો રહેલો છે કે, ૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલ કાળમાં લૂંટ મારી છતાં ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું હતું. ભૌગોલિક રીતે સુરત શહેર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતાં યાત્રીઓ માટે અહીંનાં બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહીં વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનિમય સ્થાપવા તે સમયે “નાણાવટ” નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું.

જેમાં શાહી ટંકશાળ પણ હતી, આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબૂત અને ઊંચી દીવાલ (કોટ) બાંધવામાં આવી, જેનું નામ શેહરે પનાહ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો “નાના કોટ” તરીકે પણ ઓળખતાં હતાં. સમય જતાં શહેરનું વિસ્તરણ થયું અને તે “શેહેરે પનાહ”ની બહાર નીકળી ગયું. સુરતની સમૃદ્ધિ દિનપ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદ્ભવ્યો. જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને આલમ પનાહ નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો “મોટા કોટ” તરીકે ઓળખતાં હતાં.! સબબ, સદર સુરત ઉપર ગોરાઓ અને મોગલોએ રાજ કરેલ હતું.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top