Charchapatra

ભારતનુ યુવાઘન વિદેશમાં સ્થાયી થવાનુ જ કેમ  વિચારે છે?

આપણાં પ્રઘાનમંત્રીના અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના બિનનિવાસી ભારતીયો માટે યોજાયેલ સમારંભમાં હાજર રહેલ મુળ ભારતીયોએ આપણા પ્રઘાનમંત્રીના સંબોઘન દરમિયાન જે ઉત્સાહ, જોશ અને જોમ દાખવ્યા એ અંગે આપણા એક ગુજરાતી દૈનિકે સમાચાર છાપી સવાલ કર્યો છે કે મુળભુત આપણા દેશના આ માલેતુજાર નોનરેસીડન્ટો ભારતના વિકાસમાં એમનુ યોગદાન આપવા પાછા કેમ નથી આવતા? આ સમાચાર વાંચતા એવો પણ વિચાર આવે છે કે આ બઘા બિનનિવાસી ભારતીયો જેમને આપણાં પ્રઘાનમંત્રી અને એમના પોતાના વતન માટે આટલી લાગણી છે એ સર્વે પરદેશમાં જ સ્થાયી થવાનુ જ કેમ પસંદ કરે છે? આમાંના ઘણાં મુળ ભારતવાસીઓનો અમેરિકાની પ્રગતિમાં ફાળો બહુ મોટો છે.

અમેરિકાના આઇ.ટી. સેક્ટરમાં પણ ઘણું મોટુ યોગદાન છે. અમેરિકામાં જ સ્થાયી થયેલ આ બઘા મુળ ભારતીયો આપણા દેશની પ્રગતિમાં યોગદાન આપવાનુ કેમ વિચારતા નથી? કે પછી એમને આપણા દેશના વિકાસની વાતોમાં વિશ્વાસ નથી? એક તરફ આ સમાચાર અને વાતો ચર્ચામાં હતી એની સાથો સાથ વિકાસના ગાણા ગવાતા આપણા દેશમાં કોઇ ઘંઘારોજગાર ન મળતા એમના કુટુંબના ભરણપોષણ માટે દેવુ કરીને કે અન્ય કોઇ માર્ગે આવક રળવા અમેરિકા ગયેલ યુવાનોની આપણા દેશના વિરોઘપક્ષના નેતા રાહુલ ગાંઘીએ મુલાકાત લઇ એમની અપણો દેશ છોડી અમેરિકા આવવાના કારણો જાણી અને એ બઘા યુવાનોના ભારતમાં વસતા કુટુંબીજનોની મુલાકાત લઇ એમને આશ્વાસન આપતો વિડીયો જોયા પછી સ્પષ્ટ થાય છે કે આપણા દેશના વિકાસના ગવાતા ગાણા અને જમીની હકિકત વચ્ચે ઘણું અંતર છે.

થોડા થોડા દિવસોના અંતરે વિકસિત દેશોમાં ગેરમાર્ગે પ્રવેશ મેળવવા કોશીશ કરતા લોકોના સમાચાર પણ પ્રગટ થતા જોવા મળે છે. આ બઘુ જોતા સ્વાભાવિક રીતે એવો વિચાર આવે છે કે આપણે ત્યાં સતત વિકાસની વાતો કરવામાં આવે છે એ વિકાસ ખરેખર કોનો થઇ રહ્યો છે? ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં થતી સતત વૃઘ્ઘિની સામે ગરીબોની સંખ્યામાં થતા વઘારાને વિકાસ ગણવો? દેશને તાતી જરૂર છે સર્વસમાવેશી વિકાસની જે વિના આપણા જ યુવા વર્ગની કાબેલિયતનો લાભ આપણા દેશને બદલે અન્ય દેશોને મળતો રહેશે અને વિદેશમાં વસતા ભારતીયો પ્રઘાનમંત્રીની વાહવાહ કરીને આપણા દેશની સેવા કરવાનો સંતોષ માની વિદેશમાં જ સ્થાયી થઇ રહેશે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top