નવસારી : ગત 23મીએ નવસારીની હોટલમાં અંગતપળ માણવા આવેલા પ્રેમી પંખીડાઓને શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો હતો. શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને તેના ગુપ્ત ભાગેથી વધુ લોહી નીકળવા લાગતા યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ કરતા યુવતીને જ્યારે લોહી નીકળવાનું શરૂ થતા પ્રેમી યુવાન એમ્બ્યુલન્સને જાણ કરવાને બદલે તે ઇન્ટરનેટ ઉપર લોહી બંધ કરવાના ઉપાયો શોધી રહ્યો હતો. પરંતુ લોહી બંધ ન થતા આખરે યુવાને તેના મિત્રને બોલાવી યુવતીને હોસ્પિટલ લાવ્યો હતો. આ બનાવને પગલે પોલીસે પ્રેમી યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ચીખલી તાલુકાના નોગામા ગામે રહેતો ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલીની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમની મિત્રતા આગળ વધીને પ્રેમમાં પરિણમી હતી. જેથી તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાર્ગવ ગત 23મીએ યુવતીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટેમાં લાવ્યો હતો. જ્યાં ભાર્ગવ અને યુવતી અંગતપળો માણી રહ્યા હતા. દરમિયાન ભાર્ગવે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ભાર્ગવ અને યુવતી ઘભરાઈ ગયા હતા. ઘણો સમય વીતી જવા છતાં યુવતીના ગુપ્ત ભાગેથી નીકળતું લોહી બંધ ન થતા યુવતી બેભાન થઇ ગઈ હતી. ત્યારે ભાર્ગવે તેના મિત્રને બોલાવી યુવતીને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી તેણીને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરી હતી. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેણીને ચકાસીને મૃત જાહેર કરી હતી.
યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હોત તો જીવ બચી ગયો હોત
આ ઘટના અંગે પોલીસે યુવતીની લાશનો કબ્જો લઇ ફોરેન્સિક પી.એમ. કરાવ્યું હતું. જોકે ફોરેન્સિક પી.એમ. રિપોર્ટ આવતા યુવતીને તેના ગુપ્ત ભાગે આંતરિક ઇન્જરી થતા તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ પોલીસે વધુ તપાસ કરતા જે સમયે યુવતીને લોહી નીકળવા લાગ્યું ત્યારે ભાર્ગવ ઇન્ટરનેટ ઉપર લોહી બંધ કરવાના ઉપાયો શોધવા લાગ્યો હતો. પરંતુ 108 એમ્બ્યુલન્સને જાણ ન કરી હતી. જો યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોત તો યુવતીનો જીવ બચી ગયો હોત. યુવતીના ગુપ્ત ભાગેથી વધુ લોહી નીકળી જવા છતાં પણ ભાર્ગવે એમ્બ્યુલન્સને જાણ ન કરી તેના મિત્રને જાણ કરી હતી. તેમજ ભાર્ગવે હોટલ રૂમમાં સાફ-સફાઈ કરી પુરાવાનો નાશ કર્યો હતો. જેથી પોલીસે ભાર્ગવ વિરુદ્ધ યુવતીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડવાના કારણે યુવતીનું મોત નીપજ્યું હોવા અંગેનો ગુનો નોંધી ભાર્ગવની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.