SURAT

સુરતમાં ફરી ચોમાસું જામ્યુંઃ ઉકાઈ ડેમની સપાટીએ ધબકારા વધાર્યા, ઓવરફલો થવાથી માત્ર અડધો ફૂટ દૂર

સુરતઃ સુરત શહેર જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી સતત વરસાદી માહોલ છે. ચોમાસું પૂર્ણ થવાના બદલે ફરી જામ્યું છે. સુરત શહેરમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસ્યો. આજે સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. રાત્રિના 12 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વરસાદના લીધે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. કેટલાંક ઠેકાણે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરત શહેરમાં ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે બપોરે બે કલાકમાં ધમધોકાર બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તે જ રીતેઆજે શનિવારે તા. 28 સપ્ટેમ્બર 2024ના રોજ સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં દોઢ ઈંચથી વધુ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. જેથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતાં. પાણી ભરાવાથી લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ શાળા-કોલેજ આવતા-જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી હતી.

આ અગાઉ ગઈકાલે શુક્રવારે આજે દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટની આગાહી કરી તે મુજબ વરસાદ પડ્યો હતો. શુક્રવારે સુરત જિલ્લામાં માંગરોળમાં 23 એમએમ, ઉમરપાડામાં 53, માંડવીમાં 7, ચોર્યાસીમાં 5, પલસાણામાં 7, બારડોલીમાં 3, મહુવામાં 8, ઓલપાડમાં 2 અને કામરેજમાં 16 તથા સુરત શહેરમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

ઉકાઈના 10 ગેટ ઓપન કરી 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં 15 દિવસથી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી સતત વરસાદને પગલે ડેમમાં 1.24 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેની સામે સીઝનમાં પાંચમી વખત ડેમના 10 ગેટ ઓપન કરી 1.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

દરમિયાન ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો હોવાના લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર અડધો ફૂટ દૂર છે. જો હજુ વરસાદ વરસશે તો તંત્રએ મોટી માત્રામાં પાણી તાપી નદીમાં છોડવું પડે તેવા સંજોગોનું નિર્માણ થશે. તા. 28 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 કલાકે ઉકાઈ ડેમની સપાટી 344.20 ફૂટ નોંધાઈ છે. ઈનફલો 69,126 ક્યૂસેક જ્યારે આઉટફ્લો 16,742 ક્યૂસેક નોંધાયું છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદે રમઝટ જમાવી છે. જેને કારણે હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. પ્રકાશા ડેમમાંથી 57,000 ક્યુસેક પાણી છોડાયું છે. અને હથનુરમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાં 1.24 લાખ પાણીની આવક થઈ હતી. ડેમ હાલ 344.13 ફૂટે પહોંચ્યો છે. ભય સપાટીથી માંડ પોણો ફૂટ દૂર હોવાથી ઉકાઈ ડેમના સત્તાધિશોએ સિઝનમાં પાંચમી વખત ડેમના 10 ગેટ ખોલી 1.24 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કર્યું છે. ઉકાઈ ડેમના 8 ગેટ 6 ફૂટ અને 7 ગેટ પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લે છેલ્લે ડેમ પૂરેપૂરો સો ફૂટ ભરાઈ ગયો. આ સાથે જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં ચિકલધરામાં 24, કુરાનખેડામાં 46, નવાથામાં 18, હથનુર 17, દહીગાવ 87, સારંગખેડા 32, સિંદખેડા 17, ડામરખેડા ૫૫, સાઈગાવ 18, વેલદા 69, ચાંદપુર 62, શાહદા 24, નિઝામપુર 101, ખેતિયા ૯૬, નંદુરબાર 76, માલપુર 99, અકલકુવા 23, તલોદા 25, ઉકાઈ 48, નિઝર 57 અને કુકરમુંડામાં 36 મિલી મીટર વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top