Columns

કોર્પોરેટ જોબનું ટોક્સિક વર્ક કલ્ચર યુવા પેઢીને પાયમાલ કરી રહ્યું છે

મોટી કંપની એક માણસને નોકરીમાં રાખે છે, તેને બે માણસનો પગાર આપે છે અને તેની પાસે ત્રણ માણસ જેટલું કામ કરાવે છે. ઊંચો પગાર હોવા છતાં નોકરીની કોઈ સલામતી હોતી નથી. ગમે ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. પરિણામે આજનું જનરેશન જબરદસ્ત સ્ટ્રેસમાં જીવતું હોય છે. તેને કારણે આપઘાતની ઘટનાઓ પણ વધી ગઈ છે. અગ્રણી એકાઉન્ટિંગ ફર્મમાં ૨૬ વર્ષીય મહિલા કર્મચારીના દુ:ખદ મૃત્યુથી કોર્પોરેટ્સમાં કામ કરવાના વાતાવરણ (વર્ક કલ્ચર) અને કર્મચારી કલ્યાણ વિશે ભારે ટીકા થઈ રહી છે.

અર્ન્સ્ટ એન્ડ યંગ નામની ફર્મમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી અન્ના સેબેસ્ટિયન પેરીલ નોકરીમાં જોડાયાના ચાર મહિના પછી જ ગયા જુલાઈમાં મૃત્યુ પામી હતી. તેના માતાપિતાનો આરોપ છે કે તેની નવી નોકરીમાં વધુ પડતાં કામના દબાણને કારણે તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી હતી અને આખરે તેનું મૃત્યુ થયું હતું. અન્નાના અકાળે અવસાનથી ઘણાને આઘાત લાગ્યો છે અને મોટા ભાગની કોર્પોરેટ અને સ્ટાર્ટ-અપ્સમાં પ્રમોટ કરવામાં આવતા હસ્ટલ કલ્ચર પર ભારે ચર્ચા જગાવી છે, જેમાં કર્મચારીઓને આરોગ્યના ભોગે ઉત્પાદકતા વધારવા માટે સખત મહેનત કરવાની ફરજ પાડવામાં આવે છે.

અન્નાના મૃત્યુનો મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેની માતા અનિતા ઓગસ્ટિને કંપનીને એક પત્ર લખ્યો. આ પત્ર સોશ્યલ મિડિયા પર વાયરલ થયો છે. તેમાં તેમણે તેમની પુત્રી પર કામના દબાણની સંપૂર્ણ વિગતો આપી છે, જેમાં મોડી રાત સુધી અને સાપ્તાહિક રજાઓમાં પણ કામ કરવાનો ઉલ્લેખ છે. તેમણે કંપનીને તેની કાર્ય સંસ્કૃતિ સુધારવા અને તેના કર્મચારીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા પગલાં લેવા વિનંતી કરી છે.

તેમણે લખ્યું છે કે અન્નાનો અનુભવ એવાં વર્ક કલ્ચર પર પ્રકાશ પાડે છે, જે સ્વાસ્થ્યને અવગણીને કાર્યના બોજાને મહત્ત્વ આપે છે. અશક્ય લક્ષ્યોને પહોંચી વળવા માટે સતત માગણીઓ અને દબાણ હાનિકારક છે અને તેણે ખૂબ જ ક્ષમતા ધરાવતી છોકરીનું જીવન ખતમ કર્યું છે. ઘણાએ તેની ઝેરી કાર્ય સંસ્કૃતિ માટે કંપનીની ટીકા કરી છે. ઘણાં લોકોએ સોશ્યલ મિડિયા પર તેમના અનુભવો શેર કર્યા છે. એક યુઝરે આરોપ લગાવ્યો છે કે તેને ટોચની કન્સલ્ટન્સી ફર્મમાં ઓવરટાઈમ વગર દિવસમાં ૨૦ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. અન્ય એક યુઝરે લખ્યું કે ભારતમાં વર્ક કલ્ચર ભયંકર છે. પગાર સૌથી ઓછો છે અને શોષણ સૌથી વધુ છે. માલિકો નિયમિતપણે કર્મચારીઓને પરેશાન કરે છે.

તેઓને પરિણામોનો કોઈ ડર નથી અને કોઈ પસ્તાવો નથી. આ યુઝરે એમ પણ ઉમેર્યું હતું કે મેનેજરો ઘણી વાર કર્મચારીને વધુ પડતા કામ માટે પ્રોત્સાહિત કરે છે અને તેમના કર્મચારીઓને ઓછો પગાર આપે છે. અર્ન્સ્ટ એન્ડ યંગના ભૂતપૂર્વ કર્મચારીએ પણ કંપનીના વર્ક કલ્ચરની ટીકા કરતાં આરોપ મૂક્યો હતો કે કર્મચારીઓ સમયસર ઘરે જાય તો તેમની મશ્કરી કરવામાં આવે છે અને તેમને સાપ્તાહિક રજા લેવા બદલ શરમાવવામાં આવે છે. ઇન્ટર્ન પાસે વધુ કામ લેવાય છે. તેમને અવાસ્તવિક સમયરેખા આપવામાં આવે છે અને સતત અપમાનિત કરવામાં આવે છે. આ વલણ તેમની ભાવિ કારકિર્દીને આકાર આપે છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ એમ કહીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો કે ભારતીય યુવાનોએ દેશની આર્થિક પ્રગતિ માટે અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવું જોઈએ. ભારતમાં ઓલાના વડા ભાવેશ અગ્રવાલે તેમની સાથે સહમત થયા અને કહ્યું કે તેઓ વર્ક-લાઈફ બેલેન્સના વિચારમાં વિશ્વાસ કરતા નથી. જો તમે તમારા કામનો આનંદ માણી રહ્યા છો, તો તમારી પાસે તમારું જીવન અને તમારું કામ બંને હોવું જોઈએ. વર્ષ ૨૦૨૨ માં બોમ્બે શેવિંગ કંપનીના સ્થાપક શાંતનુ દેશપાંડેએ યુવાનોને કામના કલાકો વિશે ફરિયાદ ન કરવા કહ્યું હતું અને સૂચવ્યું હતું કે કોઈ પણ નોકરીમાં ભરતી કરનારાઓએ તેમની કારકિર્દીનાં પ્રથમ ચાર કે પાંચ વર્ષમાં દિવસમાં ૧૮ કલાક કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

માનસિક સ્વાસ્થ્ય અને મજૂર અધિકાર કાર્યકરો કહે છે કે આવી માંગણીઓ ખોટી છે અને કામદારોને ભારે તણાવમાં મૂકે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં કામ કરતાં અડધાં લોકો દર અઠવાડિયે ૪૯ કલાકથી વધુ કામ કરે છે, જે કામના કલાકોની દૃષ્ટિએ ભૂટાન પછી બીજો નંબર છે. શ્રમ અર્થશાસ્ત્રી શ્યામસુંદર કહે છે કે ભારતની આ કાર્ય સંસ્કૃતિ ૧૯૯૦ ના દાયકાથી બદલાઈ ગઈ, જ્યારે સેવા ક્ષેત્રની શરૂઆત થઈ અને કંપનીઓએ ૨૪ કલાકની માંગને પહોંચી વળવા માટે શ્રમ કાયદાની અવગણના કરવાનું શરૂ કર્યું. કંપનીઓ આને વર્ક કલ્ચરનો અભિન્ન ભાગ બનાવી રહી છે પરંતુ હવે કર્મચારીઓએ પણ તેનો સ્વીકાર કર્યો છે. બિઝનેસ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ઊંચો પગાર મેળવવા માટે લાંબા સમય સુધી કામ કરવું એ સામાન્ય અને અપેક્ષિત પણ ગણાય છે.

દક્ષિણ કોરિયાની પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગના લગભગ ૧,૫૦૦ કર્મચારીઓ છેલ્લા ૧૧ દિવસથી તમિલનાડુમાં હડતાળ પર છે. તાજેતરનાં વર્ષોમાં સેમસંગમાં આ સૌથી મોટી હડતાળ છે. આ હડતાળ એવા સમયે થઈ રહી છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં મેન્યુફેક્ચરિંગ માટે વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેમસંગનાં કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે કે કંપની મેનેજમેન્ટ નવા રચાયેલા લેબર યુનિયન ધ સેમસંગ ઈન્ડિયા લેબર વેલફેર યુનિયન (SILWU)ને માન્યતા આપે. તેઓ કહે છે કે માત્ર લેબર યુનિયન જ કંપની સાથે વધુ સારા વેતન અને કામના કલાકો અંગે વાટાઘાટ કરવામાં મદદ કરી શકે છે. સેમસંગના કર્મચારીની હડતાળનું મુખ્ય કારણ પણ કામના વધુ કલાકો અને ઓછો પગાર છે.

સેમસંગની આ ફેક્ટરીમાં કર્મચારીઓનો સરેરાશ પગાર ૨૫ હજાર રૂપિયા પ્રતિ માસ છે. કર્મચારીઓની માંગ છે કે આગામી ત્રણ વર્ષમાં તેમના પગારમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવે. CITU કહે છે કે કર્મચારીઓ પર રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ટી.વી. જેવાં ઉત્પાદનો ૧૦ થી ૧૫ સેકન્ડમાં સમાપ્ત કરવા માટે દબાણ કરવામાં આવે છે. તેમને ઔદ્યોગિક સલામતીનો અભાવ હોય એવા વાતાવરણમાં સતત ચારથી પાંચ કલાક કામ કરવાનું કહેવામાં આવે છે.

કર્મચારીઓ પર નવા યુનિયનનું સભ્યપદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ માટે કર્મચારીઓનાં પરિવારજનોને પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. મોંઘવારીના દર પ્રમાણે પગાર વધી રહ્યો નથી, જેના કારણે ઘરનો ખર્ચો કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. વિદેશી કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપે છે પરંતુ કામદારોનાં ટ્રેડ યુનિયનો બનાવવા અને મેનેજમેન્ટ સાથે કામ કરવાની પરિસ્થિતિઓ અને વેતન અંગે વાટાઘાટો કરવાના અધિકારોનો વિરોધ કરે છે. આ કંપનીઓ તેમના અધિકારો સંબંધિત સ્થાનિક શ્રમ કાયદાઓનું પાલન કરવામાં અચકાય છે.

એપલ અને એમેઝોન જેવી ઘણી જાણીતી બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતમાં પોતાની ફેક્ટરીઓ સ્થાપી છે; પરંતુ કામદારોના અધિકારો માટે લડતા કાર્યકરો કહે છે કે આ નોકરીઓમાં કામ કરતાં ઘણાં કામદારોને ઓછો પગાર આપવામાં આવે છે. ઘણી વાર તેઓ વધારે કલાક કામ કરતાં હોય છે. આ કંપનીઓ શરૂઆતમાં મામૂલી પગાર આપીને યુવાન અને અકુશળ કામદારોની ભરતી કરે છે. આવી ભરતીમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારનાં કામદારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમને તાલીમાર્થીઓ તરીકે રાખવામાં આવે છે. તેમને થોડા મહિનામાં કાયમી કરવાનું વચન આપવામાં આવે છે, પરંતુ તેમ થતું નથી. કર્મચારીઓને જૂના પગારમાં જ કામ કરવું પડે છે. આજની યુવા પેઢી સમક્ષ ટોક્સિક વર્ક કલ્ચરનો સ્વીકાર અથવા બેકારીના બે જ વિકલ્પો છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top