National

દિલ્હી ઈદગાહ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા લગાવવાને લઈને તણાવ, MCDએ કામ અટકાવ્યું

દિલ્હીના શાહી ઈદગાહ પાસેના ડીડીએ પાર્કમાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાની સ્થાપનાને લઈને તણાવ છે. તણાવને જોતા MCDએ હાલમાં DDA પાર્કમાં તેનું કામ બંધ કરી દીધું છે. વાસ્તવમાં ઈદગાહ ચોક પર સ્થાપિત રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પાર્કમાં શિફ્ટ કરવાની છે પરંતુ તણાવને જોતા MCDએ હાલ પૂરતું કામ અટકાવી દીધું છે.

ગુરુવારે દિલ્હીમાં શાહી ઈદગાહની જમીન પર અતિક્રમણની અફવાઓ ફેલાવવામાં આવતાં સર્જાયેલી પરિસ્થિતિને પોલીસે સમયસર સંભાળી લીધી હતી. અહેવાલો અનુસાર પોલીસ હવે એવા લોકોને શોધી રહી છે જેમણે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલીને લોકોને ઈદગાહ પર ભેગા થવા માટે ઉશ્કેર્યા હતા. તમને જણાવી દઈએ કે આજે શુક્રવારની નમાઝને લઈને ઈદગાહની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા માટે દિલ્હી પોલીસની સાથે કેન્દ્રીય દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

ગુરુવારે ઇદગાહ મસ્જિદમાં લોકોના ટોળા એકઠા થવા લાગ્યા જ્યારે મેસેજ વાયરલ થયો કે ઇદગાહની જમીન પર રાણી લક્ષ્મીબાઇની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. ત્વરિત પગલાં લેતા પોલીસે ચેતવણી આપી હતી કે સદર બજાર વિસ્તારમાં કોઈને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે કેટલાક લોકોએ મસ્જિદની અંદર સૂત્રોચ્ચાર કર્યા અને ભાગી ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ થયેલા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, ‘મુસલમાન હજુ પણ જાગ્યા નથી તો ક્યારે જાગશે? શું તમારે નમાઝ માટે પરવાનગી લેવી પડશે? શરમ કરો, અલ્લાહને શું મોઢું બતાવશો?

મામલો શું છે
દિલ્હીના સદર બજારમાં સ્થિત શાહી ઇદગાહ પાસે ડીડીએ પાર્કમાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપિત કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ પાર્ક ઈદગાહ મેદાનની બરાબર સામે આવે છે અને ઈદગાહની મેનેજમેન્ટ કમિટી આ પાર્ક પર પોતાનો દાવો રજૂ કરી રહી હતી પરંતુ તેને દિલ્હી હાઈકોર્ટ તરફથી સખત ઠપકો મળ્યો હતો. હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે રાણી લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય નાયક છે અને તેમનું પદ તમામ ધાર્મિક સીમાઓને પાર કરે છે. કોર્ટે કહ્યું કે ઈદગાહ કમિટીની અરજી સાંપ્રદાયિક રાજનીતિને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. આ પાર્ક ઇદગાહ પ્રોપર્ટીમાં સામેલ નથી કારણ કે તે ડીડીએ હેઠળ આવે છે.

Most Popular

To Top