SURAT

સુરતના નવા રિંગરોડ પર ફૂલસ્પીડમાં દોડતી કારે બાઈકને ટક્કર મારી, નોકરીએ જતા યુવકનું મોત

સુરતઃ એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર સિગ્નલ, રોંગ સાઈડ જેવા નિયમોનું પાલન કરાવી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માંગે છે, બીજી તરફ શહેરમાં બેફામ ફૂલસ્પીડમાં દોડતી ફોરવ્હીલ અને ટ્રક જેવા ભારે વાહનો અવારનવાર અકસ્માતો સર્જી રહ્યાં છે.

થોડા દિવસ પહેલાં પાલ ઉમરા બ્રિજ પર 14 વર્ષની ઉંમરના સગીર બાળકે ફૂલસ્પીડમાં કાર દોડાવી અકસ્માત સર્જીને એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો આજે તા. 27 સપ્ટેમ્બરને શુક્રવારની સવારે શહેરના રિંગરોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 7.30 કલાકે શહેરનો નવો રિંગરોડ લોહીયાળ બન્યો હતો. રિંગરોડ પરથી ફૂલસ્પીડમાં દોડતી કારે બાઈક ચાલકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ પર ફંગોળાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

સવારે 7:30 વાગ્યે નવા રિંગરોડ પર વરીયાવને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર (જીજે 05 આરએ 9851) અને બાઈક (જીજે 05 એફએક્સ 3075) વચ્ચે સર્જાયો હતો. કાર ફૂલ સ્પીડમાં હતી. આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતાં. જો કે, બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલાબભાઈ વેગડએ કહ્યું કે, રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલગ્રામના વતની છે. સુરતમાં તેઓ વાળીનાથ ચોક પાસે રહે છે. સવારના સમયે તેઓ નોકરી પર જતાં હતાં. આ દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતાં. ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો. 108 અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી. હાલ વધુ તપાસ ચાલ છે. રાજુભાઈ એકદમ સીધા સાદા અને કામથી કામ રાખનાર મહેનતું હતાં.

Most Popular

To Top