અટક એટલે નામ જ્યાં અટકે તે સ્થાન..!આપણામાં નામની સાથે અટકનું ઘણું મહત્વ છે. નામ અલગ હોઈ શકે પણ અટક થી વ્યકિતને અલગ ઓળખ પ્રાપ્ત થતી હોય છે. સુરતની મુખ્ય ખત્રી જ્ઞાતિની અટકો પર અગાઉ લખી ચુક્યો છું. સીટી પલ્સ પૂર્તિ માં ‘અસ્સલ સુરતીઓની”વાળા”વાળી અટકોની વાતો રસપ્રદ રહી.ગુજરાત મિત્ર અસ્સલ સુરતીઓ ની માહિતી ‘સીટી પલ્સ પૂર્તિ’ માં પ્રસિદ્ધ કરી નવી પેઢીની વાંચન વૃત્તિમાં રસ જગાવે છે તે માટે પૂર્તિના સંપાદક ને અભિનંદન.અટકોની વાત આગળ વધારતા ખત્રી જ્ઞાતિમાં પશુ પક્ષી ની અટકોમાં કબુતરવાળા,પોપટીયા,પંખીવાળા,ગરૂડાવાળા,મરધીવાળા,ગાયવાળા,હાથીવાળા,પશુમાઈવાળા,ભગીકુતરીવાળા,ખિસકોલીવાળા,ભેં ના પાડીયાવાળા,નોળિયાવાળા વિ.આંકડાકીય અટકોમાં સાડીસાતસોવાળા,હજારીવાળા,દશહજારવાળા,લખપતિ,છપ્પનબારીવાળા વિ.જેવી અનેક અટકો પ્રચલિત હતી જે સમયાંતરે બદલવામાં આવી અને અમુક પરિવારમાં જૂની અટક ચાલુ રાખી છે.ખત્રી જ્ઞાતિમાં મોટીદુમવાળા,ડાહીજાડીવાળા,ખાટ્ટીકેરીવાળા,વાંકીકુલીવાળા,ગાલ્લાવાળા,ખીચડાવાળા,કાળિયાજાડાવાળા,પ્રેમલાપ્રેમલીવાળા,બમફસાવાળા,મોળીલાપસી, વિ.અટકો ચાલતી હતી પાછળથી અટકો બદલાઈ ગઈ છે.આજે ખત્રી જ્ઞાતિમાં જરીવાળા અને કાપડીયા અટક સામાન્ય છે પણ જેઓએ અટક બદલી છે એવા કુટુંબની ઓળખ આજે પણ જૂની અટકથી જ થાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
આ કેવી માનસિકતા?
કીમ-કોસંબા વચ્ચે રેલવેના પાટાની ફિશપ્લેટ કાઢી નાંખી સોશ્યલ મિડિયામાં પ્રખ્યાત થવા રેલવે કર્મીઓએ જે કરતૂત કર્યાં તે અતિશય નિંદનીય ગણાય. રેલવેમાં પ્રમોશન મેળવવા અને પરમેન્ટ થવા આ હીન કૃત્ય કર્યું એ ખરેખર દુ:ખદ ઘટના કહેવાય! ઝડપાયા પછી તમે પ્રમોશન અને પરમેનન્ટ થવાને યોગ્ય રહેશો? આ પ્રકારના નાટક કેટલે અંશે યોગ્ય છે? તમે પરપ્રાંતિય છો. અહીં રોજી રોટી માટે આવ્યા છો તો જે તે રાજ્યને વફાદાર રહો, શા માટે કોઈ અન્ય પર દોષારોપણ થાય એવાં કૃત્ય કરો છો? આવાં ષડયંત્ર રચીને શું સિધ્ધ કરવા માંગો છો? આ તો ચતુર અને અનુભવી રેલ્વે અધિકારીઓ તથા બાહોશ અને કુશળ પોલીસ અધિકારીઓની ઉલટતપાસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો. આવી નાદાનિયત કેટલે અંશે યોગ્ય કહેવાય? ષડયંત્ર ત્રણ વ્યક્તિ દ્વારા અમલમાં મૂકાય અને દોષ કોઈ અજાણ્યા પર ઢોળી દેવાય, જેનું અસ્તિત્વ જ નહોતું! આવી માનસિકતા ધરાવનારાને સજા તો અવશ્ય થવી જ જોઈએ અને થશે જ એવી અપેક્ષા, જેથી અન્ય વ્યક્તિ આવી હિંમત ન કરે.
સુરત – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે