મોરવા હડફ ખાતે કોર્ટમાં નાઝર તરીકે નોકરી કરતાં પતિ સામે ફરિયાદ આપી
(પ્રતિનિધિ) લુણાવાડા તા.26
મહિસાગર જિલ્લા પોલીસના વુમન હેડ કોન્સ્ટેબલને તેના પતિએ સંતાન ન થવા અને પોલીસની નોકરી છોડી દેવા દબાણ કરી ત્રાસ આપ્યો હતો. મહિલા હેડ કોન્સ્ટેબલનો પતિ મોરવા હડફ ખાતે કોર્ટમાં નાઝર તરીકે નોકરી કરે છે. જ્યારે સસરા પણ નિવૃત્ત એએસઆઈ છે.
મહિસાગર જિલ્લા પોલીસના લુણાવાડા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટ્સ ખાતે વુમન હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતાં રૂપકુંવરબાના લગ્ન 20મી એપ્રિલ,2009ના રોજ શહેરાના મોરઉડારાના વતની છત્રસિંહ બારીયાના દિકરા રાજેશ બારીયા સાથે થયાં હતાં. છત્રસિંહ એએસઆઈ તરીકે નિવૃત્ત થયાં છે. જ્યારે પતિ રાજેશકુમાર મોરવા હડફ ખાતે આવેલા કોર્ટમાં નાઝર તરીકે નોકરી કરે છે. આ લગ્ન બાદ રૂપકુંવરબા સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દિકરીનો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં 2015માં શહેરા કોર્ટમાં નોકરી લાગી હતી. જ્યારે 2016માં રૂપકુંવરબાનું પોલીસમાં સિલેકશન થયું હતું. શરૂઆતમાં તેઓએ ખેડા, સુરત નોકરી કરી હતી. જયાં તેમને 2018માં ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું.
બાદમાં લુણાવાડા ખાતે બદલી થતાં ભાડે રહેવા આવી ગયાં હતાં. રાજેશકુમાર શહેરા અપડાઉન કરતાં હતાં. આ દરમિયાન 2019માં રાજેશે અચાનક રૂપકુંવરબાને સિઝર ઓપરેશન અને ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે. જેથી તારે બીજું સંતાન નહીં થાય. જેથી તને છુટાછેડા આપવા છે. તેમ કહી અવાર નવાર ઝઘડો કરી ત્રાસ આપવા લાગ્યાં હતાં. આ ઉપરાંત સાસુ – સસરા રહેવા આવ્યાં તે સમયે પણ તેઓ બે ઓપરેશન કરાવ્યા છે. જેથી તારે બીજું સંતાન નહીં થાય અને અમારા દિકરા માટે બીજી પત્ની લાવવાની છે. તેમ કહી પતિને ખોટી ચઢામણી કરતાં હતાં. જોકે, તેઓ ભાડાના મકાનમાં લુણાવાડા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા મકાનમાં રહેવા માટે આવ્યાં હતાં. તે વખતે રાજેશકુમાર વારંવાર રૂપકુંવરબાને પોલીસની નોકરી છોડી દેવા દબાણ કરવા લાગ્યાં હતાં. જોકે, રૂપકુંવરબાએ નાની દિકરી છે, હું છુટાછેડા નહીં આપું તેમ કહેતા રાજેશ ઉશ્કેરાઇ મારઝુડ કરવા લાગ્યો હતો. આ અંગે બન્ને પક્ષના પરિવારજનો પણ ભેગા થયાં હતાં. પરંતુ કોઇ નિકાલ આવ્યો નહતો. આખરે આ અંગે રૂપકુંવરબાએ મહિસાગર જિલ્લા મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રાજેશકુમાર છત્રસિંહ બારીયા, છત્રસિંહ જીવાભાઈ બારીયા અને ચંદાબહેન છત્રસિંહ બારીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.