કાનપુરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 ઓગસ્ટથી કાનપુરમાં રમાનાર છે. ટીમ ઈન્ડિયા બે મેચની શ્રેણીમાં પહેલાથી જ 1-0થી આગળ છે પરંતુ બીજી મેચ થવાની આશા ઓછી દેખાઈ રહી છે. મેચના એક દિવસ પહેલા કાનપુરમાં ભારે વરસાદની તસવીર સામે આવી છે. પીચની સાથે ગ્રીન પાર્ક સ્ટેડિયમને કવર કરવામાં આવ્યું છે. જો બીજી મેચ રદ્દ થશે તો પણ ભારત શ્રેણી 1-0થી જીતી જશે.
બીજી ટેસ્ટ મેચ શુક્રવારથી કાનપુરમાં રમાવાની છે અને હવામાનની કેટલીક વેબસાઈટ્સ અનુસાર શુક્રવાર અને શનિવારે પણ કાનપુરમાં ભારે વરસાદની આશંકા છે. ગુરુવારે આકાશમાં કાળા વાદળો દેખાયા કે તરત જ ગ્રાઉન્ડ સ્ટાફે પીચ સહિત સમગ્ર મેદાનને કવરથી ઢાંકી દીધું છે.
સ્થિતિ એવી છે કે DDCA (દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન) પાસેથી સ્ટેડિયમ માટે વધુ કવર માંગવામાં આવ્યા છે. ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદની 93 ટકા સંભાવના છે જ્યારે બીજા દિવસે વરસાદની 80 ટકા સંભાવના છે. ચોથા અને પાંચમા દિવસે આકાશ ચોખ્ખું રહેવાનો અંદાજ છે પરંતુ પ્રથમ ત્રણ દિવસ વરસાદ બાદ મેદાનને સૂકવવાનું કામ ગ્રાઉન્ડ સ્ટાફ માટે મુશ્કેલ બનશે.
ભારત મેચ રમ્યા વગર 1-0થી જીતી જશે
ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 280 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. એટલે કે ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે તેથી કાનપુરમાં યોજાનારી મેચ રદ્દ થાય તો પણ ભારત 1-0થી શ્રેણી જીતશે. તમને જણાવી દઈએ કે આજ સુધી બાંગ્લાદેશ ભારત સામે એકપણ ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહ્યું નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી કાનપુર ટેસ્ટ રદ્દ થવી એ ખાસ કરીને બાંગ્લાદેશ માટે મોટી સમસ્યાથી ઓછી નહીં હોય. ભારત અત્યારે પ્રથમ અને બાંગ્લાદેશ છઠ્ઠા સ્થાને છે.