સુરતઃ શહેરના અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતો એક પોલીસ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. કેસ નહીં દાખલ કરવા બદલ અધિકારીએ ફરિયાદી પાસે રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી. અંતે 1 લાખ નક્કી થયા હતા. સુરત રેલવે સ્ટેશન સામે લાંચની રકમ સ્વીકારતા પોલીસ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના એન્ટી કરપ્શન બ્યુરોએ અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર લલિત પુરોહિતને પકડ્યો છે. એસીબીના સુત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ સુરતના અથવા પોલીસ મથકમાં અરજી થઈ હતી. આ અરજીની તપાસ પીએસઆઈ લલિત પુરોહિત પાસે આવી હતી.
લલિત પુરોહિતે અરજીના આધારે કેસ દાખલ કરવો પડશે એવી ધાકધમકી ફરિયાદીને આપી હતી. જો કેસ દાખલ નહીં કરવો હોય તો 3 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી. રકમ ખૂબ વધારે હોય બંને પક્ષે રક્ઝક થઈ હતી. આખરે 1 લાખની રકમ નક્કી થઈ હતી. જોકે, ફરિયાદી દ્વારા એક લાખ રૂપિયાની લંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.
એસીબી પોલીસ દ્વારા પીએસઆઇ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડવા માટેની જાળ બિછાવવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 25 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી એક લાખ રૂપિયાની લાંચ આપવા માટે આરોપી પીએસઆઇ પુરોહિતને સુરત રેલવે સ્ટેશનની સામે આવેલી બિસ્મિલ્લા હોટલ ખાતે પહોંચ્યો હતો.
અહીં એસીબીના માણસો પહેલાથી જ ગોઠવાઈ ગયા હતા. ફરિયાદી પાસેથી લાંચ લેતા પીએસઆઇ પુરોહિત એસીબીના આબાદ છટકામાં ઝડપાઈ ગયો હતો. હાલમાં એસબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.