બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સિવાય તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિની પણ વાત કરી છે. જો કે તે છેલ્લી ટેસ્ટ ક્યારે રમશે તે હજુ નક્કી નથી. શાકિબે ખુલાસો કર્યો છે કે તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને મીરપુરમાં છેલ્લી ટેસ્ટ રમવા દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે જો તેની મીરપુરની માંગણી સ્વીકારવામાં આવશે તો સારું રહેશે નહીંતર કાનપુરમાં ભારત સામે રમાનારી ટેસ્ટ મેચ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ રમાશે. કાનપુરના ગ્રીન પાર્કમાં બંને ટીમો સામસામે ટકરાશે પરંતુ તે પહેલા બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જો કે બાંગ્લાદેશી ચાહકો માટે સારા સમાચાર છે કે શાકિબ અલ હસને પોતાના નિવેદનમાં કહ્યું કે તે ભારત સામે કાનપુર ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે, એટલે કે તે કાનપુર ટેસ્ટ રમી શકે છે પરંતુ આ અનુભવી ઓલરાઉન્ડર દક્ષિણ આફ્રિકા સામે મીરપુર ટેસ્ટમાં રમી શકશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી.
ચેન્નાઈ ટેસ્ટ શાકિબ અલ હસન માટે નિરાશાજનક રહી હતી. શાકિબ અલ હસન આ ટેસ્ટમાં એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. જ્યારે તેણે પ્રથમ દાવમાં 32 અને બીજી ઈનિંગમાં 25 રન બનાવ્યા હતા. આ પછી શાકિબ અલ હસનની ફિટનેસ પર ઘણા સવાલો ઉભા થયા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તમીમ ઈકબાલનું માનવું છે કે ઈજાગ્રસ્ત હોવા છતાં શાકિબ અલ હસનને ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ-11નો ભાગ બનાવવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે શાકિબ અલ હસન વિશે કોઈ શંકા નથી. આ ક્ષણે મેં મારા ફિઝિયો અથવા કોઈની સાથે વાત કરી નથી પરંતુ તેમ છતાં તે પસંદગી માટે ઉપલબ્ધ છે. જોકે તેમનું માનવું છે કે શાકિબે તેની રમતમાં સુધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે વાત માત્ર શાકિબના પ્રદર્શનની નથી, હું દરેકના પ્રદર્શનથી નિરાશ છું, અમે ચેન્નાઈમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. મને ખાતરી છે કે શાકિબ જાણે છે કે તેને વધુ સારું કરવાની જરૂર છે.
જણાવી દઈએ કે શાકિબે 70 ટેસ્ટ રમી છે જેમાં તેણે 4600 રન બનાવ્યા છે અને 242 વિકેટ લીધી છે. જેમાં પાંચ સદી અને 31 અડધી સદી સામેલ છે. તેની શ્રેષ્ઠ બોલિંગ 36 રનમાં સાત વિકેટ છે. તેણે ટેસ્ટમાં 19 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. જ્યારે શાકિબે 129 ટી20માં 121.25ના સ્ટ્રાઈક રેટથી 2551 રન બનાવ્યા છે જેમાં 13 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 149 વિકેટ પણ લીધી છે. 20 રનમાં પાંચ વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.