Chhotaudepur

કવાંટ : જીએમડીસી દ્વારા થઈ રહેલા ડ્રોન સર્વેની સંપૂર્ણ માહિતી આપો: ગ્રામજનોની રજૂઆત

વિકાસ માટે વિસ્થાપિત થવાનો લોકોને ભય

કવાંટ તાલુકાના આબાડુંગર ખડલા અને કરવી ત્રણ ગામમાં જીએમડીસી કંપની દ્વારા સર્વેની કામગીરી ડ્રોન દ્વારા હાથ ધરવામાં આવતા આ સર્વેની સંપૂર્ણ માહિતી આપવાની માગ સાથે ત્રણ ગામના 1500 લોકો દ્વારા કવાંટ મામલતદારને આવેદનપત્ર આપવા સર્કિટ હાઉસથી મામલતદાર સુધી જંગી રેલી કાઢવામાં આવી હતી.

કવાંટ તાલુકાના આંબાડુંગર ગામ જ્યાં ફ્લોરોસ્પાર પ્રોજેક્ટ ચાલતો હતો જે ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે હાલમાં તેને કાર્યરત કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે તેમજ સંશોધન વિભાગ દ્વારા અહીં ફ્લોરોસ્પાર અને અન્ય કીમતી ધાતુ રેર અર્થ યુરેનિયમ પણ જથ્થો મળી આવે તેમ છે. જેથી આંબા ડુંગર તેમજ આસપાસના વિસ્તારના ગામોમાં સંશોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કવાંટ તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ ખડલા કરવી અને આંબાડુંગર ગામમાં જીએમડીસી કંપની દ્વારા સર્વેની કામગીરી ડ્રોન દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો હેતુ શું છે તે અંગે ગ્રામજનોને ખબર ન હોવાથી આ ગ્રામજનો માં કુતુહલતાનો વિષય બની ગયો છે. જેથી જીએમડીસી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીની સંપૂર્ણ માહિતી ગ્રામજનોને આપવામાં આવે તે માટે ગામના આગેવાનો સરપંચો તેમજ ગ્રામજનો દ્વારા આજરોજ કવાંટ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કવાટ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે લોકો પહોંચ્યા હતા. આમ આંબાડુંગર તેમજ આજુબાજુના વિસ્તારના ગામોના રહીશોમાં આંબાડુંગરમા ખનીજ તત્વો મળશે તો તેમને વિસ્થાપિત કરવામાં આવશે તેવો ડર સતાવી રહ્યો છે. તેમજ અમે કોઈ પણ ભોગે અહીંથી જવાના નથી અમારા બાપદાદાઓએ આ ગામો વસાવેલા છે તેમ ગ્રામજનો કહી રહ્યા છે

શું કહે છે સ્થાનિક લોકો


આંબા ડુંગર અને આસપાસના ગામને વિસ્થાપિત કરવાની હવા ફેલાય છે . જેના કારણે લોકો ચિંતામાં છે અને જન્મભૂમિ છોડવી બહુ જ અઘરું છે. આ ગામના લોકોને પૂરેપૂરો ન્યાય મળે વિસ્થાપિત કરવાથી અમારા લોકો વેરવિખેર થઈ જશે જેથી સરકાર દ્વારા લોકોને લાભ આપવામાં આવે તેવી માંગ છે.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ –



– સરકાર દ્વારા વિકાસ ની વાતો કરવામાં આવે છે પરંતુ આંબા ડુંગર ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ત્યાં રસ્તા નથી. નેટવર્ક નથી , સુવિધા નથી .અહીં મોટા પ્રોજેક્ટ લાવવાની વાત કરે છે પરંતુ આંબા ડુંગર ગામમાં વિકાસ જ નથી.

આંબાડુંગર રહીશ જતન ભીલ

– ખાણ ખનીજ અને જીએમડીસી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ ગામના લોકો જાણતા નથી અને લોકોમાં સરકાર દ્વારા વિસ્થાપિત કરવામાં આવશે તેમ ભયનો માહોલ જોવા મળે છે . અમારા બાપદાદાના વસાવેલા ગામમાંથી વીસ્થાપિત કરવા માંગે છે તેનો અમો સખત વિરોધ કર્યો છે .

રાયમલભાઈ ભીલ આગેવાન આંબા ડુંગર

Most Popular

To Top