Columns

આવતી કાલનું વિશ્વ જ્ઞાનથી એટલું તો પ્રભાવિત હશે કે ઘણી બધી રોમાંચક શક્યતાઓ ઊભી થશે

દૂર દૂર ભૂતકાળમાં આંખો ઉપર હાથની છાજલી કરી જોવાનો પ્રયત્ન કરીએ તો બીજા વિશ્વયુદ્ધની ભયાનક અને વિકરાળ પરિસ્થિતિ, જર્મન સેનાના કાળા કેર સામે સાથી રાષ્ટ્રોનો વળતો જવાબ અને છેવટે હિરોશીમા- નાગાસાકી ઉપર મહા વિનાશક અણુબૉમ્બ ઝીંકાયો તે ઝાંખું ઝાંખું દેખાય છે. ક્યૂબાની કટોકટીએ રશિયા અને અમેરિકાને એવા તો સામસામે લાવી દીધા હતા કે ત્રીજું વિનાશક વિશ્વયુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળશે એની ભયાનક કલ્પનાથી જગત ધ્રૂજતું હતું. સદ્નસીબે આવું થયું નહીં અને શૂળીનો ઘા સોયથી સરી ગયો. ત્યાર બાદ પણ વિયેતનામ, ઇરાક, અફઘાનિસ્તાન, રશિયા-યુક્રેન, હમાસ-ઇઝરાયલ અને સુદાન તેમજ મ્યાનમાર જેવા દેશોમાં આંતરિક અશાંતિ અને ગૃહયુદ્ધની પરિસ્થિતિ આજે પણ છે.
આને ઘડીભર બાજુ પર મૂકીએ તો રશિયાએ યુરી ગાગારીન અને લાયકા નામની કૂતરીને અવકાશમાં મોકલ્યાં અને હેમખેમ પાછાં લઈ આવ્યા એ એક મોટી સિદ્ધિ હતી. નીલ આર્મસ્ટ્રોંગ અને એની ટીમે ચંદ્ર ઉપર પગ મૂક્યો એ ઐતિહાસિક ઘડી અને ભારતનું મંગળયાન વિશ્વમાં પહેલી વાર દૂર દૂરના આ ગ્રહ પર ઊતર્યું તેવી સિદ્ધિઓ અને એમાં ક્યારેક અત્યારે જેમ સુનિતા વિલિયમ્સને એના સાથી અવકાશયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયાં છે અને નાસા તેમજ બોઇંગના સંયુક્ત સાહસ હેઠળ તૈયાર થયેલ એર કેપ્સ્યૂલ એમને હજી સુધી પાછા લાવી શકી નથી એ વાત હજુ પણ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કેટલું બધું ખેડાણ કરવાનું બાકી છે તેનો પુરાવો છે.
આમ છતાંય આજના વિશ્વને કેવી રીતે આવતી કાલનો સામનો કરવાનો છે એ વિશે ઘણું બધું ચિંતન અનેક સંશોધકો અને યુનિવર્સિટીઓમાં કે નાસા જેવી સંસ્થાઓ ચાલ્યા કરે છે પણ આજે સ્થળ તેમજ સમયની મર્યાદા જોતાં આપણે આ ચર્ચાના વ્યાપને સંકોરવો પડશે.
આવતી કાલનું વિશ્વ કેવું હશે તે બાબતમાં બે ચિંતકનાં નામ વિશિષ્ટ સિદ્ધિપ્રાપ્ત ભવિષ્યવેત્તાઓ તરીકે ઉપસી આવે છે. તેમાંના એક એક્વીન ટોફલર અને બીજા મૂળ જાપાનીઝ પણ અમેરિકામાં સંશોધન કરતા ભૌતિકશાસ્ત્રી મિશિયો કાકૂની વાતો ખરેખર પ્રભાવિત કરી દે તેવી છે.
આમાં કાકૂના પૂર્વજ તરીકે એલ્વીન ટોફલરને મૂકી શકાય. એમનું પુસ્તક ‘થર્ડ વેવ’ લગભગ ૧૯૭૦ના દાયકામાં આવ્યું, જેમાં તેમણે કરેલી કલ્પનાઓ અને ભાવિ શક્યતાઓનું વર્ણન આખા જગતને રોમાંચિત કરી ગયું. એ પછી ટોફલરનું ‘ફ્યુચર શૉક’ આવ્યું. આજે આ પુસ્તકોની વાતોને પણ બાયપાસ કરવી પડશે. એલ્વીન ટોફલરે આવતી કાલના વિશ્વ વિશે જે છ મુદ્દે વાત કરી તે મુદ્દાઓ એટલે-
જ્ઞાન એક શક્તિ હશે અને જેની પાસે જ્ઞાન હશે તે મહાશક્તિશાળી બની દુનિયા પર રાજ કરશે. ટેક્નોલૉજી અને ઘણા બધા કિસ્સાઓમાં એક કરતાં વધુ ટેક્નોલૉજી માનવજીવનને પ્રભાવિત કરશે. જે એની સાથે તાલમેળ સાધશે તે તરી જશે અને અતડા રહી જનાર ડાયનોસોર જેમ વિલીન થઈ ગયાં તેમ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશે. એક કરતાં વધુ ટેક્નોલૉજીનો ઉપયોગ સહજ બનશે. દા.ત. આજની ગૃહિણી ઓવન, મિક્સર ગ્રાઇન્ડર, વૉશિંગ મશીન, અનાજ દળવાની ઘંટી, વેક્યૂમ ક્લીનર, નેટ સર્ફિંગ, સ્માર્ટ ફોન, વાહન ચલાવવું – જેવી અનેક ટેક્નોલૉજી સાથે પનારો પાડે તો જ ટકી શકે છે, નહીંતર એનું સામાન્ય જીવન પણ આપત્તિઓથી ઘેરાયેલું રહે છે.
નાસાએ જ્યારે પહેલું અવકાશ મિશન મોકલ્યું ત્યારે એની પાસે કુલ કૉમ્પ્યૂટર શક્તિ હતી અથવા આઈઆઈટી, મુંબઈમાં જંગી રશિયન કૉમ્પ્યૂટર મીંક્સ-૨ પાસે જે ક્ષમતા હતી તેના કરતાં વધારે ક્ષમતા આપણે સ્માર્ટ ફોન થકી ગજવે ઘાલીને ફરીએ છીએ.
માહિતીનો યુગ આવશે પણ માહિતી તેમજ ટેક્નોલૉજી ક્ષેત્રે આવતાં પરિવર્તનો એટલાં ઝડપી હશે કે તમે રાત્રે સૂઈ જાઓ અને સવારના પોતાની જાતને અપડેટ ન કરો તો પાછળ રહી જશો. ઊર્જાથી માંડીને ટ્રાન્સપોર્ટ સુધીના ક્ષેત્રે માણસના હાથમાં ગજબનાક ક્ષમતાઓ મૂકે એવી ટેક્નોલૉજી આવી જશે.
૦ માણસ પોતાની આંખની કીકી ઉપર અથવા ખમીસની બાંય ઉપર અખૂટ માહિતીનો સંગ્રહ લઈને ફરતો હશે. એનાથી એનું જીવન કેટલું સરળ બનશે તે તો રામ જાણે!
મિશિયો કાકૂ પણ આ જ રીતની વાત કરે છે અને આવનાર સમયમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી થકી માણસના હાથમાં એવી ક્ષમતાઓ ઊભી થશે જેની આજે આપણે કલ્પના પણ ના કરી હોય.
આ બંને અગ્રણીઓએ આવનાર ભાવિમાં જગત કઈ બાજુ જશે તે બાબત કેટલીક ભવિષ્યવાણી કરી છે. એમાંથી ઘણી બધી તો અત્યારે સાચી પડી ચૂકી છે પણ હવે પછીના વિશ્વમાં આ ઘટનાઓ સાહજિક હશે.
૧. સ્પેસ એટલે કે અવકાશમાં મુસાફરી શક્ય બનશે અને આજે ટોકિયો અને ન્યૂયોર્ક વચ્ચેનું અંતર કાપતાં જે દસ કલાક ઉપરનો સમય લાગે છે તે માત્ર એકથી દોઢ કલાકમાં કાપી શકાશે. આ જ વાત નવી દિલ્હી અને ન્યૂયોર્ક વચ્ચેની મુસાફરીને લાગુ પડશે.
૨. સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સફળતાથી આકાર લેશે, જેને પરિણામે આજે દરિયા થકી અથવા હવાઇ જહાજ થકી માલની હેરાફેરી કરવા પાછળ જે ખર્ચો થાય છે તે ઘટીને માત્ર દસ ટકા થઈ જશે.
૩. પહેલાં જ્યાં જે વસ્તુનું બજાર હોય ત્યાં એટલે કે ક્રુડ ઑઇલ ખરીદવું હોય તો તેના ટેન્કરની હરાજી એમસ્ટરડામમાં થતી. હવે સંચારવ્યવસ્થા તેમજ ઇ-કોમર્સના માધ્યમથી મધદરિયે પણ માલ ખરીદી/ વેચી શકાય છે.
૪. કૉફીના કપ જેટલું નાનું સુપર કૉમ્પ્યૂટર અત્યારે જેમ સ્માર્ટ ફોન વાપરીએ છીએ તેમ પોષણક્ષમ કિંમતોએ બજારમાં મળતું થઈ જશે. જ્યાં જ્યાં ઇલેકટ્રોનિક્સ સરકિટ વપરાય છે તેવાં બધાં જ ઉપરકરણોમાં મિની એચરાઇઝેશન તેમજ ડિજિટલ ટ્રાન્સર્ફોમેશન શક્ય બનશે. આ પરિવર્તનમાં સેમી કન્ડક્ટર ચીપ્સ મોટો ભાગ ભજવશે.
૫. વૃદ્ધત્વની પ્રક્રિયા ઉપર માણસ કાબૂ મેળવી લેશે અને એ આસાનીથી દીર્ઘાયુષ ભોગવી લેશે.
૬. કૃત્રિમ અવયવ માટે અત્યારે માણસ પાસેથી જ કિડની કે લીવર અથવા હૃદય કે ફેફસાં મેળવવાં પડે છે તેના બદલે કૃત્રિમ અવયવો વિકસશે અને ડૉક્ટરની જરૂરિયાત મુજબ એમેઝોન જેવા પ્લેટફોર્મ પરથી એ મેળવી શકાશે.
૭.ઇ-કૉમર્સ તેમજ રીઅલ ટાઇમ વિડિયો કોમ્પ્યુનિકેશન શક્ય બનશે, જે વેપાર-ધંધા ઉપરાંત મેડિકલ કે ઇજનેરી તેમજ શિક્ષણ અને સંદેશાવ્યવહાર જેવાં ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે.
૮.વૈકલ્પિક ઊર્જા શક્ય બનશે. જાપાન અત્યારે સ્પેસ સ્ટેશન થકી સૌર ઊર્જાની સંચિત કરી વાયરલેસ ટેક્નોલૉજીથી પૃથ્વી પર લાવી શકશે. આ કારણે અશ્મીભૂત બળતણ જેવાં કે કોલસો, ક્રુડ ઑઇલ વગેરેને કારણે થતું પ્રદૂષણ તેમજ એ જથ્થો ખલાસ થઈ જાય તો શું એની ચિંતાઓ કરવાની રહેશે નહીં. એનર્જી બીનને મર્યાદિત રીતે વાયરલેસ થકી પૃથ્વી ઉપરના રીસીવીંગ સ્ટેશને મોકલવાના જાપાનના પ્રયત્નોને મર્યાદિત સફળતા મળી ચૂકી છે.
૯.યુરોપ, ચીન તેમજ જાપાન જેવા દેશોમાં યુવા જનસંખ્યા સામે સિનિયર સિટિઝનની ટકાવારી વધતી જશે અને અમેરિકા કે યુરોપ, જાપાન કે ચીન જેવા દેશોને જો પોતાનો આર્થિક વિકાસ ટકાવી રાખવો હશે તો વાજતેગાજતે દુનિયામાંથી સ્કીલ્ડ મેનપાવરને આવકારતી ઇમીગ્રેશન પૉલીસી દાખલ કરવી પડશે.
આ તો માત્ર એમણે કરેલાં કેટલાંક ભાવિ અનુમાનોની એક મર્યાદિત યાદી છે. ભાવિ શક્યતાઓ જે જ્ઞાન અને ટેક્નોલૉજી આધારિત ઊભી થશે અને એ કારણથી એકવીસમી સદી જ્ઞાનની સદી તરીકે ઓળખાશે. વિશ્વ તમારા દિવાનખાનામાં આવી જશે અને સાચા અર્થમાં વિશ્વ નાગરિકત્વ અથવા વિશ્વબંધુત્વ કે સહકારનો સમય શરૂ થશે.
આમ, આવનાર સમયનું વિશ્વ માણસના હાથમાં દરેક ક્ષેત્રે કલ્પી પણ ન હોય તેવી ક્ષમતાઓ ઊભી થતી જોશે. જ્ઞાનને કેન્દ્રસ્થાને રાખીને જોનાર દેશ અથવા સમાજ વિશ્વના સૌથી સમૃદ્ધ તેમજ બળુકા સમાજ/દેશ તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરશે.
હા, આમાં વિનાશક શક્તિઓ પણ એટલી જ મોટી ઊભી થશે અને કોઈ કારણસર જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો તે આ વિશ્વ માનવજાતને અંત તરફ દોરી જશે. આ સામે અવકાશમાં ફંગોળાઈ ગયેલ એસ્ટ્રોઇડ જે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેટલો વ્યાપ ધરાવે છે તે ૨૦૨૯માં પહેલા ત્રૈમાસિકી ગાળા બાદ ગમે ત્યારે પૃથ્વીની નજીકથી નજીકના અંતરે પસાર થશે. આ વિનાશક એસ્ટ્રોઇડ એટલે કે ઉલ્કા જો પૃથ્વીના કોઈ પણ ભાગ સાથે ટકરાય તો મોટી તબાહી અને ખાનાખરાબી આ દુનિયાને જોવી પડશે, જે સામે દરેક દેશની નાસા જેવી અવકાશવિજ્ઞાન સંસ્થાઓ અત્યારથી જ આ શક્યતા કેમ નિવારવી અને મહાપ્રલયની ઘટના ન બને તે માટે શું પગલાં લઈ શકાય તે દિશામાં કામ કરી રહી છે. આમ, ટેક્નોલૉજી વિશ્વને ઉગારશે પણ ખરી.

  • જયપ્રકાશ નારાયણ

Most Popular

To Top