સ્નેહાબહેનના મુખ પર ૬૫ વર્ષની ઉંમરે પણ એક સરસ આભા હતી. ઉંમર તેમને થકવી શકી ન હતી. આંખોમાં ચમક અને દિલમાં ઉત્સાહ હતો.કોઇ પણ વાત હોય, તેઓ જાણવા આતુર રહેતાં,કોઇ પણ વસ્તુ હોય તેઓ શીખવા તૈયાર રહેતાં.નવું કામ હોય કે જૂની યાદો, સ્નેહાબહેન હંમેશાં તૈયાર હોય.અંતાક્ષરી રમવાની હોય કે ૨૦ માણસની રસોઈ સ્નેહાબહેન આગળ જ હોય. સ્નેહાબહેનની દેરાણી માધવી તેમનાથી ૧૦ વર્ષ નાની પણ શરીરમાં બીમારી અને થાકી ગયેલી.ઘરમાં લગ્ન પ્રસંગ હતો. સ્નેહાબહેન સ્વભાવ અને આવડત પ્રમાણે બધે જ આગળ આગળ હતાં. પ્રસંગમાં દેરાણી માધવીએ કહ્યું, ‘ભાભી,તમે થાકતાં નથી, હું તમારાથી નાની છું પણ હવે થાકી જવાય છે.મને તો કંટાળો આવે છે હવે બધાને મળવાનો અને વધુ પડતું કામ કરવાનો.તમને નથી આવતો?’
સ્નેહાબહેને પ્રેમથી કહ્યું, ‘ના મધુ, મને તો કંટાળો નથી આવતો અને થાક પણ નથી લાગતો કારણ કે હું બધું બહુ પ્રેમથી કરું છું.જે કરું છું ,જેના માટે કરું છું તે પ્રેમથી કરું છું.તને ખબર છે, આ પ્રેમ તમને અજબ તાકાત આપે છે.તું પ્રેમથી નહિ પણ ફરજીયાત છે એટલે કંટાળા અને ભાર સાથે બધું કરે છે એટલે તને થાક લાગે છે.જરાક મનના વિચાર બદલ, પછી જો.’ આટલું સમજાવી સ્નેહા બહેન તો કામમાં લાગી ગયાં. માધવી વિચારમાં પડી કે ભાભીની વાત તો સાચી પોતે પરને જ આવી છે એટલે થાક લાગે છે.
થોડી વાર પછી તે સ્નેહાબહેન લાડવા બનાવતાં હતાં ત્યાં ગઈ અને તેમને મદદ કરાવવા લાગી અને ધીમેથી બોલી, ‘ભાભી, તમે જે કહ્યું તે મને લાગે છે સાચું છે પણ મનને બદલવું કઈ રીતે?’ સ્નેહાબહેન પ્રેમ સાથે બોલ્યાં, ‘જો સૌથી પહેલાં તું તને પોતાને પ્રેમ કર.તો એક સંતોષ મળશે.પછી એક પછી એક બધાને પ્રેમ કરવાનું શરૂ કર.પ્રેમ પ્રકૃતિને કર.બે ચાર છોડ ઘરમાં વાવ, કામ વધશે તેમ ન વિચાર છોડ પર નવા પાન ઊગશે તો તને ખુશી મળશે એક અજબ સુકૂન મળશે. પ્રેમ પરિવારને કર.તને આનંદ મળશે.પ્રેમ તારા કામને કર, તને સફળતા મળશે. પ્રેમથી દરેક કામ હાથમાં લે અને પૂરું કર.
કામ કયાં થઈ ગયું ખબર જ નહિ પડે,પરાણે કામ કરીશ તો ભાર લાગશે અને કામ પૂરું થયા પહેલાં જ થાકી જઈશ.અત્યારે તું મારી સાથે વાત કરે છે અને લાડવા વળાવે છે, મારી વાત પ્રેમથી સાંભળ અને દિલથી કામ કર, નહિ થાક લાગે અને નહિ કંટાળો આવે. વસ્તુ હોય,કામ હોય કે વ્યક્તિ હોય, બધાને પ્રેમથી સ્વીકારીશ અને પ્રેમ કરીશ તો પ્રેમ મળશે અને ક્યારેય જીવન જીવવાનો કંટાળો નહિ આવે.’ સ્નેહાબહેને પોતાની દેરાણીને મન મૂકીને પ્રેમ કરી જીવન જીવવાનો માર્ગ દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.