Comments

ચાલો, હવે દરિયાનો વારો કાઢીએ!

માનવની વિકાસદોટે પર્યાવરણનો જે સોથ વાળ્યો છે તેનાં વિપરીત પરિણામ નજર સામે હોવા છતાં એ દોટ વણથંભી રહી છે. દરેક દેશમાં, એક યા બીજી મોસમમાં પર્યાવરણ સાથે કરાયેલાં ચેડાં પરચો બતાવી જાય છે, છતાં વિકાસની દોટમાં માનવ એટલો આગળ નીકળી ચૂક્યો છે કે હવે તેના માટે પાછા ફરવું સંભવ રહ્યું નથી એમ લાગે છે. નદી, જમીન કે પર્વતની સાથોસાથ સમુદ્રને પણ તેણે બાકી રાખ્યો નથી.

સમુદ્રતળમાં અનેક દુર્લભ ધાતુઓ રહેલી છે. એ મૂલ્યવાન ધાતુઓને કાઢવા માટે કરાતા ખનનકામથી અતિ નાજુક એવી સમગ્ર દરિયાઈ પ્રણાલીને કાયમી નુકસાન વેઠવું પડશે એવી ભીતિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતે ચિંતા સેવાઈ રહી છે. જુલાઈ, 2024માં જમૈકામાં સમુદ્રતળના ખનનના ભાવિ અંગે ચર્ચા કરવા માટે ‘ઈન્‍ટરનેશનલ સી-બેડ ઑથોરિટી’(આઈ.એસ.એ.) દ્વારા વિવિધ મિટિંગ યોજાઈ. આમ છતાં, સમુદ્રતળમાંથી આ સામગ્રીને કાઢવા માટેના નિયમો નક્કી કરવા બાબતની ચર્ચામાં અનેક સવાલો નિરુત્તર જ રહ્યા.

2025 સુધીમાં ‘આઈ.એસ.એ.’સમુદ્રતળના ખનનકામ બાબતે કાનૂની રીતે બાધ્ય થાય એવા નિયમો નિર્ધારિત કરવા ધારે છે. આવા નિયમ વિના કોઈ પણ પ્રકારનું આયોજનબદ્ધ ખનનકામ શરૂ નહીં થઈ શકે. આમ તો, આ બાબતે વર્ષોથી ચર્ચા થતી આવી છે, પણ સમુદ્રતળમાં થતા ખનનકામ પર દેખરેખ રાખવા તેમજ પર્યાવરણને થતા નુકસાનને રોકવા બાબતે આ નવા નિયમો કેવા મુશ્કેલ બની રહેશે એ બાબત આ મિટીંગમાં સ્પષ્ટ થઈ ગઈ.

જર્મની, બ્રાઝિલ, પૅસિફિક મહાસાગરમાં આવેલા પાલાઉ ટાપુ જેવાં રાષ્ટ્રોએ નવા નિયમો બાબતે સંમત થવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. એ નિયમોની પર્યાવરણ પર શી અસર થાય છે એનું પૂર્ણ મૂલ્યાંકન થાય પછી જ તેના અમલ બાબતે તેઓ વિચારશે એમ તેમણે જણાવ્યું છે. બીજી તરફ ચીન, નોર્વે, જાપાન અને મધ્ય પૅસિફિકમાં આવેલા ટચુકડા દેશ નાઉરુ આ અંગેનો કરાર તાત્કાલિક કરી નાખવા માટે ઉતાવળા થઈ રહ્યા છે, જેથી ખનનકામ કરતી કંપનીઓ ઝડપથી પોતાનું કાર્ય આરંભી શકે.

ભારત, ચીન, જર્મની અને દક્ષિણ કોરિઆ હિન્‍દી મહાસાગરના વિસ્તારમાં પોલિમેટલિક સલ્ફાઈડ શોધીને કાઢવાનું લાઈસન્‍સ ધરાવે છે. 2022માં ભારતની ‘નેશનલ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટૅક્નોલોજી’દ્વારા હિન્‍દી મહાસાગરના મધ્ય ભાગમાં 5,270 મીટરની ઊંડાઈએ કેટલાક ટેસ્ટ કરીને પોલિમેટલીક પદાર્થ તેમજ બટાટા આકારના ખડકો સમુદ્રતળ પર શોધેલા છે. તે મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને તાંબાથી સમૃદ્ધ છે, પણ તે બહાર કઢાય એવી શક્યતા જૂજ છે.

‘આઈ.એસ.એ.’નું પ્રતિનિધિત્વ કરતા 169 દેશો પૈકીના 32 દેશો સમુદ્રતળના ખનનને મોકૂફ રાખવાના કે સદંતર પ્રતિબંધિત કરવાના મતના છે. પર્યાવરણ સાથે સંકળાયેલાં અનેક સંગઠનો અને વિવિધ સમુદ્રી વિજ્ઞાનીઓનો આ દેશોને ટેકો છે. અલબત્ત, કેનેડાની ‘ધ મેટલ્સ કમ્પની’નામની એક સ્ટાર્ટઅપ કંપનીએ ઘોષિત કરી દીધું છે કે આગામી મહિનાઓમાં વ્યાપારી ધોરણે સમુદ્રતળનું ખનનકામ કરવા માટેની અરજી ‘આઈ.એસ.એ.’ને કરવાનું તેનું આયોજન છે. આમ, જોઈ શકાશે કે સમુદ્રતળના ખનનથી થતા નુકસાન બાબતે એકમત હોવા છતાં તેના અમલ બાબતે મતમતાંતર છે, જેનું મુખ્ય પરિબળ છે નાણાં અને નફો.

સમુદ્રતળના ખનનની વાત આવે ત્યારે પ્રાદેશિક જળસીમાની બહાર મળી આવતાં મેંગેનીઝ તેમજ અન્ય ખનીજો તેના કેન્‍દ્રસ્થાને હોય છે. આ વિસ્તારને ‘હાઈ સી’તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વભરના સમુદ્રોમાં તેનો હિસ્સો અડધોઅડધ છે. આવા વિસ્તારને માનવજાતના સંયુક્ત વારસા તરીકે ઓળખવામાં આવ્યો છે. અહીં રહેલો કાચો માલ કોઈ એક ચોક્કસ દેશનો નહીં, પણ સૌ કોઈનો છે. યુનાઈટેડ નેશન્‍સ કન્‍વેન્‍શનના સમુદ્રના કાનૂનમાં દર્શાવ્યા અનુસાર આ વિસ્તારોના વ્યવસ્થાપન અને કોઈ સંભવિત ખનનપ્રવૃત્તિ પરની દેખરેખની જવાબદારી ‘આઈ.એસ.એ.’ની છે. સ્વાભાવિકપણે જ સમુદ્રતળના ખનન અને તેના વ્યાપારી ઉપયોગમાં અનેક દેશો અને કોર્પોરેશનને રસ હોય.

‘આઈ.એસ.એ.’દ્વારા ચોક્કસ વિસ્તારોમાં 31 લાઈસન્‍સ ફાળવવામાં આવ્યાં છે, જે પૈકીનાં પાંચ ચીની કંપનીઓનાં છે. એ ઉપરાંત જર્મની, ભારત અને રશિયા જેવા દેશો પણ આ ક્ષેત્રે સક્રિય થઈ રહ્યા છે. ખનનકામ કરતી કંપનીઓનો મુખ્ય રસ પોલિમેટલિક પદાર્થમાં છે, જે મેંગેનીઝથી ભરપૂર હોય છે અને લાખો વર્ષોથી સાગરના તળિયે તે ઠરીને જમા થયેલા છે. તેમાં રહેલાં મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને તાંબાને કારણે તે ઈલેક્ટ્રિક કારની બૅટરી માટે મહત્ત્વનાં ગણાય છે. હવે સમગ્ર વિશ્વ પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોત તરફ આગળ વધી રહ્યું છે અને 2040 સુધીમાં આ ધાતુઓની માંગ બમણી થઈ જવાની હોવાનો ‘ઈન્‍ટરનેશનલ એનર્જી એજન્‍સી’નો અંદાજ છે.

મેક્સિકો અને હવાઈના ક્લેરિઅન-ક્લીપરટન વિસ્તાર તરીકે ઓળખાતા સમુદ્રતળમાં મેંગેનીઝના પદાર્થોનો વિશાળ જથ્થો છે, જેને ખનનકામ કરતી કંપનીઓ ચારથી છ હજારની ઊંડાઈએ ઊતરીને સ્વચાલિત વૅક્યુમ યંત્રમાનવથી સપાટી પર લાવવા ધારે છે. આ પદાર્થ કંઈ મૃત ખડકો નથી, પણ અનેક સમુદ્રી પ્રજાતિઓ અને સૂક્ષ્મ જીવો માટે મહત્ત્વનો આવાસ છે. સમુદ્રી વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારની પાંચેક હજાર પ્રજાતિઓ આવા અતિ ઊંડા વિસ્તારમાં પોતાનો આવાસ બનાવે છે. ખનનકાર્ય કરતાં યંત્રમાનવો સમુદ્રતળનો નાશ કરશે અને અસંખ્ય જળચરોને ભરખી જશે. ખનનના વિસ્તારોથી અનેક કિ.મી. દૂર આવેલા વિસ્તારોને પણ ધ્વનિ અને પ્રકાશ પ્રદૂષણને કારણે નુકસાન થશે,જે સમગ્ર દરિયાઈ પર્યાવરણ માટે જોખમરૂપ બની શકે.

આખા મામલાનો સાર એટલો છે કે સમુદ્રી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી દીધી છે કે સમુદ્રતળમાં ખનનકાર્યનાં પરિણામો વિશે પૂરતું જ્ઞાન મેળવ્યા વિના એ કરવાથી હજી પ્રમાણમાં ઓછી જાણીતી આ દરિયાઈ સૃષ્ટિ અને જૈવવિવિધતાથી સભર પ્રણાલીનો વિનાશ નોંતરી શકે છે. એ માટે આવશ્યક સંશોધન થતાં દસ-પંદર વર્ષ લાગી શકે એમ છે, કેમ કે, અહીં પહોંચવું મુશ્કેલ છે. જોવાનું એ છે કે માનવજાત પસંદગી શેની પર ઉતારે છે? પોતાના સ્વાર્થ સારુ દરિયાઈ સૃષ્ટિના નિકંદન પર? કે પછી એની જાળવણી પર? જવાબ અઘરો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top