SURAT

VIDEO: સુરતમાં બે કલાકમાં ધમધોકાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો, ઘૂંટણસમા પાણી ભરાયા

સુરતઃ શ્રાદ્ધ પક્ષની અકળાવનારી ગરમી વચ્ચે આજે બપોરે સુરતના શહેરીજનોને થોડી રાહત મળી હતી. બપોરે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધમધોકાર વરસાદ વરસ્યો હતો. બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં શરૂ થયેલો વરસાદ સતત બે કલાક વરસ્યો હતો. બે કલાકમાં ધમધોકાર પોણા બે ઈંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

છેલ્લાં કેટલાંય દિવસોથી સુરત શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે. શ્રાદ્ધ પક્ષની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે સવાર તડકો નીકળ્યો હતો અને ભારે બફારાનો અનુભવ લોકો કરી રહ્યાં હતાં ત્યારે અચાનક બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી તડકો હતો પરંતુ એકાએક અઢી વાગ્યાથી વાતાવરણ ફેરવાયું હતું અને લગભગ પોણા ત્રણના અરસામાં વરસાદ તુટી પડ્યો હતો.

હવામાન ખાતાના આંકડા અનુસાર બપોરે પોણા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન શહેરમાં 40 મિ.મી. એટલે કે લગભગ પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વીજળીના ગડગડાટ સાથે ધમધોકાર વરસાદ વરસવાના લીધે ગટરો બેક મારી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયાં સમા પાણી ભરાઈ ગયા હતા.

કાદરશાની નાળમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા
બે કલાકના ટૂંકા સમયગાળામાં સતત ધમધોકાર પોણા બે ઈંચ વરસાદ વરસવાના લીધે શહેરના અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. સૌથી કફોડી સ્થિતિ કાદરશાની નાળ વિસ્તારમાં બની હતી. અહીં ઘુંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના લીધે લોકોને રસ્તો ક્રોસ કરવો પણ મુશ્કેલ બન્યો હતો.

Most Popular

To Top